Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsચેતન સાકરિયાએ આ કારણે ફેમિલી સાથે બોલવાનું કરી દીધું હતું બંધ, બે...

ચેતન સાકરિયાએ આ કારણે ફેમિલી સાથે બોલવાનું કરી દીધું હતું બંધ, બે દિવસ જમ્યો પણ નહોતો

આજકાલ ભાવનગરનો ફાસ્ટ બોલક ચેતન સાકરિયા ચર્ચામાં છે. આઈપીએલની પહેલી મેચમાં જ ત્રણ વિકેટ ઝડપી ચેતન સાકરિયાએ દમદાર પ્રદર્શનથી બધાના દીલી જીતી લીધા છે. ભાવનગર પાસેના વરતેજ ગામમાં ગરીબ ઘરમાં જન્મેલા ચેતન સાકરિયાની જિંદગી ખૂબ સંઘર્ષથી ભરેલી છે. તમને જાણીને આંચકો લાગશે પણ આઈપીએલનો કૉન્ટ્રાક્ટ મળ્યો તેના બે મહિના પહેલાં જ ચેતનના નાનાભાઈએ આત્મહત્યા કરી લીધી હતું. જોકે એ વખતે ચેતન સાકરિયા સૈયદ મુશ્તાક અલી ટૉફીમાં રમતો હોવાથી પરિવાર 10 દિવસ સુધી આ સમાચાર તેનાથી છુપાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે હાલમાં એક પોસ્ટ કરી ચેતન સાકરિયાની જિંદગીનું આ રહસ્ય ખોલ્યું હતું.

ભૂતપૂર્વ સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરીને જણાવ્યું હતું, ‘‘ચેતન સાકરિયાના ભાઈએ કેટલાક મહિના પહેલા આત્મહત્યા કરી લીધી હતી. ચેતન એ સમયે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી રમી રહ્યો હતો. એટલા માટે 10 દિવસ સુધી ભાઈના મોતના સમાચાર આપવામાં આવ્યા નહોતા. સમજી શકાય છે કે ક્રિકેટ આવા ખેલાડીઓ અને તેના પરિવાર માટે શું મહત્વ ધરાવે છે. આઈપીએલ સાચા અર્થમાં ભારતીય સપનાઓ અને તેના સાહસનો માપદંડ છે. ’’

રાજસ્થાન રોયલ્સે ચેતનને 1.20 કરોડમાં ખરીદ્યો હતો. ચેતન સકારિયાના વખાણ વિરેન્દ્ર સેહવાગ જ નહીં અન્ય ક્રિકેટરો પણ કરી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર વિક્રમ સઠાએએ ટ્વિટ કરીને લખ્યું છે, ‘‘મારા આંસુ રોકાતા નથી. હું બસ ઈચ્છું છું કે ચેતન અને તેની પરિવાર સાથે હવે સારું જ બને. તેનો કેચ અને તે સ્મિત આશાની નિશાની છે અને આ ઘણા સમય સુધી આઈપીએલની ખાસ પળ રહેશે.’’

આ અંગે ચેતન સાકરિયાના માતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચેતન જ્યારે સૈય્યદ મુશ્કાત અલી ટ્રૉફી રમી રહ્યો હતો ત્યારે તેના ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે 10 દિવસ સુધી ચેતનને આ વાત જણાવવામાં આવી નહોતી, જેથી તેના પ્રદર્શન પર ખરાબ અસર ન પડે. ચેતન જ્યારે પણ ઘરે કૉલ કરતો હતો તો વારંવાર તેના પિતા અને ભાઈ સાથે વાત કરવાનું કહેતો હતો. 10 દિવસ સુધી વાતને ટાળી દેવામાં આવી હતી. અંતે તેને ભાઈના આત્મહત્યાના સમાચાર આપવા પડ્યા હતા. ચેતન તેના ભાઈની ખૂબ નજીક હતો. ભાઈની આત્મહત્યાના સમાચાર ન આપતાં ચેતને ખોટું લાગી આવ્યું હતું અને તેણે એક સપ્તાહ સુધી તેના પરિવારજનો સાથે વાત નહોતી કરી. એટલું જ નહીં બે દિવસ સુધી ટ્રોફી દરમિયાન ખાવાનું પણ નહોતું ખાધું.

