અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો, જાણો કેમ કર્યો 2 રૂપિયાનો ભાવ વધારો?

Business Featured

અમદાવાદઃ શનિવારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું હતું.

રવિવારથી આ ભાવ વધારો અમલી કરવામાં આવ્યો છે. બીજી તરફ મધર ડેરીએ પણ દૂધમાં લિટરે 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જોકે, અમૂલ શક્તિ દૂધના ભાવમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. આમ ડુંગળી, લસણ, શાકભાજી બાદ દૂધના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવમાં કોઈ પણ જાતનો ભાવ વધારવામાં કરવામાં આવ્યો નથી અને 500 મીલી પાઉચના રૂપિયા 25 યથાવત્ રાખવામાં આવ્યા છે. પશુદાણ અને બિયારણના ભાવ વધતાના કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જીસીએમએમએફના સુત્રોના જણાવ્યા પ્રમાણે અમૂલ દ્વારા દૂધના ભાવમાં પાછલા 3 વર્ષમાં આ માત્ર બીજો ભાવ વધારો કરવામાં આવેલ છે. પાછલાં 3 વર્ષમાં અમૂલ દ્વારા દૂધની વેચાણ કિમતમાં માત્ર રૂા.4 પ્રતિલિટરનો ભાવ વધારો કરવામાં આવેલ છે જે વધારો વર્ષે 3 ટકાથી પણ ઓછો છે અને તે ફુગાવાના દર કરતાં પણ ઓછો છે. આ વર્ષે પશુદાણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 35ટકા નો વધારો થયેલ છે જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધ્યો છે.

જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે, પશુદાણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 35%નો વધારો નોંધાયો છે. અતિશય વરસાદના કારણે ઘાસચારાની અછત ઉભી થતાં તે મોંઘો થયો છે જેના કારણે પશુપાલકોને બેવડો માર પડ્યો છે. આથી પશુપાલકોને પોષાતું નથી જેના કારણે તેમને દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *