Monday, April 15, 2024
Google search engine
HomeBollywood70 વર્ષીય ફિરોઝ ઈરાની હાલમાં શું કરે છે અને કેવું છે રૂટિન?...

70 વર્ષીય ફિરોઝ ઈરાની હાલમાં શું કરે છે અને કેવું છે રૂટિન? જાણો જીવનની રસપ્રદ વાતો

ગીતી સહેગલઃ ગુજરાતી ફિલ્મ્સમાં વિલનની વાત કરવામાં આવે તો સૌ પહેલાં આપણી નજર સામે એક જ ચહેરો આવે છે. આ ચહેરો એટલે ફિરોઝ ઈરાની. ફિરોઝ ઈરાનીને સ્ક્રિન પર જોઈએ એટલે તરત જ આપણા ચહેરા પર ગુસ્સો અથવા ઘૃણાના ભાવ આવી જ જાય એ સ્વાભાવિક છે. ફિરોઝ ઈરાનીએ પોતાની એક્ટિંગના દમ પર વિલનના રોલમાં જીવ રેડી દીધો છે. Onegujarat.com મુંબઈ સ્થિત ફિરોઝ ઈરાનીના ઘરે પહોંચ્યું હતું. તો આવો આજે આપણે જાણીએ ફિરોઝ ઈરાનીની અંગત તથા પ્રોફેશનલ લાઈફ અંગે. આજે ફિરોઝ ઈરાની 70 વર્ષના થયા છે પરંતુ ફિલ્મ્સમાં એકદમ એક્ટિવ છે.

Onegujarat.comના રિપોર્ટર ગીતી સહેગલ સાંજે ચાર વાગે ફિરોઝ ઈરાનીના ઘરે ગયા હતાં. મુંબઈમાં આવેલા ગોરેગાંવ ફ્લેટમાં ગીતા સહેગલ પહોંચ્યા ત્યારે દરવાજો ફિરોઝ ઈરાનીએ જાતે જ ખોલ્યો હતો. ગીતી સહેગલ ઘરમાં જેવા પ્રવેશ્યા એટલે તરત જ ફિરોઝ ઈરાનીની પત્ની કામાક્ષીએ કહ્યું કે તેઓ તમારી જ ચા માટે રાહ જોતા હતાં. આ જ તો ગુજરાતી સંસ્કાર છે ને! ગીતી સહેગલે ફિરોઝ ઈરાનીના ઘરના વખાણ કર્યાં હતાં. કામાક્ષી ચા તથા બિસ્કિટ્સ લઈને આવ્યા હતાં.

ફિરોઝ ઈરાની તથા કામાક્ષીની લવસ્ટોરી પણ ફિલ્મી છે. ફિરોઝ ઈરાની પહેલી જ નજરમાં કામાક્ષીને પ્રેમ કરવા લાગ્યા હતાં. કામાક્ષી ડાન્સર હતાં અને તેઓ જ્યારે નવરાત્રિમાં ગરબા રમતા ત્યારે તેમને જોવા માટે ખાસ ફિરોઝ ઈરાનીઆવતા હતાં ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું, સામાન્ય રીતે સંપન્ન પરિવારની દીકરીઓ ડાન્સ કરતી નથી પરંતુ કામાક્ષી પોતાના પેશનને વળગી રહી હતી. મેં દોઢ વર્ષ સુધી કામાક્ષીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી તેણે લગ્ન માટે હા પાડી હતી. તેને હા પાડવામાં એટલે વાર લાગી કે તેને ખબર હતી કે હું પડદાં પર વિલનના રોલ કરું છું.

લગ્નને 39 વર્ષ થયા અને આજે તેઓ બે દીકરાઓ અભિષેક તથા અક્ષતના પેરેન્ટ્સ છે. અભિષેક પરિણીત છે અને તે પરિવાર સાથે સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે. અક્ષત એક્ટર છે. તેણે એક ગુજરાતી ફિલ્મ ‘મિસ્ટર કલાકાર’ કરી હતી. આ ફિલ્મમાં તે હિરો હતો. આ ઉપરાંત ત્રણ ગુજરાતી ફિલ્મ અને એક હિંદી ફિલ્મ ‘સન્ડે નાઈટ્સ’ સાઈન કરી છે. અક્ષતે તાજેતરમાં જ સગાઈ કરી છે.

 

ફિરોઝ ઈરાનીએ 549 જેટલી ફિલ્મ્સ કરી છે. ફિરોઝ ઈરાનીને પહેલેથી જ એક્ટિંગ પ્રત્યે લગાવ હતો. તેમનો પરિવાર પણ એક્ટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલો છે. ફિરોઝ ઈરાની થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા ફરીદુન ઈરાની સ્ટેજ કલાકાર હતાં. ફિરોઝ ઈરાનીએ આઠ વર્ષની ઉંમરમાં પિતાએ પ્રોડ્યૂસ કરેલા નાટકમાં કામ કર્યું હતું. ફિરોઝે 1967માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મમાં તેમની બહેન અરૂણા ઈરાની હિરોઈન હતી અને વિજય દત્ત હિરો અને ફિરોઝ ઈરાનીએ વિલનની ભૂમિકા ભજવી હતી. તેમણે વિલનથી જ કરિયરની શરૂઆત કરી હતી. ફિરોઝ ઈરાનીની 1969માં ‘જીગર અને અમી’ બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે સંજીવ કુમારના ભાઈનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તેમણે પોઝિટિવ રોલ પ્લે કર્યો હતો.

