દિલ્હી અગ્નિકાંડના અસલી HERO: ફાયર બ્રિગેડનાં આ અધિકારીએ પોતાનો જીવ જોખમમાં મુકીને બચાવ્યા 11 લોકોનાં જીવ

Featured National

નવી દિલ્હી: રવિવારે દિલ્હીનાં અનાજ માર્કેટના એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 43 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આગ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન 50થી વધારે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. આ દરમિયાન 11 લોકોનો જીવ બચાવનારા ફાયર બ્રિગેડ કર્મચારીની બહુ જ પ્રશંસા થઈ રહી છે જે સૌથી પહેલા બિલ્ડિંગમાં અંદર પ્રવેશ્યા હતા.

11 લોકોનો જીવ બચાવનાર આ ફાયર બ્રિગેડનાં કર્મચારીનું નામ રાજેશ શુક્લા છે. બચાવ કામગીરી કાર્ય દરમિયાન તેમના ખુદનાં પગમાં પણ ઈજા થઈ હતી અને એલએનજેપી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની બહાદુરીની પ્રશંસા દિલ્હીનાં મંત્રી સત્યેન્દ્ર જૈને પણ કરી છે અને હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત પણ કરી હતી.

દિલ્હીનાં મંત્રી સત્યેન્દ્ર જૈને ટ્વિટ કર્યું હતું કે, ફાયર બ્રિગેડ રાજેશ શુક્લા ઓરિજનલ હીરો છે. તેઓ પહેલા ફાયરમેન છે જેઓ બિલ્ડિંગમાં ઘુસ્યા અને 11 લોકોની જિંદગી બચાવી. તેમણે ત્યાં સુધી કામ ચાલુ રાખ્યું જ્યાં સુધી તેમના પોતાનાં હાડકાં ઈજાગ્રસ્ત ન થયા. હું આ બહાદૂર હીરોને સલામ કરું છું.

ઉલ્લેખનીય છે કે, રવિવારે દિલ્હીનાં અનાજ માર્કેટમાં આવેલ એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. સ્કૂલ બેગ બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતાં 43 લોકોનાં મોત નિપજ્યાં હતાં અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ભયાનક અગ્નિકાંડમાં મોટાભાગનાં લોકોનાં મોત શ્વાસ રૂંધાવાથી થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *