નવી દિલ્હી: INX કેસમાં ધરપકડ કરવામાં આવેલ પી. ચિદમ્બરમને 5 દિવસ માટે સીબીઆઈના રિમાન્ડમાં મોકલવાનો નિર્ણય કરતાં કોર્ટે ઘણી મહત્વની ટીપ્પણીઓ પણ કરી હતી. પૂર્વ નાણાં અને ગૃહમંત્રી રહી ચૂકેલા ચિદમ્બરમના રિમાન્ડનો નિર્ણય કરતાં કોર્ટે કહ્યું હતું કે, ચિદમ્બરમ વિરૂદ્ધ આરોપ ગંભીર પ્રકૃતિના છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે.
પૂર્વ કેન્દ્રિય મંત્રીને રિમાન્ડ માટે મોકલવાનો નિર્ણય કરતાં વિશેષ સીબીઆઈ કોર્ટના જજ અજય કુમારે કહ્યું હતું કે, તપાસને તાર્કિક અંત સુધી પહોંચાડવી જરૂરી હોય છે અને આ માટે ઘણી વખત અટકાયત કરીને પૂછપરછ કરવી ઉપયોગી અને ફાયદાકારક સાબિત થાય છે.
કોર્ટે કહ્યું હતું કે, આ કેસ મની ટ્રેલનો છે જે વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરવી જરૂરી છે. જજે કહ્યું હતું કે, આ કેસ સંપૂર્ણ રીતે ડોક્યુમેન્ટ્રી એવિડેન્સ પર આધારિત છે અને તેની પ્રમાણિકતા માટે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આટલું જ નહીં કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં થયેલા ભ્રષ્ટાચારમાં પી. ચિદમ્બરમની કથિત સંડોવણીને લઈને પણ મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, ચિદમ્બરમને 2007-08 અને 2008-09માં ચૂકવણી કરવાની વાત એકદમ સ્પષ્ટ અને વર્ગીકૃત છે.
મહત્વની વાત એ છે કે, જજે પી. ચિદમ્બરમને થોડી રાહત આપતાં દરરોજ 30 મીનિટ સુધી વકીલો અને સ્નેહીજનો સાથે મુલાકાતની છૂટ આપી છે. કોર્ટે એ પણ કહ્યું હતું કે, સીબીઆઈ એ વાતનું પણ ધ્યાન રાખે કે ચિદમ્બરમની વ્યક્તિગત ગરિમાનો કોઈ પ્રકારનો ભંગ થાય નહીં.
અદાલતમાં સુનાવણી દરમિયાન પી. ચિદમ્બરમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ તેઓને બોલવા દેવાની માગ કરી હતી. એસજી તુષાર મહેતાના વિરોધ બાદ પણ તેઓને બોલવાની તક મળી હતી. ચિદમ્બરમે કહ્યું હતું કે, મહેરબાની કરીને તમે સવાલ અને જવાબને જુઓ. એવો કોઈ સવાલ નથી કે જેનો જવાબ મેં ન આપ્યો હોય. તમે ટ્રાન્સ્ક્રિપ્ટ વાંચો. તેમણે મને પૂછ્યું કે, શું મારું બહાર કોઈ ખાતુ છે, મેં કહ્યું નથી. તેમણે પૂછ્યું કે મારા પુત્રનું વિદેશમાં કોઈ ખાતુ છે, મેં કહ્યું હા.