Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratMSUમાં અભ્યાસ કરી યુવતીને બસે કચડી નાખી, સુરતમાં પરિવારની મળીને વડોદરા આવીને...

MSUમાં અભ્યાસ કરી યુવતીને બસે કચડી નાખી, સુરતમાં પરિવારની મળીને વડોદરા આવીને મોત મળ્યું

વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસ ચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય, તે સ્પષ્ટ જણાય છે. આ કમકમાટી ભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે બસના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના અમરોલી ખાતે 60, શિવનગરની રહેવાસી 24 વર્ષીય શિવાની રણજીતસિંહ સોલંકી એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી હતી અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે બપોરે શિવાની સિટી બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી. તે દરમિયાન પાછળથી આવેલી બસ તેના ઉપર ચડી ગઈ હતી. જેમાં શિવાની ગંભીર રીતે ઇજા પામતા તુરંત જ તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સેન્ટ્રલ એસટી ડેપો સ્થિત જનમહલ સિટી બસ ડેપોમાં બનેલી આ ઘટનાએ ડેપોના મુસાફરોમાં અરેરાટી ફેલાવી દીધી હતી અને સિટી બસ ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

જોકે ડેપો સ્થિત મુસાફરો સિટી બસ ચાલક સામે રોષ ઠાલવે તે પહેલાં પોતાની બસ સાઈટ ઉપર મૂકીને સલામત સ્થળે જતો રહ્યો હતો. આ બનાવ બનતા ડેપોથી સ્થિત મુસાફરો એકત્ર થઇ ગયા હતા. સિટી બસ ડેપોમાં બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. વાઇરલ થયેલા CCTVમાં સ્પષ્ટ જણાય છે કે, સિટી બસનો ચાલક જયેશ વિદ્યાર્થિની શિવાની માટે યમદૂત બનીને આવ્યો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ શિવાનીના મોતના સમાચાર તેના સુરત સ્થિત પરિવારજનોને થતાં માતા-પિતા મોડી સાંજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.

વડોદરા પહોચેલા પરિવારે શિવાનીના મોતના સમાચાર સાંભળતા વજ્રઘાત સમો આચકો અનુભવ્યો હતો. મોતને ભેટેલી શિવાનીના પિતા સુરતમાં હિરા ઘસવાની કંપનીમાં કામ કરે છે. અને દીકરી શિવાનીને અભ્યાસ માટે વડોદરા મોકલી હતી. શિવાની ચાર દિવસ પહેલાં સુરત પરિવારને મળવા માટે ગઇ હતી અને મંગળવારે બપોરે ટ્રેનમાં વડોદરા આવવા માટે નીકળી હતી. દરમિયાન 4 વાગ્યાના સુમારે તે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાંથી જન મહેલ સિટી બસ ડેપોમાં થઇ ચાલતા બહાર નીકળી રહી હતી. તે દરમિયાન આ કરુણ ઘટના બની હતી. શિવાની બે ભાઇઓ વચ્ચે એકની એક બહેન હતી.

અરેરાટીભર્યા આ બનાવ અંગે શિવાનીના પિતાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અને શિવાની માટે યમદૂત બનેલી સિટી બસના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page