આ લક્ઝુરિયર્સ હોટેલમાં રોકાઈ હતી કિંજલ દવે, તસવીરો જોઈને જ કહેશો- ‘શું મસ્ત હોટેલ છે’

સામાન્ય રીતે બોલિવૂડ સેલેબ્સ વેકેશન માણવા જાય ત્યારે મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. જોકે હવે ગુજરાતી કલાકારો અને સિંગરમાં પણ વેકેશન માણવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. હાલમાં જ ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવે પરિવાર અને ફિયાન્સ સાથે ફરવા ગઈ હતી. કિંજલ દવેએ આ વખતે માઈન્ડ ફ્રેશ કરવા માટે તળાવોની નગરી ઉદયપુરની પસંદગી કરી હતી. કિંજલ દવેએ પરિવાર અને ફિયાન્સ સાથે અહીં ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. આ અંગેની તસવીરો ખુદ કિંજલ દવેએ તેના સ્ટેટ્સ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી છે.

ઉદયપુરમાં કિંજલ દવેએ રહેવા માટે જે હોટેલ પસંદ કરી હતી તે કોઈ જેવી તેવી હોટલ નહોતી. કિંજલ દવે ઉદયપુરના પિચોલા લેકના કાંઠે આવેલી ફેમસ ફાઈવ સ્ટાર હોટેલ ‘ધ લિલા પેલેસ’માં રોકાઈ હતી. ફરવાના શોખીનો માટે આ હોટેલ એક આકર્ષણનું કેન્દ્ર છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ કિંજલ દવે જે હોટેલમાં રોકાઈ હતી તે લિલા પેલેસનું એક દિવસનું ટેક્સ સાથેનું મિનિમમ ભાડું 25 હજાર રૂપિયા છે. જોકે હોટેલનો નજારો તમને આંજી દે તેવો છે.

આ હોટેલમાં મિનિમમ ભાડું 25 હજાર રૂપિયા છે. હોટેલમાં અલગ અલગ કેટેગરીના રૂમ પ્રમાણે ભાડું છે. જેમાં 30 હજાર, 50 હજાર, 90 હજાર, 3 લાખ અને 8 લાખના ભાડા સહિત કુલ 8 કેગેટરીમાં રૂમ છે. આ હોટેલમાં સૌથી મોંઘા સ્યૂટ Maharaja Suiteનું એક દિવસનું ભાડું 8 લાખ રૂપિયા છે.

પિચોલા લેકના કાંઠે આવેલી આ હોટેલને વર્ષ 2019માં વિશ્વ પ્રસિદ્ધ ટ્રાવેલ મેગેઝિન ‘ટ્રેવલ+લેજર’ દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ હોટલનો ખિતાબ મળ્યો હતો. હોટેલથી લેકમાં બોટિંગ કરવાની પણ વ્યવસ્થા છે.

હોટેલ ‘ધ લિલા પેલેસ’ના રૂમમાંથી પિચોલા લેકનો આકર્ષક નજારો જોવા મળે છે. રૂમનું એલિગન્ટ ફર્નિચર અને માર્બલના બાથરૂમ અન્ય હોટેલ કરતાં ‘ધ લિલા પેલેસ’ને અલગ પાડે છે.

જોકે આજે ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કિંજલ દવેને નહીં ઓળખતો હોય. ત્રણ વર્ષ પહેલાં ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈને રાતોરાત ગુજરાતીઓના દિલમાં વસી ગયેલી કિંજલનું જીવન ખૂબ સંઘર્ષમય વીત્યું છે. કિંજલના પિતા હિરા ઘસતા અને એક રૂમના ભાડાના મકાનમાં રહેતા. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું.

કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા. કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો. ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું, જેમાંથી બે વાર ચા બનતી.

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા. કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી. કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું. કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં ‘જોનડિયો’ નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો. આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું. ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.

કિંજલ ભણવાની સાથે સ્ટેજ પ્રોગામ કરતી. કિંજલ દવેને પિતા ઉપરાંત મનુભાઈએ રબારીએ સપોર્ટ કરતાં તેનો સિતારો ચમકવા લાગ્યો. મનુભાઈ રબારીએ કિંજલને અનેક આલ્બમમાં ચમકવામાં મદદ કરી. વર્ષ 2017માં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ. આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ.

ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી. હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.

કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે. કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે. કિંજલને ચહેર માતાજી અપાર શ્રદ્ધા છે. તે ગામડે આવેલા ચહેર માતાજીના મંદિર અવાર-નવાર દર્શન કરવા જાય છે. લાખો ચાહકોના દિલમાં રાજ કરનાર કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી. પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.

કિંજલના મંગેતર પવન જોષીના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. કિંજલ દવેએ 100થી વધુ ગુજરાતી આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે. કિંજલના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે.

કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના અવાજના જાદૂથી ગુજરાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું છે. કિંજલ દવે આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.