Friday, April 19, 2024
Google search engine
HomeFeature Rightસુના હૈ ઉસકો મોહબ્બત દુઆયેં દેતી હૈ, જો દિલ પે ચોટ તો...

સુના હૈ ઉસકો મોહબ્બત દુઆયેં દેતી હૈ, જો દિલ પે ચોટ તો ખાયે મગર ગિલા ન કરે

મૃગેન્દ્ર સોઢા Sometimes fact is stranger than fiction. આ વાક્યનો મર્મ હું એટલે કે ચિરંતન ભટ્ટી સારી રીતે સમજી શકું છું. `હું` અને `મેં આમ કર્યું` પ્રકારનો શબ્દપ્રયોગ દર ત્રીજી વાતમાં કરનારા માટે મને સૂગ છે એટલે મારી જ વાત બીજા પુરુષમાં કરીશ.

આ જે સમયની વાત છે તે વખતે તમે એટલે કે ચિરંતન ભટ્ટી અઠ્ઠાવીસીમા વિહરતા યુવાન હતા અને માસૂમાબાદમાં તમારા કામકાજી જીવનમાં વ્યસ્ત હતા ત્યારે એક રૂપકડું વાવાઝોડું આવ્યું હતું. જે આમ તો કોલેજકાળમાં આવવાની આગાહી હતી પણ હવામાનની આગાહીની જેમ એ આગાહી ખોટી પડે છે જો કે સાવ ખોટી પણ નથી પડતી કારણ કે વર્ષો પછી પાછું આવે છે. વાવાઝોડું પાછું માસૂમાબાદમાં આવ્યું હતું પણ તેની ઉત્પત્તિ વિઠ્ઠલનગરના તમારા કોલેજકાળમાં થઈ હતી.

તે વખતે તમે ઓગણીસ વર્ષના હતા અને વિઠ્ઠલનગરની આર્ટ્સ કોલેજમાં ભણતા હતા. વિઠ્ઠલનગર વિદ્યાનું નગર ગણાતું. ભાગ્યે જ કોઈ વિદ્યા શાખા બાકી રહી જતી હશે કે જેની કોલેજ ત્યાં ન હોય. આમ તમે કોલેજમાં ખરા પણ કોલેજમાં જવાના મામલે ઈદના ચાંદ હતા. તમે જે શહેરમાંથી આવતા હતા તે ત્યાંથી સેંકડો કિલોમીટર દૂર હતું. ભણવા માટે તમે વિઠ્ઠલનગર આવ્યા હતા.

એક સવારે તમે ગોરધનકાકાની લારીએ નિત્યક્રમ મુજબ ચા પૌંવાનો નાસ્તો પતાવીને `હાકલ` અખબારના પેજ ઉથલાવી રહ્યા હતા. તે દિવસે શુક્રવાર હોવાથી રિલિઝ થયેલી ફિલ્મો પર નજર ફેરવતા જોવા ધારેલી ફિલ્મ નજરે ચડી. એટલે પહેલા જ શોમાં જોઈ નાખવાનું નક્કી કરીને નીકળ્યા ત્યાં યાદ આવ્યું કે, મનિયાને લઈ જાવો પડશે, નહીંતર એની સાથે બીજી વાર જોવું પડશે.

આમ તો મનિયાનું સત્તાવાર નામ મનન પાડલિયા હતું પણ ભાઈબંધો મનિયો કહેતા. તે દિવસોમાં મોબાઈલ માર્કેટમાં આવી ગયા હતા પણ દરેકના હાથનું ઘરેણું બનવાને હજુ વાર હતી અને સ્માર્ટફોનની એન્ટ્રી તો તેનાય વર્ષો પછી થવાની હતી. એટલે જેમની પાસે મોબાઈલ ન હોય તેઓ જાતે લોકેશન ટ્રેસ કરવા નીકળી પડતા. એ મોડસ ઓપરેન્ડી મુજબ મનિયો જ્યાં માવો ખાતો હતો તે ગેલેક્સી પાન કોર્નરે જવાનું નક્કી કર્યું. ગેલેક્સી ગલ્લો કોલેજીયનોનો અડ્ડો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રીયનોમાં આ ગલ્લો ફેવરિટ હતો.

