વાહ….40 વર્ષે સપનું પૂરું કર્યું, પટાવાળા નિવૃત્તિ બાદ હેલિકોપ્ટરમાં બેસીને ઘરે પરત આવ્યો

Featured National

ફરિદાબાદઃ હરિયાણાના ફરિદાબાદમાં એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો જોવા મળ્યો હતો. શું તમે કોઈ એવું સપનું જોયું છે, જેને પૂરું કરવામાં આખી જિંદગી પસાર કરી દીધી હોય? જે સપનાની આખી જિંદગી મજાક ઉડાવવામાં આવી અને તમે તેને પૂરું કરવામાં જીદ પર આવી ગયા હોવ. 60 વર્ષીય કૂડે રામે આવું જ એક સપનું જોયું હતું અને તેને પૂરું કર્યું હતું.

હેલિકોપ્ટરમાં ઘરે આવ્યો
ફરિદાબાદના નીમકા ગામમાં સરકારી સ્કૂલમાં પટાવાળાની નોકરી કર્યાં બાદ કૂડે રામ રિટાયર થયા હતાં. તેમનું સપનું હતું કે તે ક્યારેક હેલિકોપ્ટરમાં બેસે. કૂડે રામે નોકરીમાંથી નિવૃત્તિ લીધી તે દિવસે પોતાનું સપનું પૂરું કર્યું. સાયકલ પર સ્કૂલે ગયેલા કૂડે રામ ઘરે હેલિકોપ્ટરમાં પરત આવ્યા હતાં.

શું કહ્યું કૂડે રામે?
કૂડે રામે કહ્યું હતું કે તેમણે નાનપણથી પ્લેનમાં બેસવાનું સપનું જોયું હતું પરંતુ આમ કરવાની તક ક્યારેય મળી નહીં અને તેમની પાસે વિમાનમાં બેસાય તેટલા પૈસા જમા થયા નહીં. તે જ્યારે પણ પરિવારને કહે કે તેમને સપનામાં હેલિકોપ્ટર દેખાય છે, તો મજાક ઉડાવવામાં આવતી હતી. આટલું જ નહીં તેમના મિત્રો પણ મજાકમાં કહેતા કે તેમનું સપનું ઘણું જ મોટું છે અને આ જન્મમાં પૂરું થશે નહીં.

બેસતા પહેલાં જોયું હેલિકોપ્ટરઃ
મંગળવાર (30 જુલાઈ)ના રોજ હેલિકોપ્ટરમાં બેસતા પહેલાં કૂડે રામે આખું હેલિકોપ્ટર જોયું હતું. કોકપિટમાં પત્ની, દીકરી તથા દોહિત્ર હતો. આ સફર 15 મિનિટની હતી.

જવાબ હતો નાઃ હેલિકોપ્ટરમાં સવારી કરવા માટે ડેપ્યુટી કમિશ્નર સિવાય અન્ય અનેક અધિકારીની મંજૂરી જોઈએ, કૂડે રામ જ્યારે પણ મંજૂરી પત્ર લઈને જાય ત્યારે અધિકારીઓ તેની પર હસતા હતાં અને પૂછતા હતાં કે માત્ર એક ઉડાન માટે આટલા બધા પૈસા કેમ ખર્ચ કરવામાં આવે છે. કૂડે રામે આ અંગે કહ્યું હતું કે આ પૈસાની વાત નહોતી. 40 વર્ષ જૂનું સપનું હતું. તે લોકોને સમજાવી શકે તેમ નહોતા કે તે આ ક્ષણ માટે જ જીવ્યા છે. તે જ્યારે અધિકારીઓને પૂછે કે આમ કરવું ગેરકાનૂની કે અનૈતિક છે? તો તેઓ નામાં જવાબ આપતા હતાં.
6.75 લાખ ઉડાવ્યાઃ કૂડે રામના સંબંધીઓ આખા ગામમાં ફરીને લોકોને બોલાવી લાવ્યા હતાં. સાત હજાર લોકો ભેગા થયા હતાં અને તમામની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કૂડે રામે જમણવાર પાછળ 3.5 લાખ રૂપિયા ખર્ચ કર્યાં હતાં. જ્યારે હેલિકોપ્ટર તથા તેની મંજૂરી માટે 3.25 લાખ રૂપિયા ખર્ચ્યા હતાં. કુલ 6.75 લાખ ખર્ચ કર્યાં હતાં. કૂડે રામે દિલ્હીથી હેલિકોપ્ટર મગાવ્યું હતું.
પત્નીએ શું કહ્યું? કૂડે રામની પત્નીએ કહ્યું હતું કે તેઓ પોતાનું સપનું પૂરું કરવા માટે પગારમાંથી 10 ટકા હિસ્સો બચાવીને રાખતા હતાં. હવે, કૂડે રામ પોતાના ગામમાં તથા આસપાસના વિસ્તારમાં લોકપ્રિય થયા હતાં.
અધિકારીએ શું કહ્યું? ફરિદાબાદના ડેપ્યુટી કમિશ્નર અતુલ કુમારે કહ્યું હતું કે તેમને કૂડે રામના મંજૂરી પત્ર અંગે યાદ નથી પરંતુ આ પહેલાં તેમણે આવી વાત ક્યારેય સાંભળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *