શહેરના એશોઆરામ છોડીને પર્વતની વચ્ચે આ યુગલે બનાવ્યું ઘર, જોતા જ મન થઈ જશે ખુશ!
દેહરાદૂનઃ આજના સમયમાં ભાગદોડ એટલી વધી ગઈ છે કે વ્યક્તિ શાંતિ, ચેન ને આરામ શોધે છે. ક્યારેક આ બધાની શોધમાં તે એવું કામ કરી નાખે છે કે તેની ચર્ચા ચારેબાજુ થવા લાગે છે. આવું જ કંઈક એક ભારતીય દંપતીએ કર્યું છે. પતિનું નામ અનિલ ચેરુકુપલ્લી અને પત્નીનું નામ અદિતી છે. આ દંપતી ખાસ કારણોને લીધે હાલ ટૉક ઓફ ધ ટાઉન બન્યું છે.
2018થી શહેરથી દૂર થયાઃ અનિલ તથા અદિતીએ 2018માં શહેરની દોડતી ભાગતી જિંદગીને ટાટા બાય બાય બોલી દીધું હતું. તેમણે પર્વતની વચ્ચે કુદરતના ખોળામાં પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું હતું. ઘર એટલું સુંદર છે કે માત્ર એક નજરમાં જ મનમાં શાંતિ મળે છે. ઘર ઘણી જ સુંદર જગ્યાએ બનાવવામાં આવ્યું છે. શાંતિ તથા શુદ્ધ વાતાવરણથી મન પ્રસન્ન થઈ જાય છે.
અનિલ તથા અદિતી ટ્રાવેલ લવર્સ છે. બંનેએ પર્યાવરણમાં કામ કર્યું છે. બંને પ્રકૃતિ પ્રેમી છે. બંને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચ તથા વન્યજીવો તથા ઈકોસિસ્ટમ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા માટે કામ કરેલું છે.
અનિલે કહ્યું હતું કે બંનેની વિચારધારામાં નોકરીને કારણે પરિવર્તન આવ્યું હતું. એક નાનકડું ઘર તથા એક ફાર્મ આવા ઘરનું સપનું તેમણે જોયું હતું. તેમને મહેમાનો માટે આવી જ જગ્યા જોઈતી હતી. તેઓ અહીંયા આરામથી અને શાંતિથી રહી શકે.
અનિલ તથા અદિતીએ પોતાનું ઘર ઉત્તરાખંડના ફગુનીખેત વિસ્તારમાં બનાવ્યું છે. તેમનું ઘર જમીનથી પાંચ હજાર ફૂટ ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે. બંનેએ પોતાના ઘરનું નામ ફાગુનિયા ફાર્મસ્ટે રાખ્યું છે.
ત્રણ માળનું ઘર જોઈને કોઈને પણ નવાઈ લાગે છે. આ ઘર ભૂકંપ પ્રતિરોધક છે. ઘરની મજબૂતી એવી છે કે 100 વર્ષ સુધી પાયા નબળા પડી શકે તેમ નથી. ઘરમાં પથ્થર તથા લાકડીનો એ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે ઘરનું તાપમાન અનુકૂળ રહે છે.
અનિલ તથા અદિતીને ઘર તૈયાર કરવામાં 2 વર્ષનો સમય થયો હતો. ઘરને દરેક ઋતુ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે. અનિલ તથા અદિતીના મતે, બે ફૂટ લાંબી પથ્થરની દીવાલ ઘરને ગરમીમાં ઠંડું તથા ઠંડીમાં ગરમ રાખે છે. ઘરને પારંપરિક આર્કિટેક્ચરલ પ્રેક્ટિસથી બનાવવામાં આવ્યું છે.