પપ્પા સ્કૂલમાં પટાવાળા, મમ્મી દુકાન ચલાવે, આ રીતે દીકરી બની IPS

Feature Right National

નાસિકઃ કોઇએ સાચુ જ કહ્યું છે કે જીવનમાં કંઇ મેળવવા માટે ઇમાનદારી સાથે પ્રયાસ કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. સફળતા માટે લગન અને જુસ્સો જરૂરી છે. વ્યક્તિ પોતાની મહેનત અને જોશના દમ પર મોટું પદ મેળવી શકે છે. આજકાલ જોવા મળી રહ્યું છે કે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ એક કે બે વખત અસફળ થયા બાદ નર્વસ થઇ જાય છે. માનસિક રીતે હાર માની જીવનમાં કંઇ ના કરી શકે તેની ધારણા ગ્રહણ કરી લેતા હોય છે. પરંતુ આવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બની છે 2018 બેંચની IPS ડો વિશાખા ભદાણે. જેની સંઘર્ષગાથા ખુબ જ રોચક છે.


ડો. વિશાખા ભદાણે નાસિકની રહેવાસી છે. તેના પિતા અશોક ભદાણે નાસિકના ઉમરાને ગામની એક સ્કૂલમાં ચોથા વર્ગના કર્મચારી છે. વિશાખા બે બહેનો તથા એક ભાઇમાં સૌથી નાની છે.


વિશાખાના પિતા અશોક ઇચ્છતા હતા કે તેમના બાળકો ભણીગણી મોટા વ્યક્તિ બને. આથી તેઓ શરૂઆતથી જ તેમના શિક્ષણ પર ધ્યાન આપતાં હતાં પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી કે ઘરખર્ચની સાથે તે બાળકોને સારી વ્યવસ્થા કરાવી આપે.


પિતાનો પગાર ઓછો હોવાને કારણે વિશાખાની માતાએ પણ સ્કૂલની બહાર એક દુકાન ખોલી હતી. દુકાનમાંથી થતી આવક બાળકોના શિક્ષણમાં થોડી મદદરૂપ થતી હતી.


તેમ છતા પુસ્તકો વગેરેનો ખુબ ખર્ચ થતો જે પહોચી વળાય તેમ નહતો. પૈસા ના હોવાને કારણે જ્યારે સ્કૂલમાં બે મહિનાનું વેકેશન રહેતું ત્યારે ત્રણેય ભાઇ બહેન લાઇબ્રેરીમાં જઇ પુસ્તકો વાંચતા હતા. તેમની મહેનત જોઇ સ્કૂલના પ્રોફેસર પણ ઉત્સાહમાં વધારો કરતાં હતા.


વિશાખા જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેમની માતાનું નિધન થઇ ગયું. ઘર સંભાળનારું કોઇ ના રહ્યું. માતાના મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારી વિશાખા પર આવી ગઇ. ત્યારબાદ તે ઘરકામ કર્યા બાદ અભ્યાસ કરતી હતી.


વિશાખા અને તેમના ભાઇએ સરકારી આયુર્વેદ કોલેજમાં બીએએમએસમાં એડમિશન માટે એન્ટ્રેન્સ આપી હતી, જેમાં બે લોકોનું સિલેક્શન થઇ ગયું. ત્યારબાદ પિતાએ બેંકમાંથી લોન લીધી જેનાથી બંનેનું શિક્ષણ શક્ય બન્યું.


અભ્યાસ પૂર્ણ થયા બાદ વિશાખા UPSCની તૈયારીમાં લાગી ગઇ. બીજા પ્રયાસમાં 2018માં તેમનું સિલેક્શન UPSCમાં થઇ ગયું. તેમને IPSમાં રેંક મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *