Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightમહિને 3-4 હજાર રૂપિયાની કરે છે બચત, ધાબે ઉગાડે છે શાકભાજી

મહિને 3-4 હજાર રૂપિયાની કરે છે બચત, ધાબે ઉગાડે છે શાકભાજી

મહેન્દ્ર સાચન પર શાકભાજીના વધતા ભાવોની કોઈ અસર થતી નથી, કારણ કે, તેઓ પોતાના ઘરના ધાબા પર જ 20થી વધુ પ્રકારની શાકભાજી ઉગાડે છે. પેસ્ટિસાઈડ્સ અને કેમિકલયુક્ત ખાતર નાંખી ઉગાવવામાં આવતી સમયે આપણે વિચારતા હોઈએ છીએ કે, આપણી પાસે જમીન હોત તો આપણે કેમિકલ વગર જ શાકભાજી ઉગાડતે..મહેન્દ્ર સાચને આ સપનું પૂર્ણ કર્યું પરંતુ એ પોતાની કોઈ જમીન પર નહીં પણ ઘરના ધાબા પર જ.

મહેન્દ્ર સાચને જણાવ્યું કે, પોતાના ધાબા પર ઉગતી શાકભાજી ઉગાડી તે સામાન્ય રીતે 2500 થી 3000 રૂપિયાની બચત કરી લેશે. તેઓ પોતે ઓર્ગેનિક શાકભાજી ખાય છે અને પાડોશીઓમાં પણ વહેંચે છે. લખનૌના મુંશી પુલિયા વિસ્તારમાં રહેતા મહેન્દ્ર સાચન ખાવાના શૌખીન છે પરંતુ મોંઘી તથા કેમિકલ યુક્ત શાકભાજી તેમના ભોજનનો સ્વાદ બગાડતી હતી. કોઈ ઉપાય ના મળતા તેમણે પોતાના 2 માળના ઘરના ધાબા પર જ કિચન ગાર્ડન તૈયાર કરી નાંખ્યું.

સાચન કહે છે કે,‘ભોજન અને સ્વાસ્થ્ય તમામ માટે મહત્ત્વપૂર્ણ છે. શાકભાજીઓ પરના કેમિલક છંટકાવથી સ્વાસ્થ્ય સુધરવા કરતા બગડે છે. પ્રારંભમાં મે કેમિકલ મુક્ત શાકભાજી ઉગાડવા નાના પાયે શરૂઆત કરી. આ શાકભાજીઓનો સ્વાદ ચાખ્યા બાદ આખા ધાબા પર કિચન ગાર્ડન તૈયાર કરી દીધું.’

મહેન્દ્રએ જણાવ્યું કે, ‘મે દૂધી, રિંગણા, ટમાટર, મૂળાથી શરૂઆત કરી હતી. કેમિકલ વગરની શાકભાજીઓનો સ્વાદ પરિવારજનો ઉપરાંત પાડોશીઓને પણ ગમ્યો હતો. તેમણે જણાવ્યું કે- આ શાકભાજીઓ ગળવા અને પાકવામાં સમય પણ ઓછો લે છે. ઓર્ગેનિક શાકભાજીમાં કેમિકલયુક્ત શાકભાજી કરતા વધુ પૌષક તત્ત્વો હોય છે. હું સિઝન અનુસાર શાકભાજી ઉગાડવાનું કામ કરું છું, જેથી કુદરતી રીતે જ તેનું ઉત્પાદન વધે. ગત 12 વર્ષથી મે બજારમાંથી નહિવત્ પ્રમાણમાં શાકભાજી ખરીદી હશે. આ કામમાં મારી પત્ની અને દીકરીઓ પણ સાથ આપે છે.’

મહેન્દ્ર સાચન હવે બીજનું પણ સંરક્ષણ કરવા લાગ્યા છે. જેથી તેઓ આ બીજ લોકોને વહેંચી ઓર્ગેનિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી શકે. તેમણે કહ્યું કે,‘ઓર્ગેનિક રીતે ઉગતા ફળ અને શાકભાજીમાં વધુ એન્ટિ-ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. કારણ કે- તેમાં પેસ્ટિસાઈડ્સ નથી હોતા એટલે પોષક તત્ત્વો યથાવત્ રહે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે સારા હોય છે અને તમને બીમારીઓથી બચાવે છે.’

મહેન્દ્ર સાચનને કિચન ગાર્ડન બનાવવા માટે ઘરમાં કોઈ ફેરફાર નથી કરવો પડ્યો અને ના તો કોઈ મોટો ખર્ચ કરવો પડ્યો. મહેન્દ્રનું માનવું છે કે, આપણે જેટલું કુદરતને આપીએ છીએ કુદરત 10 ગણું વધારે આપણને પરત કરે છે. ઘરના ધાબા પર તેમણે એક પાતળી ચારકોલની લેયર પાથરી તેની પર 4 ઈંચ જેટલી ફળદ્રુપ માટીની લેયર પાથરી શાકભાજી ઉગાવવાનું શરૂ કર્યું. તેમણે કચરાનો ઉપયોગ ખાતર તરીકે કર્યો, જેથી કચરો ફેંકવાની સમસ્યામાંથી પણ મુક્તિ મળી હતી. તેમણે કહ્યું કે,‘ઘરે શાકભાજી ઉગાડવામાં કોઈ વિશેષ ટેક્નિકનો ઉપયોગ નથી કર્યો. કોઈપણ વ્યક્તિ મારી જેમ કિચન ગાર્ડન બનાવી શકે છે. ધાબા પર કિચન ગાર્ડન હોવાથી ગરમીના દિવસોમાં ઘરમાં ઠંડક રહે છે.’ શુદ્ધ શાકભાજીઓના ઉપયોગથી ડાયાબિટીઝ, કેન્સર અને માઈગ્રેન જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

મોંઘવારી વધતી હોવાથી કિચન ગાર્ડનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. હવે તો ઘણી કંપનીઓ કિચન ગાર્ડનનો પૂરો સેટઅપ તૈયાર કરી આપે છે. આ માટે અમુક સૂચનો ધ્યાનમાં રાખવા જરૂરી છે.

– કિચન ગાર્ડનનું સેટઅપ એવું હોવું જોઈએ જેનાથી 5-6 કલાક સુધી સૂર્ય પ્રકાશ છોડને મળી રહે.
– 4-5 ઈંચ જેટલી ફળદ્રૂપ માટી હોવી જોઈએ. જેમાં પત્થર ના હોય.
– માટીમાંથી પાણી બહાર નીકળી જાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ, કારણ કે વધુ પાણી પણ નુકસાનકારક હોઈ શકે છે.
– સિઝન અનુસાર શાકભાજી ઉગાડવાનું કામ કરવું જોઈએ.
– કિચન ગાર્ડન પર નિયમિત ધ્યાન આપવું જરૂરી છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page