|

સુરતમાં સગીરનો જન્મદિવસે થયો કારમો અકસ્માત, મર્યા બાદ 12 લોકોને આપી નવું જીવન

24 ઓગસ્ટે સુરતમાં વેસુ કેનાલ રોડ પર મોપેડ પર જતાં શારદાયતન સ્કૂલના ઘોરણ 12 કોમર્સના બે વિદ્યાર્થી મિત્રોને એક કાર ચાલકે અડફેટે લીધાં હતાં. આ અકસ્માત બાદ બંને વિદ્યાર્થીઓને પિપલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર સમયે બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં. દશગામ હિંદુ ત્રિવેદી મેવાડા સમાજના બ્રેઈનડેડ મીત કલ્પેશકુમાર પંડ્યા અને સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ ક્રિશ સંજયકુમાર ગાંધી પરિવારના 18 વર્ષીય બે મિત્રોના પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી પોતાના વ્હાલસોયા દીકરાઓની કિડની, લિવર, હૃદય, ફેફસાં અને ચક્ષુઓના દાન કરી બાર-બાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેકાવી છે.

મૃતક ક્રિસ ગાંધીનો 23મીએ બર્થ-ડે હતો, જેને લઈને મિત્રોને પાર્ટી આપવા માટે તેના બાળપણના મિત્ર મીત સાથે વીઆીપી રોડની એક રેસ્ટોરન્ટમાં ગયા હતાં. મિત્રોને હોટેલમાં બર્થ-ડેની પાર્ટી આપી ત્યાર બાદ બંને ઘરે પરત આવી રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મોતને ભેટેલા વિદ્યાર્થીઓમાં એકનું નામ ક્રિશ સંજય ગાંધી અને બીજાનું નામ મીત પંડયા છે.

પરિવારમાં મીત એકનો એક દીકરો હતો જેના પિતા કેટરીંગનું કામ કરે છે. ક્રિસને એક ભાઈ છે અને પિતા ફરસાણનો ધંધો કરે છે. પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી છૂટેલો ક્રેટા કારનો માલિક સિટીલાઈટની સુર્યપ્રકાશ રેસીડન્સીમાં રહે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં કાર કાપડ વેપારી સુરેશની હતી જે ડ્રાઈવર રિઝવાન શેખ ચલાવતો હતો. પોલીસે રિઝવાનની ધરપકડ કરી હતી.

નિદાન માટે સીટી સ્કેન કરાવતાં મીતને બ્રેઈન હેમરેજ તેમજ ક્રિશને બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠા જામી ગયા હતાં. ન્યુરોસર્જન ડો.જૈનીલ ગુરનાનીએ ક્રેનીઓટોમી કરી ક્રિશના મગજમાંથી જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. અકસ્માતમાં બંનેને બ્રેઈન હેમરેજ થતાં પરિવારજનોએ બંને દીકરાઓનાં કિડની, લિવર, આંખો સહિતના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. અંગદાન કરી બંને વિદ્યાર્થીઓ અન્યોને જીવતદાન આપતા ગયા હતા. મોડીરાતે અંગોને લઈ જવા માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો હતો.

સુરતથી હૈદરાબાદનું 926 કિ.મીનું અંતર 180 મીનિટમાં કાપીને ક્રિશના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી CRPFમાં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જેઓ છેલ્લા દોઢ વર્ષથી 24 કલાક 12 થી 15 લીટર ઓક્સિજનના સપોર્ટ ઉપર હતા.

એટલું જ નહીં સુરતથી અમદાવાદનું 288 કિ.મીનું અંતર 90 મીનિટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેવાસી 21 યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ક્રિશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 55 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં જ્યારે મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેવાસી 47 વર્ષીય શિક્ષકમાં અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *