પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં 9 મહિલા અને 2 યુવતી પર રેપ કરનાર ચેનમેનને કોર્ટે ફાંસી સજા ફટકારી છે. આ આરોપી સાયકલની ચેનથી મહિલાનું ગળું દબાવીને હત્યા કરતો હતો. 38 વર્ષના દોષી કમરૂજ્જાને કોર્ટે રેપ અને મર્ડરના કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. પૂર્વી બર્દવાન જિલ્લાના પોલીસ અધિકારી ભાસ્કર મુખર્જીએ જણાવ્યું કે,”આરોપી કમરૂજ્જાએ મે, 2019માં 16 વર્ષની યુવતી પર રેપ કર્યો હતો અને આ સિવાય તેણે 9 મહિલાની હત્યા કરી છે. 2 જૂન 2019માં તેની ધરપકડ કરાઇ હતી. જિલ્લા અને સત્ર ન્યાયાઘીશની કોર્ટે આ ચેનમેનને ફાંસી સજા કરી છે.
આરોપી સામે બે જિલ્લા પૂર્વી બર્દવાન અને હુગલીમાં 15થી વધુ કેસ નોંધાયા છે. જે મહિલાઓની હત્યા કરી હતી તેમની ઉંમર 16થી 75ની વચ્ચેની હતી. આ ખુંખાર આરોપી સામે હત્યા રેપની સાથે લૂંટફાટ ચોરીના કેસ પણ નોંધાયા છે. તે પીડિતા સાથે લૂંટફાટ પણ કરતો હતો. આ તમામ ગુના વર્ષ 2013થી 2019ની વચ્ચે નોંધાયા છે.
આ કેસના સરકારી વકીલ સૌમ્યજીતે જણાવ્યું હતું કે, “આ કેસમાં મેં પહેલાથી કડકમાં કડક સજાની કોર્ટમાં અપીલ કરી હતી. આ વિકૃત વ્યક્તિ મહિલા પર હુમલો કરતો અને તેમની સાથે લૂંટફાટ ચલાવતો અને દુષ્કર્મ બાદ તેને મોતના ઘાટ ઉતારી દેતો. આનાથી વધુ જધન્ય કૃત્ય બીજું કંઇ હોઇ જ ન શકે.”
આ ખૂંખાર આરોપીના હુમલાથી બચી ગયેલા લોકોએ પોલીસને આપવિતી જણાવી હતી કે, “આરોપી કમરૂજ્જા મીટર રીડિંગના બહાને એક અધિકારીના ઘરમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. તે મોટા ભાગે સાયકલની ચેઇનથી વાર કરતો હતો આ કારણથી બર્દવાન અને હુગલી બંને જિલ્લામાં તે ‘ચેનમેન’ના નામથી જ કુખ્યાત હતો.
આ આરોપી મહિલાઓ પર બપોરના સમયે હુમલો કરતો હતો. સામાન્ય રીતે બપોરના સમયે પુરૂષો કામ પર બહાર હોય. એસપી મુખર્જીએ જણાવ્યું કે, “આ સમયનો લાભ ઉઠાવીને તે બપોરના સમયે હુમલો કરતો. ઘરમાં મહિલા એકલી ક્યાં સમયે હોય છે, એ જાણવા માટે તે ઘરની આસપાસ 2થી3 દિવસ સુધી રેકી કરતો હતો”