Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન, સાકરિયા પરિવાર પર તૂટી પડ્યું...

ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન, સાકરિયા પરિવાર પર તૂટી પડ્યું આભ

આઈપીએલમાં તરખાટ મચાવનાર ચેતન સાકરિયા માટે વધુ એક દુ:ખના સમાચાર આવ્યા છે. ભાવનગર પાસેના વરતેજમાં રહેતાં ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ સાકરિયાનું કોરોનાના કારણે આજે દુ:ખદ નિધન થયું છે. સાકરિયા પરિવાર પર ચાર મહિનામાં આ બીજો વજ્રઘાત છે. ચેતનના ભાઈએ ગયા જાન્યુઆરીમાં આપઘાત કરી લીધો હતો. હાલમાં જ ચેતનની આઈપીએલમાં 1.2 કરોડમાં ખરીદી થતાં પરિવારમાં હર્ષનો માહોલ હતો. જોકે દીકરાની સફળતા જોવાનું પિતાની નસીબમાં નહીં હોય એમ આજે અનંતની વાટ પકડી લીધી હતી.

નોંધનીય છે કે હાલમાં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તબિયત લથડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને અંતિમ શ્વાસ લીઘા હતા. બીજી તરફ આઈપીએલ અધવચ્ચેથી રોકી દેવામાં આવતાં ચેતન સાકરિયા હાલમાં ઘરે આવ્યો હતો. જોકે નિયમ પ્રમાણે તે હોમ ક્વોરેન્ટિન છે. દરમિયાન પિતાનું અવસાન થતા તેને ભારે આઘાત લાગ્યો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે ચેતન સાકરિયાના પિતાના અવસાન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કરતાં લખ્યું છે કે આ મુશ્કેલ સમયમાં અમે ચેતન સાકરિયાની પરિવારની સાથે છીએ.

ભાવનગર પાસેના વરતેજ ગામમાં ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મેલા ચેતનને રાજસ્થાન રોયલ્સે 1.20માં કરોડમાં ખરીદ્યો હતો  ટેમ્પો ચાલક પિતાના પુત્ર ચેતન સાકરિયાએ શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. પાંચ વર્ષ પહેલાં તેના ઘરમાં ટીવી પણ નહોતું. એટલું જ નહીં તેની પાસે રમવા માટે શૂઝ પણ નહોતા.

ચેતન સાકરિયાએ આઈપીએલ હરાજી બાદ સૌથી પહેલો કોલ તેમના માતા વર્ષાબેનને કર્યો હતો. તેણે કોલ પર માતાને કહ્યું હતું કે આપણે કરોડપતિ થઈ ગયા છીએ, મમ્મી તારા શુક્રવાર અને દશામાંના વ્રત ફળ્યા છે. આ અંગે ચેતનની બહેન જીજ્ઞાસાએ જણાવ્યું હતું, ‘‘ચેતન ઑક્શનમાં સિલેક્ટ થતાં મને બધાના કોલ આવવા લાગ્યા હતા. બધા કોંગ્રેચ્યુલેશન કહેવા લાગ્યા. પછી તરત ચેતનભાઈનો કોલ આવ્યો. અને તેણે એટલું જ કહ્યું કે આપણે કરોડપિત બની ગયા. અને તે એટલો ખુશ હતો કે તેની કોઈ સીમા નહોતી. હું તો ત્યારે ક્લાસ પર હતી. ચેતનભાઈએ મને પૂછ્યું કે તે મારું ઑક્શન જોયું કે નહીં. મેં કહ્યું કે મેં નથી જોયું. પછી મેં કહ્યું કે ખુશીની વાત છે કે તું ખૂબ આગળ વધ્યો.’’

ચેતન સાકરિયાને ઘરે સૌથી પહેલી જાણ તેના કાકાના દીકરા કેવલ સાકરિયાએ કરી હતી. કેવલે જણાવ્યું હતું, ‘‘હું અને દાદા (ચેતનના પિતા) ઑક્શન જોઈ રહ્યા હતા. અને આન્ટી (ચેતનના માતા) બાજુમાં બેઠા હતા. મેં જેવું જોયું કે તરત કહ્યું કે ભાઈ 1.20 કરોડમાં ખરીદાઈ ગયો છે. આઈપીએલમાં રાજસ્થાની ટીમે લીધો છે. ’’ આઈપીએલમાં ચેતન સાકરિયાને 1.20 કરોડમાં ખરીદાયો ત્યારે કેવો માહોલ હતો એ અંગે ચેતનના માતાએ જણાવ્યું હતું, ‘‘આ સમાચાર સાંભળીને અમારા ઘરની આસપાસ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. અભિનંદન આપવા આવેલા લોકોથી આખી શેરી ભરાઈ ગઈ હતી અને અહીં દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો.’’

ચેતન સાકરિયા ક્રિકેટ રમાવાની સાથે તેના મામાની દુકાનમાં કામ પણ કરતો હતો. ચેતનના નાના મામા સુરેશભાઈ જાંબુચાએ જણાવ્યું હતું, ‘‘તે 9માં ધોરણમાં ભણતો હતો ત્યારથી અમને લાગ્યું કે તેને ક્રિકેટનો શોખ છે. તેની સ્કૂલના ટીચરે અમને જણાવ્યું કે ચેતનને ક્રિકેટ રમવા દો. અમે કહ્યું કોઈ વાંધો નહીં. આઈપીએલ ઑક્શન વખતે અમારું આખું ઘર ટીવી સામે બેસી ગયું હતું. જેવો ચેતન 1.20 કરોડમાં વેચાયો અમારા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.’’

તમને જાણીને આંચકો લાગશે પણ આઈપીએલનો કૉન્ટ્રાક્ટ મળ્યો તેના બે મહિના પહેલાં જ ચેતનના નાનાભાઈએ આત્મહત્યા કરી લીધી હતું. જોકે એ વખતે ચેતન સાકરિયા સૈયદ મુશ્તાક અલી ટૉફીમાં રમતો હોવાથી પરિવાર 10 દિવસ સુધી આ સમાચાર તેનાથી છુપાવ્યા હતા. આ અંગે ચેતન સાકરિયાના માતા વર્ષાબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ‘‘ચેતન જ્યારે સૈય્યદ મુશ્કાત અલી ટ્રૉફી રમી રહ્યો હતો ત્યારે તેના ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે 10 દિવસ સુધી ચેતનને આ વાત જણાવવામાં આવી નહોતી, જેથી તેના પ્રદર્શન પર ખરાબ અસર ન પડે.’’

ચેતનના માતાએ વધુમાં જણાવ્યું હતું, ‘‘ચેતન જ્યારે પણ ઘરે કૉલ કરતો હતો તો વારંવાર તેના પિતા અને ભાઈ સાથે વાત કરવાનું કહેતો હતો. 10 દિવસ સુધી વાતને ટાળી દેવામાં આવી હતી. અંતે તેને ભાઈના આત્મહત્યાના સમાચાર આપવા પડ્યા હતા. ચેતન તેના ભાઈની ખૂબ નજીક હતો. ભાઈની આત્મહત્યાના સમાચાર ન આપતાં ચેતને ખોટું લાગી આવ્યું હતું અને તેણે એક સપ્તાહ સુધી તેના પરિવારજનો સાથે વાત નહોતી કરી. એટલું જ નહીં બે દિવસ સુધી ટ્રોફી દરમિયાન ખાવાનું પણ નહોતું ખાધું. ચેતન માટે રાહુલ બધું જ હતો. ભાઈ, ભાઈબંધ, મા-બાપ બધું. તેઓ 5 મિનિટ પણ એકબીજા વગર રહી શકતા નહોતા. ’’

આ અંગે ચેતનની બહેન જીજ્ઞાસાએ જણાવ્યું હતું, ‘‘જ્યારે રાહુલના નિધન બાદ ચેતનભાઈ ઘરે આવ્યા ત્યારે અમારું આખું ફેમિલી સાથે હતું. બધા રડતા હતા. ચેતનભાઈ પછી 12 દિવસ સુધી કોઈની સાથે બોલ્યો નહોતો. તે બધાને કહેતો હતો કે મને સૂવા દો. મને બેસવા દો. થોડા ટાઈમ બાદ મામાને ઘરે ગયો, પછી થોડો નોર્મલ થયો હતો. અમને રાહુલના આપઘાતનું કારણ હજી ખબર નથી પડી. તેમના મોબાઈલમાં પણ બધો ડેટા ખાલી હતો. જો તેમને કંઈ પ્રોબ્લમ હોત અને અમને કીધું હોત તો એનું સોલ્યુશન નીકળત અને આજે અમારે આ દિવસ ન જોવો પડ્યો હોત. રાહુલભાઈ ચેતન અને આખી ફેમિલી માટે બહુ સપોર્ટિવ હતા. ’’

ચેતનની આજની સફળતા પાછળ તેના પરિવારનો ખૂબ સંઘર્ષ છૂપાયેલો છે. તેની ઘરની હાલત બહુ ખરાબ હતી. એક એવો સમય હતો જ્યારે તેની પાસે રમવા માટે શૂઝ પણ નહોતા. ચેતનના પિતા ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે ત્રણ વખત એક્સિડન્ટ થતાં તેઓ પથારીમાં ઉભા થઈ શક્યા નહોતા. જેથી ઘરની જવાબદારી ચેતન અને તેના નાના ભાઈ રાહુલ પર આવી પડી હતી. નાનાભાઈ રાહુલે ચેતનને ક્રિકેટમાં આગળ વધારવા માટે પોતે ભણવાનું છોડીને કામ શરૂ કર્યું હતું.

ચેતનના પિતા કાનજીભાઈ પાસે ટીવી લેવાના પણ પૈસા નહોતા. ચેતનના પિતા ક્યારેય નહોતા ઈચ્છતા કે તેનો દીકરો ક્રિકેટ રમે. તેમની ઈચ્છા હતી કે દીકરો ભણીને નોકરી કરે જેથી પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે. ચેતન ભણવામાં બહુ હોશિયાર હતો.

 ચેતને ક્રિકેટમાં શરૂઆત બેટ્સમેન તરીકે કરી હતી. બાદમાં ટીચરની સલાહથી તેણે બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. પહેલાં હાઈસ્કૂલ પછી જિલ્લા લેવલની ક્રિકેટમાં ચેતને ડંકો વગાડ્યો હતો. બાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિશનની અન્ડર 19 ટીમમાં જગ્યા મેળવી હતી. અહીં તેણે શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં 15 ફર્સ્ટ ક્લાસ, 7 લીસ્ટ-એ અને 15 ટી20 મેચ રમી છે.

ચેતન સાકરિયાની ફેવરિટ અભિનેત્રી અનન્યા પાંડે છે. હાલમાં એક વીડિયો ચેટમાં ચેતન સાકરિયાએ અનન્યા પાંડે સાથે ડેટ પર થઈ બીચ પર શાંતિથી બેસી કૉફી પીવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this cosmic journey of imagination and let your imagination soar! ? Don’t just enjoy, experience the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page