તમે ગેલેક્સીએ જઈને પૂછપરછ કરતા પાડલીયાનું પગેરું કોલેજમાં નીકળ્યું. ગેલેક્સીથી તમારી કોલેજ ચાલીને જતાં પાંચ મિનિટ માંડ થતી. કોલેજ પહોંચીને જોયું તો લેક્ચર ચાલુ હતો અને આ લેક્ચર પતે પછી રિસેસ પડવાની હતી. મનિયાની રાહ જોતા પાર્કિંગ પાસે આવેલા આસોપાલવ નીચે ઉભા હતા. પિરિયડ ચાલુ હતા અને નવા આવેલા પ્રિન્સિપાલનો ઠીકઠીક કડપ હતો એટલે આવા ટાઈમે કોલેજ સિવાયના છોકરાઓ અંદર આવવાનું ટાળતા. બાકી રિસેસમાં સબ ભૂમિ ગોપાલ કી થઈ જતી. એટલે તમારી કોલેજવાળા બીજી કોલેજમાં જઈ નયનસ્નાન કરી આવતા તો એ જ રીતે બીજી કોલેજવાળા તમારી કોલેજમાં આવીને નયનસ્નાન કરી જતા. કોલેજના ગેટમાંથી ગણ્યાંગાંઠ્યા લોકોની અવરજવર ચાલુ હતી. તમે બિન્દાસ હોવાનો ડોળ કરતા ઉભા હતા પણ મનમાં છૂપો ભય તો હતો જ કે ન કરે ને નારાયણ જો કોકે આઈકાર્ડ માંગ્યું તો મરો થવાનો. કોલેજ તમારી હતી એટલે બીજી કોઈ ચિંતા નહોતી પણ તમારા જ કોઈ લેક્ચરરે માંગ્યું તો તે જોઈને આભા થઈ જવાના હતા કારણ કે તમે ભાગ્યે જ તમારા મુખારવિંદના દર્શન ક્લાસમાં આપતા.

આમ તો તમે કોઈની રાહ જોવા માટે કોલેજ પાસેના ડિલક્સ ટી કોર્નરે બેસતા કારણ કે તમને ચા તરફ વિશેષ અનુરાગ હતો. પણ તે દિવસે જ વળી તમને શું સૂઝ્યું કે કોલેજ કેમ્પસમાં આવેલા આસોપાલવ નીચે રાહ જોવાનું નક્કી કર્યું. એટલે જેવી રિશેષ પડે કે અંદર જઈને મનિયાને ગોતવાનું કામ પ્રાયોરિટીમાં હતું. આસોપાલવ નીચે ઉભા ઉભા ઘડિયાળના કાંટા તરફ તો ક્યારેક કોલેજના ગેટ સામે જોઈ રહ્યા હતા. કોલેજના ગેટમાંથી એકલદોકલ વ્યક્તિની અવરજવર ચાલુ હતી. સમય સ્હેજે ખસતો નહોતો એટલે હજી તમે ડિલક્સ જવા પગ ઉપાડો ત્યાં કોલેજના ગેટમાંથી એક યુવતી અંદર આવી રહી હતી. લેમન યલ્લો કલરનો કુર્તો, વ્હાઈટ સલવાર અને બગલાની પાંખ જેવો સફેદ દુપટ્ટો જે એક ખભાની આગળની બાજુથી આવીને પાછળ તરફ જતો હતો. ઈનશોર્ટ બંને ખભે નહીંને એક ખભે દુપટ્ટો નાખ્યો હતો. આવા વસ્ત્રો અને વસ્ત્રોની શોભામાં અભિવૃદ્ધિ કરતું રૂપ અને યૌવન ધરાવતી એ યુવતીને જોતાં તમારા પગ હતા ત્યાંને ત્યાં ચોંટી ગયા. ગૌર વર્ણ, સ્હેજ લાંબો કહી શકાય તેવો ચહેરો, તીણું નાક અને મત્સ્યાકાર આંખો ધરાવતો નિર્દોષ ચહેરો જોઈને શું થયું ખબર નહીં પણ ઘડીક માટે બધુ વિસરાઈ ગયું. ક્યાં જવાનું છે, શું કરવાનું છે એ બધુ વિસરાઈ ગયું. યુવતી ગેટની અંદર આવીને પ્રિન્સિપાલની ચેમ્બર તરફ જતી લોબીમાં વળી ગઈ. આખો મામલો આમ તો માંડ અમુક સેકંડોનો હતો પણ એ સેકંડો જનમટીપ સાબિત થશે, તેની તમને ક્યાં ખબર હતી?!

રિસેસનો બેલ પડ્યો ત્યારે તમારો રસભંગ થયો. સેકંડોના વાવાઝોડાના આફ્ટરશોકમાંથી કદાચ તમે પૂરતા બહાર નહોતા આવ્યા એટલે કદાચ બેલનો અવાજ સાંભળીને ક્લાસ બાજુ જવાને બદલે બહાર ચાલી નીકળ્યા. પછી જો કે તમે જે ગણ્યાંગાંઠ્યા દિવસોમાંથી એકાદ દિવસ કોલેજે અને તેમાં પણ તમારા જ ક્લાસમાં જઈ ચડ્યા ત્યારે તમને ખ્યાલ આવ્યો કે જેને જોઈને ઘડીકવાર બીજું બીજું ભૂલી જવાય છે એ તો તમારી જ ક્લાસમેટ છે. તેનું નામ માનુષી છે. તેણે બીજા વર્ષમાં સીધું એડમિશન લીધું એટલે લીધું હતું કારણ કે તેના પપ્પાની બદલી વિઠ્ઠલનગરના જોડિયા શહેર ગણાતા આનંદનગરમાં થઈ હતી.

એક દિવસ તમે બજારમાં તેને પલ્સર પાછળ એક હેન્ડસમ હન્ક પાછળ બેઠેલી દીઠી. બ્લેક પલ્સર પર પાછલી સીટ પર બેઠેલી એ ડ્રીમગર્લે બ્લેક શર્ટ અને પેન્ટ…? એ કલર યાદ નથી આવતો બસ એને તમારી કચાશ ગણવી કે પછી તમારા પર ત્રાટકેલી વિજળીએ આંખે અંધારા લાવી દીધા હોય અને પછીનું ધૂંધળું થઈ ગયું તેમ બની શકે છે. જો કે ત્યાં સુધી તમને એય ખ્યાલ નહોતો કે આ પ્રેમ છે, તમને એમ કે સુંદર યુવતી છે એટલે વિજાતીય આકર્ષણ હશે એમ ધારીને બાકીના વર્ષો તમે તેની સાથે વાત કરવાનો કે નજીક જવાનો પ્રયાસ કર્યો નહીં. હા તેના વિશેની વાતો સાંભળવા મળતી. જેનો સમાવેશ કોલેજની સૌથી સુંદર યુવતીઓમાં થતો હોય તેના વિશે ખણખોદીયાઓમાં ચર્ચા ન થાય તેવું આજ સુધી બન્યું છે? એટલે એવા ખણખોદિયાઓના પ્રતાપે તમને જાણવા મળેલું કે એ તમે જે પલ્સરસવાર હેન્ડસમ હન્ક જોયો હતો તે એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે. કોલેજના એ બે વર્ષો અને પછીના તમારી માસ્ટર ડિગ્રીના બે વર્ષ દરમિયાન પણ તમે ડ્રીમગર્લની લાફઈમાં શું ચાલે છે તે જાણવાનો પ્રયાસ નહીં કરેલો. જો કે માસ્ટર્સ તમે બંને અલગ અલગ જગ્યાએ કરતા હતા પણ તે વખતે તમે જ્યાં પેઈંગ ગેસ્ટમાં રહેવા ગયા હતા તેની સામેના જ એપાર્ટમેન્ટમાં એ ડ્રીમગર્લ રહેતી હતી. આમ એ બે વર્ષો દરમિયાન જાણે અજાણે તેના દર્શનનો લ્હાવો મળતો રહેતો.

