યશ બેંકના રાણા કપુર મુંબઈનાં પોશ એરિયામાં આ આલિશાન મહેલમાં વિતાવે છે વૈભવી જીવન, જુઓ તસવીરો
મુંબઈ: હજારો કરોડ રૂપિયાની મની લોન્ડરીંગના કેસમાં ધરપકડ કરાયેલ યસ બેંકના સ્થાપક રાણા કપૂર તેની વૈભવી જીવનશૈલી માટે જાણીતા હતા. લંડનમાં અકલ્પ્ય સંપત્તિ એકત્રીત કરનારા રાણા કપૂરની ભારતમાં પણ ઘણીબધી સંપત્તિ બનાવી રાખી છે. રાણા કપૂરના પરિવારે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બાજુમાં 128 કરોડનો બંગલો ખરીદ્યો હતો. ચાલો જાણીએ કે આ બંગલો કેવો છે અને તેની વિશેષતા…
ભારતનાં 10 સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે રાણાનું ઘર
યસ બેંકના સ્થાપક રાણા કપૂરના પરિવારે વર્ષ 2018માં 128 કરોડના ખર્ચે રહેણાંક જમીન ખરીદી હતી. રાણાના પરિવારે આ જમીન પર તેમના સપનાનો મહેલ બનાવ્યો છે. બિઝનેસ ઇન્સાઇડરના રિપોર્ટ પ્રમાણે તે ભારતના 10 સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. આ બંગલો મુંબઇના પોશ વિસ્તાર ટોની એલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે. આ બિલ્ડિંગ અગાઉ સિટી ગ્રુપની હતી.
‘એન્ટિલિયા’ની જોડે જ છે રાણા કપૂરનો બંગલો
મુકેશ અંબાણીના બંગલા ‘એન્ટિલિયા’ની બાજુમાં જ રાણા કપૂરનો બંગલો છે. 44 અબજ રૂપિયાની કિંમતવાળા એન્ટિલિયાની બાજુમાં હોવાથી, રાણાનો આ મહેલની ચર્ચા ઓછી કરવામાં આવે છે પરંતુ સુવિધાઓના મામલામાં તે લાજવાબ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલો ખુર્શીદાબાદ બિલ્ડિંગમાં 6 એપાર્ટમેન્ટમાં બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ રહે છે. રાણાના આ ‘મહેલ’ ના બંગલામાં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા પણ રહે છે.
પત્નીનાં નામે ખરીદ્યો હતો બંગલો
આ બિલ્ડિંગને કપૂરની પત્ની બિંદુ અને એક ખાનગી કંપનીના નામે ખરીદવામાં આવી છે. આ બિલ્ડિંગની ખરીદી કર્યા પછી, રાણાએ કહ્યું, “મારા પરિવારે (સંપત્તિ) ખરીદી છે, મે ખરીદી નથી.” દિલ્હીમાં જન્મેલા રાણા કપૂરે એક બેંકર તરીકે શરૂઆત કરી હતી અને ભારતની ચોથી મોટી ખાનગી બેંક યસ બેંકની સ્થાપના કરી હતી. રાણા કપૂરની પત્નીએ લગભગ એક વર્ષ સુધી દક્ષિણ મુંબઈમાં શોધખોળ કર્યા પછી આ બંગલો ખરીદ્યો હતો. આ બિલ્ડિંગનો કુલ બિલ્ટ-અપ એરિયા 14,800 ચોરસ ફૂટ છે.
લંડનમાં પણ રાણાની પાસે છે અગણિત સંપત્તિ
લંડનમાં પણ રાણા કપૂરે અગણિત સંપત્તિ બનાવી રાખી છે. ઇડીના રડાર પર લગભગ 2 હજાર કરોડનું રોકાણ, 44 મોંઘી પેઇન્ટિંગ્સ અને ડઝનેક શેલ કંપનીઓ છે. આ કંપનીઓની મદદથી પૈસા રાણા કપૂર અને પરિવારને ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. ઇડીના અધિકારીઓ એ જાણવા માગે છે કે, એવું તો શું થયું કે, નવેમ્બર 2019માં, રાણા કપૂરે યસ બેંકમાં તેના બધાં જ શેર વેચી નાંખ્યા, જ્યારે તેઓ એમ કહેતા હતા કે તેઓ ક્યારેય યસ બેન્કમાં તેના શેર્સ વેચશે નહીં. તેઓ તેને પોતાનો ડાયમંડ ગણાવતા હતા.