ઘરના આંગણામાંથી એક સાથે બે ભાઈઓની અર્થી ઉઠી, જોનારાની આંખો ભરાઈ આવી

રાજસ્થાનના બાડમેરમાં બે સગા ભાઈઓના અવસાનથી આખા ગામમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. નાના ભાઈના મૃત્યુ બાદ ઘરે પહોંચેલ મોટાભાઈનું પાણીની ટાંકી પરથી પડતાં અવસાન થયું છે. ઘરેથી એકસાથે બે ભાઈઓની અર્થીઓ ઉઠતાં જ પરિવારજનો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. બંને ભાઈઓના એકજ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ ઘટના બાડમેરના સિણધર કસ્બાના હોડૂ ગામની છે.

મળેલી માહિતી અનુસાર, હોડૂ ગામના સારણોના તલા નિવાસી 26 વર્ષિય સુમેર સિંહ ગુજરાતના સુરતમાં કામ કરી રહ્યા હતા. એક દિવસ પહેલાં એટલે કે, મંગળવારે પગ લપસતાં તે નીચે પડી ગયો હતો. પરંતુ ઈલાજ દરમિયાન સુમેર સિંહનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. ત્યારબાદ શબને અંતિમ સંસ્કાર માટે સારણોમાં લાવવામાં આવ્યું. નાના ભાઈના મૃત્યુ બાદ મોટા ભાઈ સોહનને ગામ બોલાવવામાં આવ્યો.

બુધવારે સવારે સોહન સિંહ ઘરેથી થોડે દૂર આવેલ ટાંકીમાંથી પાણીની ડોલ ભરી રહ્યો હતો. તે અચાનક જ તેમાં પડી ગયો અને તેનું મૃત્યુ થયું. 28 વર્ષના સોહન સિંહ જયપુરમાં સેકન્ડ ગ્રેન્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પિતાની તબિયત બગડવાનું બહાનું કાઢી સોહન સિંહને ગામ બોલાવવામાં આવ્યો હતો. આ દુર્ઘટના બાદ પરિવાર પર તો જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

કહેવાય છે કે, સોહન લાંબા સમય સુધી ઘરે પાછો ન ફરતાં પરિવારના લોકો ટાંકી પાસે ગયા અને જોયું તો શબ પાણીમાં તરી રહ્યું હતું. તરત જ આ દુર્ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી અને શબને બહાર કાઢી પોસ્ટમૉર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરવામાં આવી. ગામના વડીલોએ જણાવ્યું કે, બંને ભાઈઓ વચ્ચે બહુ સારો મનમેળ હતો. સોહન સિંહ ભણવામાં બહુ હોશિયાર હતો અને સુમેર સિંહ ભણવામાં થોડો નબળો હતો. મોટાભાઈ સોહનનો ભણવાનો ખર્ચ પણ નાનો ભાઈ જ ઉપાડતો હતો.

પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે
સિણધરી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સુરેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર, એક ભાઈનું સુરતમાં છત પરથી પડતાં મૃત્યુ થયું હતું. ત્યાં બીજા ભાઈનું પાણીની ટાંકીમાં પડતાં મૃત્યુ થયું, પરિવારજનોનું કહેવું છે કે, પગ લપસતાં જ પાણીની ટાંકીમાં પડતાં સોહનનું મૃત્યુ થયું છે. તો આત્મહત્યાની આશંકા જણાઈ રહી છે. એવામાં પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે.

જ્યારે ઘરના આંગણમાંથી એકસાથે બે ભાઈઓની અર્થી ઉઠી ત્યારે ચારેય તરફ રોકકળ થઈ ગઈ. પરિવારજનોની રડી-રડીને હાલત ખરાબ થઈ છે. બંને શબોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યાં. ત્યાં પરિવારજનોએ એકજ ચિતા પર બંનેને મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા.

Similar Posts