કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમ વર્ષાનાં કારણે માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં બરફની મોતની ચાદર નીચે પોઢી ગયેલા મૃતકોની પુષ્ટિ કરવા તેમના પરિવારના ડિએનએ ટેસ્ટ કરાશે. મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામનાં પટેલ પરિવારનાં જ હોવાની પુષ્ટિ કરવા માટે મૃતકના પરિવારના ડીએનએ ટેસ્ટ કરાવવાની દિશામાં હિલચાલ શરૂ કરાઈ છે. જ્યારે સમગ્ર પ્રકરણમાં રાજ્ય પોલીસ વડાએ સીઆઇડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દેતા પોલીસ ગામના તલાટી પાસેથી મૃત દંપતિનાં મતદાર યાદીમાં નામ સહિતની વિગતો પણ મેળવી લેવામાં આવી છે.
કેનેડા યુએસ બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે માનવ તસ્કરીનાં રેકેટનો સ્કોટયાર્ડ પોલીસ દ્વારા પર્દાફાશ કરી બરફ નીચે દટાઈને મોતને ભેટેલા ગાંધીનગરના કલોલના ડીંગુચા ગામના જગદીશ પટેલ (35), તેમની પત્ની વૈશાલી (33), પુત્રી વિહંગા (12) અને ધાર્મિક (3) હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈને સીઆઈડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. જેનાં પગલે મૃતકો કાયદેસરના વિઝા લઇને ગયા હતા કે નહીં તેની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પટેલ પરિવારની સાથે 11 લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરવાની પેરવી કરી રહ્યા હતા. જે પૈકીના સાત લોકોની ત્યાંની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ હતી. અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પકડાયેલા સાત પૈકીના કોઈ શખ્સ દ્વારા ડીંગુચા રહેતા મૃતકોના સ્વજનોને ચારેય જણા વિખૂટા પડી ગયા હોવાની જાણ કરી દેવાઈ હતી. જેનાં પગલે અહીંથી પટેલ પરિવારે એમ્બેસીમાં ઈમેલ કરીને મૃતકોની ભાળ માટે વિનંતી કરી હતી. જે પછીથી ચારેય મૃતકો કલોલના ડિંગુચાનાં હોવાનું જાહેર થયું છે.
આ અંગે જયેશ પટેલના પિતા બળદેવભાઈએ ચોધાર આસું સારીને કહ્યું હતું કે, “સગા સંબંધીઓ દ્વારા એમ્બેસીમાં સંપર્ક કરેલો છે. પરંતુ હજી સુધી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. પુત્ર જયેશ વિઝા લઈને જ ગયેલો હતો. જે શિક્ષિત હોવાથી આ વિશે વધુ પૂછતાંછ પણ મેં કરી ન હતી. અમે ગામડે રહીએ છીએ અને તે તેના પરિવાર સાથે કલોલ રહેતો હતો. અમે બધા ચિંતામાં છીએ.”
બાકીના પકડાયેલા સાત લોકો કયા ગામના વતની છે તે હજી સુધી જાહેર થઈ શક્યું નથી. અહીંથી ઈમેલ કરીને પાસપોર્ટ સહિતની પટેલ પરિવારની ડિટેઇલ્સ મોકલી આપવામાં આવી હોવાથી તેમનાં નામ-સરનામા જાહેર થયા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં બોર્ડર પરથી મૃતકોની લાશ પરત લાવવા માટે એક વ્યક્તિ દીઠ 40 લાખનો ખર્ચ થાય એમ છે. જેથી તેમના મૃતદેહ ચોવીસ કલાક વધુ સમય પછી મળ્યા હોવાથી બોડી ડી કમ્પોઝ થઈ ગયાનું પણ બિનસત્તાવાર રીતે સામે આવી રહ્યું છે.
ત્યારે હજી પણ ત્યાંની તપાસ એજન્સી મૃતકો ગાંધીનગરના જ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવા ડિંગુચા રહેતા મૃતકોના પરિવારના ડીએનએ ટેસ્ટ કરાવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. જો કે ગુજરાત સીઆઈડી ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હોવાથી ગામના તલાટી પાસેથી મૃત પટેલ પરિવારનાં મતદાર યાદીમાં નામ તેમજ આધાર કાર્ડ સહિતની વિગતો એકઠી કરી લેવાઈ છે. ઉપરાંત સમગ્ર પ્રકરણમાં સ્થાનિક એજન્ટની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.