તમે જે શાખામાં માસ્ટર ડિગ્રી કરી હતી તેમાં આગળ વધીને શિક્ષકની નોકરી મળે તેમ હતી જે તમે કરવા માંગતા નહોતા. તમારી બોલવાની છટા અને કોલેજકાળમાં તમને મળેલા શીઘ્ર વક્તૃત્વની સ્પર્ધાના ઈનામોને કારણે અમુક દોસ્તોએ તમારે મીડિયામાં જવું જોઈએ તેવું સૂચન કરેલું. અને તમનેય ખબર નથી કે તમે કઈ ઘડીએ મીડિયામાં જવાનું જવાનું નક્કી કરી લીધું. તમે જે અભ્યાસક્રમમાં જવા માંગતા હતા તેના માટે બીજી યુનિવર્સિટીમાં તમારે જવાનું હતું. જેની એન્ટ્રન્સ એક્ઝામ તમે પાસ કરી લીધી હતી. એક દિવસ તમે વિઠ્ઠલનગરના ગીરીબજાર વિસ્તારમાં રીક્ષામાંથી ઉતરીને તમારા રૂમ બાજુ જઈ રહ્યા હતા ત્યારે યોગાનુયોગ ડ્રીમગર્લ બાજુમાંથી નીકળી. તમે સ્મિત કર્યું એટલે તે સ્પીડ ઘટાડીને તમારી સાથે ચાલવા લાગી.

બંને એક વર્ગમાં હતા એટલે એકબીજાને ચહેરેથી ઓળખતા હતા. હવે જ્યારે બંનેની માસ્ટર ડિગ્રી પૂરી થઈ ગઈ હતી એટલે આગળ શું? તેવો સવાલ તેણે પૂછ્યો અને તમે માસ મીડિયાના કોર્સમાં એડમિશન મળી ગયું હોવાની વાત કરી ત્યારે તેણે `અરે, વાહ!` કહીને આનંદ વ્યક્ત કર્યો હતો. આટલી વાતચીત થઈ ત્યાં તો ગોરધનકાકાની ચાની લારી બાજુ જવાનો રસ્તો ફંટાતો હતો. એટલે એ બાજુ તમે સ્હેજ વળતા માનુષીને ખ્યાલ આવી ગયો કે તમારે બીજી બાજુ વળવાનું હશે એટલે એકબીજાને બાય કહીને પોતપોતાના માર્ગે ચાલી નીકળેલા.

તમે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે, એ રસ્તાઓ વર્ષો બાદ ફરી કોઈ શહેરમાં વાયા ફેસબુક આ રીતે પાછા સમાંતરે નીકળશે. ફેસબુક ચેટમાં માનુષીએ પોતે માસૂમાબાદમાં પોતાના કાકાને ત્યાં આવી હોવાની વાત કર્યા બાદ તમારી વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ. પછી ફોરવર્ડેડ મેસેજનો સિલસિલો ચાલુ થયો જે કેઝ્યુઅલ વાતોમાં પરીણમ્યો. એક દિવસ સાંજે તમે તમારી ઓફિસની બાજુમાં આવેલી કિટલીએ ચા પીવા ગયા ત્યારે માનુષીનો મેસેજ મોબાઈલમાં બ્લિંક થયો.

`હું ચાર વાગ્યે ઓફિસેથી ફ્રી થઈ જઈશ, તને કેટલા વાગ્યે ફાવશે?`

`હું જનસેના ભવનથી કામ પતાવીને શાસ્ત્રીગાર્ડન પાસે આવેલા વી માર્ટમાં ખરીદી કરવા જવાની છું.`

`ઓ કે, ફ્રી થઈને મેસેજ કર એટલે આવી જઈશ, એક કામ કર મારે ટ્રાફીકને લીધે પહોંચતા વીસ મિનિટ જેવું થશે એટલે ફ્રી થવાની પંદરેક મિનિટ પહેલા જણાવજે.`