જોકે નસીબે ચેતન માટે ફક્ત દુ:ખ નહોતું રાખ્યું તેના ભાગ્યમાં સુખ પણ હતું. ચેતનની માતાના કહેવા મુજબ ભાઈની આત્મહત્યાના એક મહિના પછી ચેતનને આઈપીએલનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો. તેને રાજસ્થાને 1.20 કરોડમાં ખરીદ્યો હતો. આ બધુ એક સપના સમાન લાગતું હતું.

ચેતનની માતાએ જણાવ્યું હતું કે અમે આર્થિક રીતે ખૂબ તંગી જોઈ છે. ચેતને ટેમ્પો ચલાવતા પિતાના એક્સિડન્ટ બાદ પોતાના માતાની સ્ટેશનરીની દુકાનમાં પણ કામ કર્યું છે. ચેતન આ પૈસાથી સૌથી પહેલાં રાજકોટમાં મકાન લેવા માંગે છે.

નોંધનીય છે કે ચેતનની આજની સફળતા પાછળ તેના પરિવારનો ખૂબ સંઘર્ષ છૂપાયેલો છે. તેની ઘરની હાલત બહુ ખરાબ હતી. એક એવો સમય હતો જ્યારે તેની પાસે રમવા માટે શૂઝ પણ નહોતા. ચેતનના પિતા ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે ત્રણ વખત એક્સિડન્ટ થતાં તેઓ પથારીમાં ઉભા થઈ શક્યા નહોતા. જેથી ઘરની જવાબદારી ચેતન અને તેના નાના ભાઈ રાહુલ પર આવી પડી હતી. નાનાભાઈ રાહુલે ચેતનને ક્રિકેટમાં આગળ વધારવા માટે પોતે ભણવાનું છોડીને કામ શરૂ કર્યું હતું.

ચેતનના પિતા કાનજીભાઈ પાસે ટીવી લેવાના પણ પૈસા નહોતા. ચેતનના પિતા ક્યારેય નહોતા ઈચ્છતા કે તેનો દીકરો ક્રિકેટ રમે. તેમની ઈચ્છા હતી કે દીકરો ભણીને નોકરી કરે જેથી પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે. ચેતન ભણવામાં બહુ હોશિયાર હતો.

ચેતને ક્રિકેટમાં શરૂઆત બેટ્સમેન તરીકે કરી હતી. બાદમાં ટીચરની સલાહથી તેણે બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. પહેલાં હાઈસ્કૂલ પછી જિલ્લા લેવલની ક્રિકેટમાં ચેતને ડંકો વગાડ્યો હતો. બાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિશનની અન્ડર 19 ટીમમાં જગ્યા મેળવી હતી. અહીં તેણે શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં 15 ફર્સ્ટ ક્લાસ, 7 લીસ્ટ-એ અને 15 ટી20 મેચ રમી છે.

આઈપીએલની 14મી સિઝનની યોજાયેલી હરાજીમાં ચેતનને લેવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બોલી લાગી હતી. અંતે રાજસ્થાન રોયલ્સે ચેતનને 1.2 કરોડમાં ખરીદ્યો હતો.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં ચેતન સાકરિયાએ આઈપીએલની પહલી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમી હતી. ડાબા હાથના બોલર ચેતન સાકરિયાએ 4 ઑવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં નકોલસ પુરનનો શાનદાર કેચ પણ ઝડપ્યો હતો. ભલે આ મેચ રાજસ્થાન હારી ગયું હોય, પણ ચેતન સાકરિયાએ બધાનું દીલ જીતી લીધું હતું.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page