Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightદીકરા ગુમાવતા ભાંગી પડ્યું હતું દંપતી, હવે બે ભાઈઓને લીધા દત્તક, છવાયો...

દીકરા ગુમાવતા ભાંગી પડ્યું હતું દંપતી, હવે બે ભાઈઓને લીધા દત્તક, છવાયો હરખ

નિઃસંતાન દંપતીઓ કે પછી પોતાના બાળકોને ખોઇ બેસેલા લોકો પણ હવે અનાથ બાળકોને દત્તક લેવા લાગ્યા છે. આમ કરવાથી અનાથ બાળકોને માતા-પિતા મળી જાય છે અને દંપતીને બાળકો. આવો જ એક કિસ્સો જોવા મળ્યો વડોદરામાં. જ્યાં બે અનાથ ભાઇઓને દંપતીએ દત્તક લીધા. 3 વર્ષ પહેલા ડૂબી જતા દંપતીએ બે પુત્રો ગુમાવ્યા હતા, આજે નવા સ્વરૂપમાં તેમને દીકરાઓ પરત મળ્યા. બીજી તરફ બંને અનાથ સગા ભાઇઓને પણ માતા-પિતાનો પ્રેમ મળતાં તેઓ જે સંસ્થામાં રહેતા હતા ત્યાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો.

આ અંગેની વિગત એવી છે કે વડોદરાના દીપક ફાઉન્ડેશન સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં પોતાનું બાળપણ વિતાવનાર બે ભાઇઓને કિશોરાવસ્થામાં માતા-પિતાની છત્રછાયા અને પ્રેમ મળ્યો છે. જ્યારે બીજી તરફ અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી એક સાથે બે પુત્રોને ગુમાવનાર વડોદરાના પ્રજાપતિ દંપતીને આ બંને ભાઇઓ રૂપે પોતાના દીકરાઓ પાછા મળ્યા છે. આ દંપતીએ બે સગા ભાઇઓને દત્તક લઇને સામાજિક જવાબદારી નિભાવી છે. જેને લઇ તેમના ઘરમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવો હરખ છવાયો છે.

જો વાત કરીએ બાળકોની તો બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી દેનાર સન્ની અમરસિંહ પંચાલ અને અર્જુન અમરસિંહ પંચાલ જ્યારે નાની ઉંમરના હતા ત્યારે તેમને સંસ્થામાં લાવવામાં આવ્યા હતા. સંકુલમાં જ બાળપણ વિતાવનાર સન્ની (ઉં.વ.18) હાલ ધોરણ-10માં, જ્યારે અર્જુન (ઉં.વ.16) ધોરણ-9માં ભણીને પોતાના સપનાઓ પૂરા કરવા મહેનત કરી રહ્યા છે. સંસ્થાના કર્મચારીઓ પણ તેમને સારા માતા-પિતા અને ઘર મળે તેના પ્રયાસો કરી રહ્યા હતા. દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમની મદદથી વડોદરાના પ્રતાપનગર રોડ વિસ્તારમાં રહેતા નિલેશભાઇ પ્રજાપતિ અને ભારતીબહેન પ્રજાપતિ બાળક દત્તક લેવા માટે સંસ્થામાં આવ્યા. સન્ની અને અર્જુનને જોયા બાદ તેમને પોતાના દીકરાઓના દર્શન થયા.

વાત એમ છે કે, નિલેશભાઇ અને ભારતીબહેન પ્રજાપતિને સંતાનમાં બે દીકરાઓ હતા. વર્ષ 2017માં તેઓ પ્રવાસે ગયા હતા તે સમયે એક સાથે બંને પુત્રોનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હતું. બંને દીકરાઓને ગુમાવી દેવાના દુઃખથી પ્રજાપતિ દંપતી ભાંગી પડ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી પ્રજાપતિ દંપતી પુત્રોને યાદ કરીને જીવન જીવી રહ્યા હતા. તેમના હ્રદયના એક ખૂણામાં એવી ઈચ્છા દબાયેલી હતી કે, તેઓના પુત્રો જેવા બે સંતાનો મળી જાય. જેથી પોતાનું ઘર ફરીવાર હસતુ-રમતું થઇ જાય. આથી તેમણે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેમણે બાળપણથી રહેતા અને ઉછેરેલા પંચાલ ભાઇઓ સન્ની અને અર્જુનને દત્તક લેવાનું માનવીય કાર્ય કર્યું.

બીજી તરફ અનાથ એવા સન્ની અને અર્જુનને નવા માતા-પિતા મળતા તેમની આંખો ખુશીના આંસુથી છલકાઇ ગઇ હતી. સંસ્થાના દોસ્તોથી દૂર થવાનું હોવાથી બંને ભાઇઓ દુઃખના આંસુ પણ રોકી શક્યા ન હતા. મિત્રોની આંખો પણ ભીંજાઇ ગઇ હતી. જોકે, મિત્રોને એ વાતની ખુશી પણ હતી કે, સન્ની અને અર્જુનને માતા-પિતા મળી ગયા છે. સન્ની અને અર્જુનના વિદાય સમારંભ સમયે સાથે મિત્રએ વિદાય ગીત ગાઇને કાર્યક્રમમાં હાજર તમામ લોકોને લાગણીશીલ બનાવી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page