માનુષીના પપ્પાની પણ પછી બદલી આનંદનગરથી બીજા રાજ્યના એક મેટ્રોસીટીમાં થઈ ગઈ હતી. ત્યાં તેણે એચઆરમાં થોડો વખત કામ કર્યા બાદ પોલિટિક્સમાં ડિપ્લોમામાં કર્યો હતો અને હવે તે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ માટે હોમસ્ટેટમાં આવી હતી. વળી માસૂમાબાદ રાજ્યનું સૌથી મોટું શહેર હતું અને રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતું હતું. 2012ની વિધાનસભાની ચૂંટણીઓ નજીક હતી એટલે રાજકીય પક્ષો પોતાનું જોર અજમાવી લેવા માંગતા હતા. રાજ્યમાં `નવનિર્માણ પક્ષ`નું શાસન હતું અને તેનો આ રાજ્ય તેનો ગઢ ગણાતું હતું, એટલે ત્યાં નેતા અને કાર્યકરોનો તૂટો નહોતો. જ્યારે `જનસેના` પક્ષ આમ તો સ્વતંત્રતા પૂર્વેનો હતો અને સ્વતંત્રતા બાદ પણ વર્ષો સુધી રાજ્ય કર્યું હતું. પરંતુ હવે તેના કોટના કાંગરા ખરવા લાગ્યા હતા. સારી ઈન્સ્ટીટ્યૂટમાં પોલિટિક્સ સબજેક્ટ સાથે ભણીને નીકળતા યુવાનો અને યુવતીઓમાંથી કેટલાક એવું માનતા કે જે પક્ષ હારનો સામનો કરતો હોય ત્યાંથી લોકો ભાગવા લાગ્યા હોય માટે ત્યાં કરવા લાયક કામ ઘણું બધુ હોય. ઈનશોર્ટ એક્સપોઝર ત્યાં મળવાના મેક્સિમમ ચાન્સ હોવાના. આવી જ કોઈ ગણતરીએ માનુષીએ `જનસેના`માં કામ કરવાનું નક્કી કર્યું હતું.

નક્કી થયા મુજબ ચિરંતન ભટ્ટી તમે તમારું `આરએક્સ હન્ડ્રેડ` લઈને `વી માર્ટ` પહોંચી ગયા ત્યારે સાંજના લગભગ સાડા સાત વાગવા આવ્યા હશે. અને અંધારું થઈ ગયું હતું પણ લાઈટો ચાલુ થઈ ગઈ હતી. મોલ પાસે લીમડાની ડાળીઓને કારણે પ્રકાશનો અભાવ જણાતો હતો પણ માનુષીએ પહેરેલા સફેદ ડ્રેસને કારણે હોયકે તમારી આંખોની ઝંખના હોય પણ તમને એ આછા અજવાળામાં પણ દેખાઈ આવી. તમે રોડની આ બાજુ હતા અને વાહનોની ઘરઘરાટી, હોર્નનું ચેં ચેં પેં પેં, ગાર્ડનની આજુબાજુ ફેરિયાઓ સાથે રકઝક કરતી ગૃહિણીઓ અને કંઈ કેટલાય કોલાહલો જાણે તમારા કાન સુધી પહોંચતા જ નહોતા. તમે હાથ ઉંચો કર્યો અને માનુષીની મત્સ્યાકાર આંખોએ તમને ઓળખી લીધા. અને તમારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું હોય તેવું તમને અનુભવાયું. તે રોડક્રોસ કરીને આવી અને આવતાવેંત સહજ સ્મિત સાથે Hi (હાય) કહ્યું. Hi અત્યાર સુધી તમે સાંભળેલા બધા પ્રકારના Hi (હાય), Hello(હેલ્લો)થી અલગ અને આકર્ષક હતું.

હાય, હેલ્લો પતાવ્યા પછી સ્થળપસંદગીનો નિર્ણય માનુષીએ તમારા પર છોડ્યો. માનુષી પાછળ બેઠી એટલે તમે `આરએક્સ હન્ડ્રેડ`ની કીક મારી. ખબર નહીં કેમ પણ આજે તમને પહેલીવાર એમ લાગતું હતું કે સીટની લંબાઈ ઘટી છે. કારણ કે માનુષી સરેરાશ ગુજરાતી યુવતીઓ કરતાં ઉંચી નહોતી છતાં તેના ઢિંચણ તમારા હિપ્સની બન્ને બાજુ સ્પર્શતા હતા. તમારા શરીરનું કોઈ રૂંવાડું એવું નહોતું જે આ સ્પર્શસુખને પરીણામે બેઠું ન થઈ ગયું હોય. જે થોડા સમયથી ચેટ ચાલતી હતી તેના પરથી તમે જાણતા હતા કે માનુષીને કોફી ભાવે છે.

`કાફે કોફી ડે જઈએ?`

`તું કોફી પીવે છે?`

`પીતો નથી પણ તું પીવે છે અને બહુ લોકો નહીં હોય એટલે સીસીડીની અંદર નિરાંતે વાતો થશે.`

`ઓ કે`

`અને તમે પાસપોર્ટ ઓફિસ પાસે આવેલા કાફે કોફી ડે પાસે જઈને બાઈક ઉભું રાખ્યું.`

કોફીનો ઓર્ડર અપાઈ ગયા બાદ વાતો થઈ તેમાં જાણવા મળ્યું કે માનુષીના લગ્ન થઈ ગયાને બે વર્ષ થઈ ગયા છે અને અત્યારે છુટ્ટાછેડાની વાતો ચાલી રહી છે. આ વાત સાંભળીને તમને રોમાંચ થયો જે માંડ માંડ છુપાવતા તમે `ઓહ,સોરી!` કહીને અફસોસ વ્યક્ત કર્યો. વાતચીત દરમિયાન એ પણ ઘટસ્ફોટ થયો કે માનુષીના કોલેજકાળના બોયફ્રેન્ડ સાથે લગ્ન નહોતા થયા પરંતુ કોઈ અન્ય યુવાન સાથે લગ્ન થયા હતા. કેટલાક કિસ્સામાં બનતું આવ્યું છે તેમ કોલેજકાળમાં સાથે હર્યાફર્યા પછી જો એક પાત્ર પ્રેમમાં હોય અને બીજા માટે ટાઈમપાસ હોય તો તે સંબંધ આગળ વધતો હોતો નથી. માનુષી પ્રેમમાં હોવાથી લગ્ન કરવા માંગતી હતી પણ છોકરા માટે તે સંબંધ ટાઈમપાસ હતો. મુંબઈ ગયા બાદ માનુષી ધીમેધીમે એ આઘાતમાંથી બહાર આવી હતી અને જેમ મધ્યમવર્ગીય પરીવારોમાં બનતું આવ્યું છે તેમ કુટુંબીજનોએ સારો મુરતિયો જોઈને લગ્ન કરાવી દીધા હતા. મુરતિયો એનઆરઆઈ હતો અને માનુષીને વિઝા માટેની પ્રોસેસ ચાલી રહી હતી. તે દરમિયાન ખબર નહીં કશુંક એવું થયું કે લગ્ન થયાના વરસદિવસની અંદર જ છુટ્ટાછેડા લેવાની નોબત આવી. માનુષી છુટ્ટાછેડા માટેના કારણો જે આપતી તે ગળે ઉતરતા નહોતા.

પછી તો સીસીડી પર મળવાનું એકાંતરે બનતું. હવે દિવસે અને રાતે સતત ચેટ ચાલ્યા કરતી. ક્યારેક અનુકૂળતા હોય ત્યારે કોલ દ્વારા વાતો ચાલતી. કાકાના ઘરે કોઈ જાગી જશે તેવું માનુષીને લાગે એટલે કોલ પર અધૂરી રહેલી વાતો એસએમએસ દ્વારા વાતો આગળ વધતી. એવામાં એક દિવસ માનુષીએ કહ્યું, `તું વોટ્સએપ નથી વાપરતો?`

તમે અગાઉ એકાદબે વાર ફિલ્મોમાં નામ સાંભળ્યું હતું પણ વધારે જાણતા નહોતા. માનુષીએ તમારો ‘નોકિયા એક્સટુડબલ ઝીરો’ તમારા હાથમાંથી લઈને તેમાં વોટ્સએપ ડાઉનલોડ કરી નાખ્યું. હજુ સ્માર્ટફોન એટલા લોકભોગ્ય નહોતા થયા. એવું જ કંઈક વોટ્સએપનું હતું. વોટ્સએપ ડાઉનલોડ કરીને માનુષીએ ઓપરેટ કરતા શીખવ્યું. પછી વોટ્સએપ પર ચેટ ચાલતી. જેમાં મોટેભાગે માનુષીની જ વિકેટ પહેલી પડતી. અલબત્ત ઉંઘને કારણે જ તો!

રાત લગભગ સવારે પડતી એટલે તમારી સવાર પડતા બપોર થઈ જતી. એકલા રહેતા હોવાથી કોઈ ઘાંટા પાડીને તમને જગાડવાનું નહોતું કે બીજી કોઈ ખલેલ પડવાની નહોતી. જાગીને પહેલું કામ મોબાઈલ જોવાનું કરતા જો મેસેજ આવ્યો હોય તો મોર્નિંગ અનાયાસે ગુડ થઈ જતી અને જો ન આવ્યો હોય તો તમે મોકલીને મોર્નિંગને ગુડ બનાવવાનો પ્રયત્ન કરતા. મોટાભાગના કિસ્સામાં સામે રિપ્લાય આવતો એટલે વાંધો ન આવતો. બસ ડખ્ખો જ્યારે માનુષી મુંબઈ જતી ત્યારે થતો. ખબર નહીં મુંબઈ જઈને કંઈક એવું બિહેવ કરતી કે તમને લાગતું કે તમને લાગે છે એટલા તમે બંને નજીક નથી. પણ ફરી જ્યારે માસૂમાબાદ આવતી ત્યારે જૂનો ક્રમ ચાલુ થઈ જતો એટલે તમે સંઘરી રાખેલો ગુસ્સો હવા થઈ જતો. પણ મનના કોઈ ખૂણામાં રિસાઈકલબીન પડી જ રહેતી હોય છે.

તેવામાં એક દિવસ દિવાન સર્કલ પાસે આવેલા પેટ્રોલપંપ પાસેના સીસીડીમાંથી જ્યારે કોફી પીને બહાર તમે બંને ઉભા હતા અને માનુષી તેના એક્ટિવા પર બેસીને જવાની તૈયારીમાં હતી ત્યારે તેનો મોબાઈલ રણકે છે. સામેની વ્યક્તિ જે રીતે પૂછી રહી હતી અને માનુષી જવાબ આપી રહી હોય તે જોતા લાગતું હતું કે તે હકપૂર્વક પૂછી રહી છે અને માનુષી તેનાથી તમારી હાજરીને છુપાવી રહી હતી. ફોન મૂક્યા બાદ તમે પૂછ્યું `કોણ હતું?`

કોઈ નહીં, એક ફ્રેન્ડ.’

તો છુપાવવાની શી જરૂર પડી કે તું એક છોકરા સાથે ઉભી છે? ’

કંઈ નહીં,એમ જ’

એમ જ કશું નથી હોતું’

તારે જે સમજવું હોય તે સમજ, ચેરી’

હું ગમે તે સમજી લઉં એના કરતાં સાચું બોલવામાં શું વાંધો પડે છે? ’

વાંધો હોય તો?’

નહીં ચાલે, સીધી રીતે કહી દે ને કે છોકરાનો કોલ હતો. જૂઠ્ઠું બોલવાની કે છુપાવવાની હદ હોય. ’

હા હતો તો?’

તો છુટ્ટાછેડા થવા પાછળના કારણમાં આ કારણ હતું એવું તારે છુપાવવાની જરૂર નહોતી. પણ આજે મને તાળો મળી ગયો છે કે વાંક કોનો હશે? ’

ઈટ્સ માય પર્સનલ મેટર’

ઈટ વોઝ. હવે તારે એકલાની મેટર નથી રહેતી અને જો એમ જ હોય તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે. ’

ઓ કે, ફાઈન’

સાવ સપાટ અને રૂક્ષ જવાબ સાંભળીને તમારું દિમાગ તપી ગયું.

તો તેલ લેવા જા’ એમ કહીને પાર્ક કરેલા આરએક્સ 100 તરફ ચાલી નીકળ્યા અને કિક મારીને ફુલસ્પીડમાં નીકળી ગયા.