વિલનના રોલ અંગે ફિરોઝે કહ્યું હતું, તે સમયે મને ખ્યાલ આવ્યો કે હિરોનો રોલ ઘણો જ મર્યાદિત થઈજ જાય છે પરંતુ એક વિલન તરીકે તમે પાત્રમાં ઘણું બધુ કરી શકો છો. વિલનના રોલમાં તમારા લુક્સમાં ફેરફાર થઈ શકે છે અન તમારા વર્તનમાં અલગ-અલગ બાબતો ઉમેરાઈ શકાય છે. હિરો હંમેશાં સારો હોય છે અને તે ક્યારેય સ્મોક કે દારૂ પીતો નથી અને તે પોતાના લુક્સ સાથે પણ વધુ પડતા એક્સપરિમેન્ટ્સ કરી શકતો નથી. આથી જ મેં નેગેટિવ રોલ કરવાનું શરૂ કર્યું હતું. 1972માં ફિરોઝ ઈરાનીની અરવિંદ ત્રિવેદી સાથેની ફિલ્મ ‘વીર રામવાળો’ આવી હતી. આ ફિલ્મમાં ફિરોઝે ડાકુનો રોલ પ્લે કર્યો હતો અને બોક્સ ઓફિસ પર ફિલ્મ હિટ રહી હતી.

ફિરોઝ ઈરાનીએ ત્યારપછી એક ફિલ્મમાં ડબલ રોલ પ્લે કર્યો હતો. આમાં એક રોલ ડાકુનો હતું. આ ફિલ્મ તેમના કરિયરની ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. વિલન તરીકે તેમની ઈમેજ સ્ટ્રોંગ બની હતી. ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું, વિલન તરીકે એ એટલા લોકપ્રિય થયા કે મને લાગતું કે લોકો મને રિયલ લાઈફમાં મારવા ના લાગે. જોકે, એક્ટર તરીકે મેં નેગેટિવ રોલ ઘણાં જ સારી રીતે ભજવ્યા હતાં.

જીવનની યાદગાર ક્ષણને લઈ ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું, 1981માં હું એક ફિલ્મના પ્રીમિયર માટે અસરાની સાથે સ્ટેજ પર હતો. એક વૃદ્ધ સ્ત્રી આવી અને તેણે હાથમાંથી ચંપલ કાઢીને મને મારવા માટે કાઢ્યું હતું. એ સ્ત્રીની ફરિયાદ હતી કે હું દરેક ફિલ્મમાં મહિલાઓની સાડી કેમ કાઢી નાખું છું. આયોજકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મેં તેમને ના પાડી હતી અને મારી નજીક આવવા દેવાનું કહ્યું હતું. જ્યારે તે મહિલા મારી નજીક આવી તો મેં તરત જ હાથ જોડીને રામ રામ કહ્યું હતું. તે મહિલાનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો હતો. તેને નવાઈ લાગી કે હું સારા વ્યક્તિ તરીકે વર્તન કરું છું. મેં તેને સમજાવ્યું હતું કે ફિલ્મમાં કામ કરવું એ મારું કામ છે અને તે ફિલ્મમાં માત્ર પાત્ર ભજવે છે.


ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું, શહેરોના લોકોને ખ્યાલ હોય છે કે તે માત્ર ફિલ્મમાં વિલનનો રોલ કરે છે પરંતુ આજે પણ નાનકડાં ટાઉન અથવા ગામની મહિલાઓ મને જુઓ તો તરત જ ભાગી જાય છે અને કહે છે કે આજનો દિવસ બગડી ગયો.

‘જુગલ જોડી’માં અસરાની લીડ રોલમાં હતો અને ફિરોઝ ઈરાની વિલનના રોલમાં હતાં. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ભયાવહ બનાવ બન્યો હતો. તેને લઈ ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું, મારી પાછળ પેટ્રોલ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આગની જ્વાળાઓમાં તેમના વાળ બળી ગયો હતો. આ બહુ જ ભયાનક હતું. 1981માં આવેલી ફિલ્મ ‘નસીબદાર’ પણ મારા કરિયર માટે લેન્ડમાર્ક સાબિત થઈ હતી.

દરેક ગુજરાતીની જેમ ફિરોઝ ઈરાનીને પણ દાળઢોકળી બહુ જ ભાવે છે. તેમાં પણ તેમના પત્નીના હાથની દાળ ઢોકળી તેમની ફેવરિટ છે. તેમના મતે, તેમની પત્ની દાળ ઢોકળી બહુ જ મસ્ત બનાવે છે.

