ચાર સંતાનોને મૂકીને પ્રેમી સાથે ભાગેલી મહિલા પડકાઈ, કેમ ભાગી ગઈ હતી? મહિલાએ જણાવી આપવીતી

Gujarat

રાજકોટના જેતપુરમાં 13 દિવસ પહેલાં પ્રેમી સાથે ભાગી ગયેલી ચાર સંતાનની માતાને પોલીસે પકડી પાડી છે. હચમચાવી મૂકતી આ શરમજનક ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસે શોધખોળ બાદ મહિલાને તેના પ્રેમી સાથે સોમનાથથી ઝડપી લીધી છે. પોલીસ સોમવારે રાત્રે તેને જેતપુર પોલીસ સ્ટેશન લાવી હતી. જ્યાં મહિલાનું તેના પતિ અને સંતાનો સાથે મિલન કરાવ્યું હતું.

નોંધનીય છે કે 13 દિવસ માની મમતાને લજવતી એક ઘટના જેતપુરમાં બની છે. ઉત્તરપ્રદેશથી જેતપુર મજૂરી કરવા આવેલા ત્રિલોકસિંહ રાજાવાડ નામના યુવાનની પત્ની આરતી રાજાવાડ પ્રેમમાં અંધ બની 4 સંતાનને રઝળતા મુકી પ્રેમી સાથે ભાગી ગઈ છે. માતા ભાગી ગયા બાદ એક વર્ષના પુત્રના રડી રડીને હાલ બેહાલ થયા હતા. આ અંગે પતિએ જેતપુર પોલીસમાં અરજી કરી હતી. પતિ મજૂરી માટે બનાસકાંઠા ગયો હતો અને પાછળથી પત્ની ચારેય સંતાનને રઝળતા મુકી પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

ફરિયાદ મળ્યા બાદ જેતપુર પોલીસે મહિલાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન સોમવારે સાંજે પોલીસે મહિલાને તેના પતિ સાથે પકડી પાડ્યા હતા. પોલીસ પ્રેમીપંખીડાને જેતપુર લાવી હતી. જ્યાં મહિલાનું તેના પતિ અને ચાર સંતાનો સાથે મિલન કરાવ્યું હતું.

ભાગી ગયેલી મહિલા આરતી રાજાવડે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે તેને તેનો પતિ લગ્નના 9 વર્ષથી માર મારતો હતો. ઘરમાંથી બહાર નીકળવા દેતો નહોતો. આ અંગે કોઈને ફરિયાદ પણ કરી શકતી નહોતી. આથી તે ભારે હૈયે નાના બાળકોને મૂકી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. મહિલાએ એવું પણ કહ્યું હતું કે હાલ તે સંતાનોને અપનાવી લેશે. જોકે તેણે એવું પણ કહ્યું હતું કે સંતાનો સાથે તે પતિ સાથે નહીં પણ પ્રેમી સાથે રહેવા માંગે છે. પોલીસે સમજાવતા મહિલા હાલ પતિ સાથે તેના ઘરે જવા રાજી થઈ છે.

આમ જેતપુર પોલીસની કાર્યવાહીથી એક પરિવારનો વિખેરાતો માળો પાછો એક થયો છે. ચાર-ચાર સંતાનોનું તેની માતા સાથે મિલન કરાવી આપતા પોલીસના કાર્યની પ્રશંસા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *