સો.મીડિયામાં હાલમાં એક શોકિંગ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં હોલિવૂડ ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિસ’ ફિલ્મ જેવા જોખમી સીન જોવા મળ્યો હતો. આ વીડિયોમાં હાઇવે પર હવામાં ઉડતા ઉડતા કાર આવે છે અને રસ્તાની વચોવચ ધડામ કરતી પડે છે. આ કારના ફૂરચે ફૂરચા ઊડી જાય છે. રિપોર્ટ પ્રમાણે, આ ઘટના કેલિફોર્નિયાના યુબા શહેરની છે. હાઇવે પરથી પસાર થતી અન્ય કારે આ આખો સીન કેમેરામાં કંડાર્યો હતો.
આ ક્લિપ યુ ટ્યૂબ ચેનલ પર 20 જુલાઈના રોજ શૅર કરવામાં આવી હતી. આ વીડિયો શૅર કરીને કહેવામાં આવ્યું છે કે કેલિફોર્નિયાના હાઈવે 99 પર ખતરનાક ક્રેશ થયો. ધુમાડાના સાથે એક કાર હવામાંથી ઉડતી આવી અને સીધી હાઈવેની વચમાં પડી હતી.
1 મિનિટ ને 8 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે એક વળાંક આવે છે. આ દરમિયાન કારમાં બેઠેલા લોકોને ધૂમાડા સાથે હવામાં ઉડતી કાર જુએ છે.
આંખના પલકારામાં હાઈવેની વચોવચ કાર પડે છે. આ વીડિયો બનાવતી મહિલા જોરથી બૂમ પડે છે. જ્યારે અન્ય લોકો ઇમરજન્સી સેવા 911ને ફોન કરે છે.
કેલિફોર્નિયાના હાઇવે પેટ્રોલના સ્પોકપર્સને કહ્યું હતું કે દારૂને કારણે આમ બન્યું નહોતું, પરંતુ ડ્રાઇવર હિટ એન્ડ રન કેસમાં સામેલ છે.
ડ્રાઇવર હાઇવે પર ખોટી દિશામાં ઝડપથી કાર ચલાવતો હતો.
એક વ્યક્તિએ કહ્યું હતું કે કાર એટલી ઝડપથી આવી કે એક શોર્ટ ટર્ન પર બેલેન્સ બગડ્યું અને કાર હવામાં ઉછળીને સીધી હાઇવે પર પડી હતી. કારમાં બેઠેલી એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી.
ઈન્ટરનેટ પર આ વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.