તે ઘડીને આજનો દિવસ તમારી વચ્ચે મુલાકાત થઈ નથી. તમે પછી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે માનુષીનું કોઈ સાથે અફેર છે તેવો આરોપ મૂકીને તેના પતિએ જે તે વખતે છુટ્ટાછેડા લીધા હતા. પોલિટિકસના ડિપ્લોના અભ્યાસ દરમિયાન માનુષીને કોઈ સાથે અફેર હતું તેવી વાતો સાંભળવા મળી હતી. અને તે જ છોકરાને તે દિવસે કોલ આવ્યો હોવાનો તાળો મળતો હતો. પછી જો કે મળવાનું અનેક વખત તમને મન થયું છે, પણ તમે કાયમ મનને મારતા આવ્યા છો. કારણ કે રાતોની રાતો જેની સાથે વાતો કરતા તેણે આવી વાત છુપાવી હતી. જો કે અંતે ન રહેવાતા તેને બર્થ ડે વિશ કરવા માટે મેસેજ કર્યો હતો. જેનો રિપ્લાય પણ લગભગ પાંચછ કલાક પછી આવ્યો હતો. ગુસ્સો તો આવતો હતો પણ દિલ કે હાથો મજબૂર થઈને તમે પૂછ્યું ‘what’s going on?’ આ સવાલનો જવાબ તમારી અપેક્ષાથી ઉલટ પાંચ મિનિટમાં આવી ગયો. જેમાં તમને જાણવા મળ્યું કે, માનુષી હવે યુએસએ શિફ્ટ થઈ રહી છે. આ વાત જાણ્યા બાદ તમે મળવાની ઈચ્છા દર્શાવી. આ ઈચ્છાનો પડઘો બીજે દિવસે પડ્યો અને માનુષીએ હકારમાં જવાબ આપ્યો.

થોડા દિવસો બાદ તમે સીસીડીમાં મળો છો અને તમારી અંદર રહેલો ગુસ્સો તમે બહાર કાઢવા નહોતા માંગતા. કારણ કે યુએસએ શિફ્ટ થઈ રહી છે તે વાતે જ તમે અંદરથી અજીબોગરીબ મુંઝવણ અનુભવી રહ્યા હતા. બધી લાગણીઓને માંડ કંટ્રોલમાં રાખીને વાતચીત કરી. માનુષીના નજીકના સગા યુએસ રહેતા હતા એટલે બ્લડરિલેશનના આધારે તે ત્યાં શિફ્ટ થઈ રહી હતી. વળી તેને વર્ક પરમિટ પણ મળી ગઈ હતી. છેલ્લે માનુષી જેની સાથે રિલેશનશિપમાં હતી તે સંબંધ હજુ જીવંત છે કે કેમ એ સવાલનો જવાબ તમે જાણવા માંગતા હતા પણ એ વાત કાઢીને તમે તમારો મૂડ ખરાબ કરવા માંગતા નહોતા. તમે અંદરની બધી પીડાને દબાવીને સસ્મિત ચહેરે કોન્ગ્રેચ્યુલેશન કહ્યું હતું. જો કે તમને કહેવાનું બહુ મન હતું કે તે અહીં જ રોકાઈ જાય પણ તમે કહી ન શક્યા. કહ્યું હોત તો પણ પરિસ્થિતિમાં શું ફેર પડવાનો હતો? જે અંતર પડી ગયું હતું એ હવે ભૌતિક સ્વરૂપે વ્યક્ત થવાનું હતું. છતાં આ બાબત પચાવવી બહુ અઘરી પડી. એટલી અઘરી કે એ મુલાકાતને અંતે માનુષી જ્યારે તમને ભેટીને રીક્ષામાં બેસીને વિદાય લે છે ત્યારે રિક્ષા દેખાતી બંદ થઈ ત્યાં સુધી તમે જોતા રહેલા. રિક્ષા દેખાતી બંધ થઈ એ પહેલા તમને ઝાંખી દેખાવા લાગી હતી કારણ કે તમારી આંખો તમારી જાણ બહાર ભીની થઈ ગઈ હતી.

શીર્ષક પંક્તિકતીલ શિફાઈ

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just explore, experience the thrill! ? ? will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. I participated on this online casino site and won a significant amount, but after some time, my mother fell ill, and I needed to withdraw some money from my balance. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to such gambling platform. I plead for your help in reporting this site. Please support me in seeking justice, so that others do not face the pain I am going through today, and stop them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page