રાયપુર: અંધવિશ્વાસનું ઝનૂન ક્યારેક ધ્રુજાવી દેનારું પરિણામ આપે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સાધુએ 108 કલાક જમીનની નીચે સમાધિ લીધી. જ્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા તો તેમનું મોત થઈ ચૂક્યું હતું. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે શ્વાસ રુંધાવાના કારણે સાધુનું મોત થયું હતું.
આ હચમચાવી મૂકતો બનાવ છત્તીસગઢના પચરી ગામનો છે. ચમનદાસ છેલ્લાં પાંચ વર્ષથી સમાધિનું જોખમ ઉઠાવતા હતા. સૌથી પહેલાં તેમણે 24 કલાક સુધી સમાધિ લીધી હતી. બાદમાં 48 અને 72 કલાકની સમાધિ લીધી હતી. ગયા વર્ષે 96 કલાક સમાધિમાં બેઠાં હતા. ચારેય વખતે તેઓ સુરક્ષિત બહાર નીળક્યા હતા. આથી તેમના અનુયાયીઓનો તેમના પ્રત્યનો ભક્તિભાવ વધી ગયો હતો.
ભક્તોનો ઉત્સાહ જોઈને ચમનદાસ પણ જોશમાં આવી ગયા અને આ વખતે 108 કલાસ સમાધિમાં બેસવાની જાહેરાત કરી હતી. તેઓ 16 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે ખાડો ખોદી જમીનની અંદર 108 કલાકની સમાધિમાં બેઠાં હતા. 20 ડિસેમ્બરે જ્યારે તેમને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા તો તેમનું મોત થઈ ચૂક્યું હતું .
બાબાના અનુયાયીઓએ સમાધિ માટે ચાર ફૂટ ઉંડો ખાડો ખોદ્યો હતો. સફેદ કપડાં પહેરલા બાબાની મહિલાઓ અને પુરૂષોએ વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. પછી ચમનદાસને ખાડામાં બેસાડી દેવામાં આવ્યા હતા.
બાબાને ખાડામાં બેસાડ્યા પછી તેના પર લાકડાના પાટિયા મૂકી દેવામાં આવ્યા હતા. આ લાકડાના પાટિયા પર માટી નાંખીને ખાડો પૂરી દેવામાં આવ્યો હતો. આ રીતે ખાડો આખો પૂરાય ગયો હતો. 20 ડિસેમ્બરના બપોરે અંદાજે 12 વાગ્યે બાબાને સમાધિમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તે બેભાન હતા.
કદાચ બાબાનું ખાડાની અંદર જ મોત થઈ ચૂક્યું હતું. બાબા આ પહેલાં પણ બેભાન અવસ્થામાં બહાર નીકળ્યા હતા, એટલે લોકોએ તેમને ઉઠાડવાના પ્રયત્નો કર્યા, જ્યારે તેઓ જાગ્યા નહીં તો બધા લોકોના હોંશ ઉડી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા .બાદમાં ચમનદાસને એ જ ખાડામાં દફનાવી તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. ચમનદાસ અપરણિત હતા.
(નોંધ: તસવીરો ચમનદાસે આ પહેલાં સમાધિ લીધી હતી ત્યારની છે)
Nice