મહિન્દ્રા કંપનીની નવી કાર થારનો વેઇટિંગ પિરિયડ લગભગ દોઢ વર્ષનો છે. એવામાં જો તેની ડિલિવરી મળી જાય તો કોઈની ખુશીનું ઠેકાણું રહેતી નથી. પણ ઉતાવળમાં થારને ઘરે લઈ જવાના પ્રયત્નમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક નવી મહિન્દ્રા થાર રેલિંગ પર લટકતી જોવા મળી રહી છે. જેના આગળના બંને વ્હીલ હવામાં જોવા મળ્યા છે. સારી વાત એ રહી કે, રેલિંગને લીધે કાર વચ્ચે અટકી ગઈ નહીં તો મોટી દુર્ઘટના થઈ શકેત.
વાઇરલ થયેલો વીડિયો બેંગલુરુ સ્થિત એક મહિન્દ્રા કંપનીના શોરૂમનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં ડિલિવરી લેવા આવેલાં ગ્રાહકે તેમની મહિન્દ્રા થાર ફર્સ્ટ ફ્લોરથી પડતાં-પડતાં બચી ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કારે પહેલાં શોરૂમના કાચ તોડી નાખ્યા અને પછી રેલિંગ તોડીને બહાર આવી ગઈ હતી. જોકે, ગમે તેમ કરીને કાર રેલિંગ પર અટકી ગઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, કારને શોરૂમની બહાર કાઢતી વખતે ડ્રાઇવરે બેલેન્સ ગુમાવ્યું હતું. શોરૂમના કાચ તોડીને રેલિંગમાં અથડાઈ હતી અને તેની આગળના બંને વ્હીલ હવામાં આવી ગયા હતાં. જોકે, તેનો આગળનો ભાગ ત્યાં જ અટકી ગયો હતો અને SUVની આગળ વધી શક્યો નહોતો.
JCBને બોલાવવું પડ્યું હતું
જોકે, તે વાતની પુષ્ટી થઈ નથી કે, ડ્રાઇવર સીટ પર બેસેલાં યુવક શોરૂમના સ્ટાફનો હતો કે, કસ્ટમર. આ દુર્ઘટનામાં નવી મહિન્દ્રા થારને પણ વધુ નુકસાન થયું નથી. જે JCBની મદદથી પાછી ધકેલવામાં આવી હતી અને શોરૂમમાં પાછી મૂકવામાં આવી હતી. આ ઘટનાના ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાઇરલ થયા છે.
ગાડીને આ સ્થિતિમાં જોઈને ત્યાં ભીડ ભેગી થઈ ગઈ હતી. શોરૂમ ફર્સ્ટ ફ્લોર પર છે. ટક્કર વાગતાં રેલિંગનો એક ભાગ તૂટી ગયો અને કાર લટકતી રહી. આ દુર્ઘટના કેવી રીતે થઈ તે અંગે કોઈને ખ્યાલ નથી. આ વીડિયો જોઈને એવું કહી શકાય છે કે, જ્યારે પણ તમે નવી કારની ડિલિવરી લેવા જાવ ત્યારે અનુભવી ડ્રાઇવરને સાથે જરૂર લઈ જવો.