નર્મદા ડેમના દરવાજા ખોલાતા ગોરા ગામના બ્રિજ પર પાણી ફરી વળ્યું
નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટી 131.20 મીટર પહોંચતા જ રાત્રે ડેમના દરવાજા ખોલી દેવાયા છે. ડેમના દરવાજા ખોલવાથી બે વર્ષથી સુકી પડેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે ડેમમાંથી પાણી છોડાયા બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. નર્મદામાં પાણી વધતા ગોરા ગામ ખાતે આવેલો બ્રિજ પાણીમાં ડુબી ગયો છે.
તંત્ર તરફથી રાત્રે એક વાગ્યે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાત્રે એક વાગ્યાની આસપાસ જ ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ આખે આખો બ્રિજ પાણીમાં ડુબી ગયો હતો.
સવારે આ બ્રિજ પરથી અંદાજે 25 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. બ્રિજ પર પાણી ફરી વળતાં આશરે આઠ જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે આઠ જેટલા અન્ય ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સરદાર સરોવર ડેમ બાદ નીચાણવાળા વિસ્તારમાં સૌપ્રથમ ગોરા બ્રિજ આવે છે. ગોરા બ્રિજ પર લગાવવામાં આવેલી રેલિંગને દર ચોમાસા દરમિયાન કાઢી લેવામાં આવે છે. આ બ્રિજ બંધ થતા આઠ ગામના લોકોએ હવે તેમના ગામમાં પહોંચવા માટે ફરીને જવું પડશે.
નર્મદાના કલેક્ટર આઈ.કે. પટેલે ટ્વિટર પર લખ્યું છે કે, ગોરા બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આથી લોકોને વિનંતી કરવામાં આવે છે કે આ રૂટનો ઉપયોગ કરવો નહીં. લોકો ભંડારા-ગરુડેશ્વર કેવડિયા રૂટ પરથી પોતાના ગામ પહોંચી શકે છે.