BRTS કોરીડોરમાં વાહન ચલાવતા પહેલા અમદાવાદીઓ થઈ જજો સાવધાન
અમદાવાદમાં દિવસે ને દિવસે બીઆરટીએસ બસનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. BRTS કોરીડોરમાં વાહન ચલાવતા પહેલાં અમદાવાદીઓ સાવધાન થઈ જજો નહીં તો તમારા પર ટ્રાફિક પોલીસ મોટી કાર્યવાહી કરી શકે છે. ત્યારે શુક્રવારે BRTS કોરીડોરમાં એક BMW કાર ચલાવનારને રૂપિયા 3 હજારનો દંડ ટ્રાફિક પોલીસ દ્વારા ફટકારવામાં આવ્યો છે.
ગુરૂવારે અમદાવાદના પાંજરાપોળ સર્કલ પાસે BRTS બસ અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો જેમાં બે સગાભાઈઓના મોત નિપજ્યાં હતાં. ત્યાં શુક્રવારે સવારે લક્ઝુરિયસ BMW કારના ચાલકે BRTS કોરિડોરમાં કાર ચલાવતાં પોલીસ દ્વારા તે કાર ચાલકને રોકી 3000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં દોડતી BRTS બસો માટે BRTS કોરિડોર બનાવવામાં આવ્યો છે.
તેમાં એએમટીએસની બસો, ગુજરાત એસટીની બસો અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવેલી છે. બીઆરટીએસ કોરિડોરમાં અમુક ખાસ કિસ્સામાં વીવીઆઈપીઓના વાહનો પસાર થતાં હોય છે. આ સિવાયના અન્ય કોઈ ખાનગી વાહનો પ્રવેશ કરે તો તે વાહન ચાલકને દંડ ફટકારવામાં આવતો હોય છે.
જોકે પાંજરાપોળ બીઆરટીએસ કોરિડોરમાં આવેલી એક લક્ઝુરિયર કાર GJ01KM7090ના ચાલકને 3 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સવારે 10:30 વાગ્યાની આસપાસ શૈશવ કમલેશભાઈ પ્રજાપતિએ બીઆરટીએસના કોરિડોરમાં બીએમડબ્યુ કાર ભૂલ સ્પિડે હંકારતો હતો. જેથી ટ્રાફિક નિયમનો ભંગ થતાં તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.