અમદાવાદઃ શનિવારે ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાતના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. હાલ કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, મોંઘવારી ભથ્થાના વધારાને કારણે રાજ્યની તિજોરી પર 1071 કરોડનો બોજો પડશે. મોંઘવારી ભથ્થું જૂલાઈના પગારમાં એક સાથે ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વધારો 1 જાન્યુઆરી 2019થી અમલી ગણાશે.
આગામી 2 જૂલાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થયા પૂર્વે નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારના 9 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને 15 ટકા સુધી કરવાની જાહેરાત કરી છે. આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.
આ સિવાય રાજ્ય સરકારના 2,06,447 પંચાયત વિભાગના 2,25,083, અન્ય કર્મચારીઓ 79,599 અને 4,50,509 પેન્શનરો મળી, અંદાજીત કુલ 9,61,638 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યો છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચૂકવવામાં આવે છે.