જોઈનિંગ કર્યાના ચાર દિવસમાં યુવા કલેક્ટરની સરાહનીય કામગીરી, કામચોર અધિકારીઓમાં ફફડાટ

Featured National

હૈદરાબાદ: સામાન્ય રીતે આપણા મનમાં એવી છાપ છે કે કલેક્ટર એટલે લાલ લાઈટવાળી કારમાં સૂટબૂટમાં આવે, અને તેમને બધા સલામ ઠોકે. જોકે દેશમાં ઘણા એવા અધિકારીઓ છે, જેઓ સાદગી સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. આવા જ એક કલેક્ટર એટલે સી. નારાયણ રેડ્ડી, જેની આજકાલ ખૂબ ચર્ચા છે.

તલંગણાના નિઝામાબાદના નવા નિમાયેલા કલેક્ટર સી. નારાયણ રેડ્ડીના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમણે કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યાને ચાર દિવસ જ થયા છે અને તેઓ ગુપ્ત રીતે દરરોજ કોઈને કોઈ વિભાગની તપાસ કરી કામચોરી કરતાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સામે સખત પગલાં ભરી રહ્યા છે.

સી. નારાયણ રેડ્ડી વહેલી સવારે 8 વાગ્યે સાઈકલ લઈને કોઈને પણ જાણ કર્યા વગર અલગ-અલગ સરકારી વિભાગનું ચેકિંગ કરવા નીકળી પડે છે. તેમણે હાલમાં સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

તેઓ માથે ટોપી પહેરી સામાન્ય પોશાકમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઓપીડી સહિત ઘણા વોર્ડના દર્દીઓ સાથે વાત કરી હતી .પછી આરઓ વોટર પ્લાન્ટ અને મેડિસિન સ્ટોરમાં ઉપલબ્ધ દવાઓની ચકાસણી કરી હતી. કલેક્ટરે હોસ્પિટલના પ્રભારીને પોતાની ડ્યૂટીમાં લાપરવાહી દેખાડનારા કર્મચારીઓને નોટિસ મોકલવાની સૂચના આપી હતી.

સી. નારાયણ રેડ્ડીએ એક અન્ય સરકારી વિભાગની તપાસ કરતાં ખબર પડી કે અધિકારીઓ ગેરહાજર છે, પણ રજિસ્ટરમાં તેમની હાજરી પુરાયેલી છે. આથી તેમણે અધિકારીઓ સામે સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

સી. નારાયણ રેડ્ડી શહેરના રોડ-રસ્તા, હોસ્પિટલ અને ઓફિસોની ગુપ્ત મુલાકાત લઈને તપાસ કરે છે. નિઝામાબાદના લોકો નવા કલેક્ટરની કામગીરીથી ખુશ છે. સ્થાનિક લોકો કલેક્ટરના વખાણ કરતાં કહે છે કે નિઝામાબાદના લોકોને આવા જ કલેક્ટરની જરૂર હતી, જે ગરીબ જનતાના હિત અને તેમની ભાવનાઓને સમજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *