ટ્રાન્સજેન્ડર યુવકે યુવતી સાથે કર્યાં લગ્ન, પ્રેમને મેળવવા પૂજામાંથી બન્યો અંકિત
ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુર જીલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુલરિહા પોલીસ પાસે ફરિયાદ લઈ પહોંચેલા એક પિતાએ એક ટ્રાન્સજેન્ડર પર ફોસલાવીને પોતાની દીકરી પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં ફર્રુખાબાદના એક ટ્રાન્સજેન્ડર યુવકે પ્રેમને પામવા લિંગ પરિવર્તન કરાવ્યું હતું. જે પછી તેણે યુવતી સાથે મંદિરમાં લગ્ન કર્યા અને રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ કરી સાથે રહેવા લાગ્યા હતા. હવે યુવતીના પિતાએ આ અંગે વિરોધ વ્યક્ત કરતા પોલીસ ફરિયાદ કરી છે.
યુવતીના પિતાએ આરોપ લગાવ્યો કે, તેમની દીકરીને ફોસલાવી તેની સાથે બળાત્કાર કરવામા આવ્યો છે. જ્યારે યુવક અને યુવતીએ કહ્યું કે- તેઓ બંને પુખ્તવયના છે અને તેમણે પોતાની મરજી લગ્ન કર્યા છે. તેઓ એકબીજાની સાથે જ રહેવા માગે છે.
પિતાની ફરિયાદના આધારે કેસ નોંધી ફર્રુખાબાદમાં રેહતા ટ્રાન્સજેન્ડર અંકિત યાદવને પોલીસ ગોરખપુર લઈ આવી છે. ઈન્સપેક્ટર વિનોદ અગ્નિહોત્રીએ કહ્યું કે, ‘આ મામલે કેસ નોંધી તપાસ હાથ ધરવામા આવી રહી છે. યુવતીનું નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષ નોંધાવવામાં આવશે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે. યુવક ટ્રાન્સજેન્ડર છે કે અન્ય કંઈક તે કોર્ટ નક્કી કરશે….હાલ બંને પક્ષના લોકોની ગુલરિહા પોલીસ સ્ટેશનમાં પંચાયત યોજાઈ રહી છે.’
ગુલરિહા વિસ્તારમાં રહેતી એક 27 વર્ષીય યુવતી ફર્રુખાબાદમાં રહી નોકરી કરતી હતી. લગભગ એક વર્ષ અગાઉ તેની મિત્રતા સાથે કામ કરતી સાતનપુર ફર્રુખાબાદની પૂજા યાદવ સાથે થઈ હતી. પરંતુ પૂજા પોતાને યુવતી નહીં પણ યુવક જેવું માનતી હતી. પૂજા માનતી કે તે પ્રારંભથી જ યુવતીઓ જેવી ફિલિંગ ધરાવતી નથી અને લિંગ પરિવર્તન કરાવી યુવક બનવા માગે છે.
આ દરમિયાન ફર્રુખાબાદની યુવતી અને પૂજા એકબીજાના પ્રેમમાં પડ્યા, જે પછી તેમણે લગ્નનો નિર્ણય કર્યો. લગ્ન અગાઉ પૂજાએ દસ્તાવેજોમાં પોતાનું નામ અંકિત યાદવ કરાવી લીધું. શારીરિક રુપથી પોતાને પુરુષ બનાવવા માટે લિંગ પરિવર્તનની પ્રક્રિયા પણ શરૂ કરાવી દીધી છે.
બંનેએ ફર્રુખાબાદની મંદિરમાં લગ્ન કર્યા બાદ રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ કરાવ્યા અને સાથે રહેવા લાગ્યા. આ ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને થતા તેમણે પોલીસ ફરિયાદ કરી. યુવતીના પિતાએ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ યુવતીએ મરજીથી લગ્ન કરતી હોવાની વાત કહી હતી. બીજી તરફ અંકિતે જણાવ્યું કે, તેના ઘરમાં એક બહેન અને માતા જ છે. પિતાના નિધન બાદ ઘરની જવાબદારી તેની પર આવી ગઈ છે.
લિંગ પરિવર્તન કરાવવા માટે 5 થી 7 લાખનો ખર્ચ આવશે તે તેને જાણ થઈ હતી. જેના કારણે એક ખાનગી કંપનીમાં નોકરી કરી અંકિત ઘરની જવાબદારીની સાથે લિંગ પરિવર્તનની પ્રક્રિયા માટે પણ મહેનત કરી રહ્યો છે. અંકિતે જણાવ્યું કે, તેને અમુક મિત્ર અને શુભચિંતકો પણ મદદ કરી રહ્યાં છે. અંકિતની પોલીસે ધરપકડ કરી તો ટ્રાન્સજેન્ડરના હક્કો માટે લડતું ગાલીબંદ એનજીઓ આગળ આવ્યું છે.