ફિરોઝ ઈરાની શૂટિંગના બ્રેકમાં પોતાના ઈન્ટરવ્યૂ વાંચે છે અને સેટ પર હાજર રહેલા લોકોનું ઓબ્ઝર્વેશન કરીને નોટ બનાવે છે. તેઓ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે. આ બધી વાતો તેમને પોતાના પાત્રમાં ઘણી ઉપયોગી સાબિત થાય છે. તેમણે કહ્યું હતું, મને યાદ છે કે એક પ્રોડ્યૂસર જ્યારે પણ વાત કરે ત્યારે તેની બંને આંખો અડધી બંધ થઈ જતી. જોકે, પૈસાની વાત આવે એટલે એની એક આંખ એકદમ પહોળી થઈ જતી હતી. આ બહુ ફની હતું અને મેં એક ફિલ્મના કેરેક્ટરમાં આ રીતે આંખ બધી કરીને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફિરોઝ ઈરાની તથા કામાક્ષી દિવસની શરૂઆત સોસાયટીમાં આવેલા જીમ જઈને કરે છે. અહીંયા તેઓ સ્વિમિંગ કરે છે. ફિરોઝ તથા કામાક્ષી ફિટનેસ તથા ડાયટને લઈ બહુ જ સજાગ રહે છે. ઘરે આવ્યા બાદ તેઓ શૂટિંગ માટે જાય છે. તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ શૂટિંગ કરે છે. બાકીના સમયમાં તેઓ ઘરે બેસીને પ્લોટ્સ તથા કેરેક્ટર્સ અંગે લખે છે, જે તેમને ફિલ્મ અથવા શોમાં ઉપયોગી સાબિત થાય છે.

70ના દાયકામાં અને આજના સમયના શૂટિંગમાં ફેરફાર પર ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું કે આજકાલ દરેક શૂટિંગ ક્રોમામાં થાય છે. એટલે કે સ્ટૂડિયોમાં બેકગ્રાઉન્ડમાં ગ્રીન પડદો લગાવવી દેવામાં આવે છે અને પછી એડિટિંગ દરમિયાન કોઈ પણ વિઝુયઅલ્સ જેમ કે ક્રિકેટનું મેદાન, કોઈ દેશ, જગંલ ગમે તે લોકેશન મૂકી શકાય છે. પહેલાં સમયમાં જે તે જગ્યાએ જઈને શૂટિંગ કરવામાં આવતું હતું.

ફેવરિટ એક્ટરમાં ફિરોઝ ઈરાનીને સ્વ. સંજીવ કુમાર બહુ પસંદ છે. તેઓ જ્યારે પણ સંજીવ કુમાર સાથે શૂટિંગ કરતા તો તેમનું ઘણું જ ઓબ્ઝર્વેશન કરતાં. તેમણે ‘જીગર’ તથા ‘બઢકર’માં સંજીવ કુમાર સાથે કામ કર્યું હતું. તેઓ માને છે કે સંજીવ કુમાર કરતાં કોઈ સારો કાકાર નથી. આજના સમયમાં તેમને નવાઝુદ્દીન સિદ્દીકી તથા રોબર્ટ ડી નિરો તેમનો ફેવરિટ છે. ફેવરિટ એક્ટ્રેસિસમાં તેમની બહેન અરૂણા ઈરાની તો હોય છે. ત્યારબાદ સ્વ. રીટા ભાદુરી છે. તેઓ માત્ર સારા એક્ટ્રેસ જ નહોતા પરંતુ ઘણાં જ કો-ઓપરેટિવ વ્યક્તિ પણ હતાં.

29 ફેબ્રુઆરીના રોજ ફિરોઝ ઈરાનીને ટ્રાન્સ મીડિયા તરફથી લાઈફટાઈમ એચિવમેન્ટ અવોર્ડ મળ્યો હતો. હાલમાં તેઓ ‘દીકરી વ્હાલનો દરિયો’ ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેઓ એક શોર્ટ ફિલ્મ પણ કરી રહ્યાં છે. પહેલી માર્ચના રોજ તેઓ અમેરિકામાં ફિલ્મ ‘ગુજરાતનું ગૌરવ’ના શૂટિંગ માટે ગયા હતાં અને ત્યારબાદ તેઓ દીકરા અભિષેકને મળવા સ્વિટ્ઝરલેન્ડ જશે.

ઈન્ટરવ્યૂના અંતે ફિરોઝ ઈરાનીએ કહ્યું હતું, ગુજરાતીઓ સરળતાથી કોઈને સ્વીકારતા નથી પરંતુ જ્યારે તેઓ એકવાર જેને સ્વીકારી લે તે વ્યક્તિને ક્યારેય નકારતા નથી. આ વાત ફિરોઝ ઈરાનીએ પોતાની લાંબી અને સફળ કરિયરના સંદર્ભમાં કહી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? ? into this exciting adventure of imagination and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the excitement! ? ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page