મહારાષ્ટ્ર સરકારના એક પણ મંત્રી આ ઓફિસમાં બેસવા નથી તૈયાર? જાણો ચોંકાવનારું કારણ

Featured National

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળની વહેંચણી બાદ મંત્રીઓને ઓફિસની ફાળવણી કરવામાં આવી છે જોકે તે દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. મહારાષ્ટ્રના મંત્રાલય સંકુલમાં છઠ્ઠા ફ્લોર પરની એક ઓફિસ લેવા માટે એક પણ મંત્રીએ પોતાની તૈયારી બતાવી નહોતી. એવું જાણવા મળ્યું છે કે, 6ઠ્ઠા ફ્લોર પર 602 નંબરની ઓફિસ અપશુકનિયાળ હોવાનું માનવામાં આવે છે. ભૂતકાળમાં આ ઓફિસમાં બેસનાર એક પણ મંત્રી પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી તેવું જાણવા મળ્યું છે.

મંત્રીઓને ઓફિસની ફાળવણી બાદ પણ 3,000 સ્કેવરફૂટની આ ઓફિસ હાલમાં પણ ખાલી જ છે તેવું જાણવા મળ્યું છે. અગાઉ આ જ ઓફિસ મહારાષ્ટ્રમાં સત્તાનું કેન્દ્ર મનાતી હતી. જ્યાં પહેલા સીએમ, સૌથી સિનિયર મંત્રી અને મુખ્ય સચિવ બેસતા હતા પણ હવે તેમાં કોઈ પણ મંત્રી કામ કરવા તૈયાર નથી. મુંબઈમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

2014માં ભાજપની સરકાર બની હતી ત્યાર બાદ ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેને આ ઓફિસ ફાળવવામાં આવી હતી. ખડસે તે વખતે કૃષિ, અલ્પસંખ્યક કલ્યાણ વિભાગ જેવા મંત્રાલયો સંભાળતા હતા. જોકે બે જ વર્ષમાં તેઓ એક ગોટાળામાં ફસાઈ ગયા હતા અને તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

આ ઓફિસમાં બાદમાં નવા કૃષિ મંત્રી પાંડુરંગ ફુંડકરને ફાળવવામાં આવી હતી જોકે બે વર્ષમાં તેમનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. ત્યાર બાદ આ ઓફિસ કોઈને આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *