Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઉત્તરાખંડથી તમામ મૃતદેહ વતન લવાયા, આખા ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ

ઉત્તરાખંડથી તમામ મૃતદેહ વતન લવાયા, આખા ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ

ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. 7 માંથી 6 મૂર્તકોના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે મોડી રાત્રે લાવ્યા બાદ તેઓના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા અને સ્વજનો દ્વારા તેઓના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોતના વતન લાવી અંતિમ વિધિ કરાતા સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. તળાજા તાલુકાના કઠવા ગામમાં રાજેશભાઇ મેર તથા ગીગાભાઇ ભમ્મરની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયું હતું.

અમદાવાદ એરપોર્ટથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઇ જવાયા
અમદાવાદ ખાતે પ્રથમ ફ્લાઈટ મોડી રાત્રે આવી પહોંચી હતી. જેમાં કરણ ભાટી તથા અનિરુધ્ધ જોષીના મૃતદેહ સ્વજનોને રાત્રે 9:45 આસપાસ સોંપવામાં આવ્યા હતા. જ્યારે બીજી ફ્લાઈટ અમદાવાદ મોડરાત્રે 11:45 એ આવી પહોંચી હતી, જેમાં મહુવા તાલુકાના દક્ષાબેન મહેતા તથા ગણપતભાઇ મહેતાના મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તો ત્રીજી ફ્લાઈટ અમદાવાદ ખાતે મોડી રાત્રે 1:45 આવી હતી, જેમાં તળાજા તાલુકાના રાજેશભાઇ મેર તથા ગીગાભાઇ ભમ્મરના મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તમામ મૃતકોના સ્વજનો અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને વતન આવ્યા હતા અને વહેલી સવારે તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

રાજુભાઇ જેવા માણસ ક્યારેય નહીં મળે: માજી સરપંચ
કઠવા ગામના માજી સરપંચે જણાવ્યું હતું, રાજુભાઇ સરંપચ હતા ત્યારે એમણે ખુબ સારા કામ કર્યા છે. ખાસ તો ગામના બાળકોને ભણાવવા પર જોર આપ્યું હતું. જેઓ ભણીને સારી નોકરીએ પણ લાગ્યા. તેઓ 15મી તારીખે ચારધામની યાત્રાએ ગયા હતા. જ્યાં દુર્ઘટનામાં તેમનું અવશાન થયું. ગામને રાજુભાઇ જેવા માણસ ક્યારેય નહીં મળે. સરકારને મારે કહેવું છે કે, તેમના બાપુ કોરોનામાં ઓફ થઇ ગયા છે. આખુ ઘર તેમના પર ચાલતું હતું. તેમના બાળ બચ્ચાને સરકાર સહાય આપે એવી માંગ છે.

દીકરો તો સાવ ત્રણ ચાર વર્ષનો જ છે: ગ્રામજન
કઠવા ગામના ભાવસંગભાઇએ જણાવ્યું હતું કે, રાજુભાઇ ખુબ માણસ સારા હતા. જેઓ ગામના માજી સરપંચ પણ રહી ચૂક્યા છે. એમને એક દીકરો અને બે દીકરીઓ છે. દીકરો તો સાવ ત્રણ ચાર વર્ષનો જ છે. ત્રણેય બાપથી નોંધારા થઇ ગયા. ત્રણેય બાળકોને જલ્દીથી સરકારની રાહત મળે એવી આશા છે.

કરણજી ભાટીની અંતિમયાત્રામાં ભારે આક્રંદ છવાયો
પાલિતાણાના કરણજી ભાટીની અંતિમયાત્રામાં ભારે આક્રંદ છવાયો હતો. ઉત્તરાખંડથી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી પાલિતાણા પોતાના વતનમાં કરણજી ભાટીનો મૃતદેહ લવાતા સમગ્ર ગામની આંખો ભીની થઇ ગઇ હતી. 29 વર્ષીય કરણજી ભાટીનું અકાળે અવશાન થતાં પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. કરણજી ભાટી ત્રણ સંતાનના પિતા હતા. બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી
ભાવનગરથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોને રવિવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. યાત્રિકો જે બસમાં સવાર હતા તે બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકતા ભાવનગરના સાત લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 28 લોકોને ઈજા પહોંચતા તેઓની ત્યાં સારવાર ચાલી રહી છે.

એક મૃતકની અંતિમ વિધિ હરિદ્વારમાં કરાઇ
ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 6 મૃતકોના પાર્થિવદેહને પોતાનામાં વતનમાં લાવવામાં આવી રહ્યા છે. જ્યારે મીનાબેન ઉપાધ્યાયના પરિવારજનોએ હરિદ્વારમાં જ અંતિમવિધિ કરવામાં આવી હતી.

કઈ રીતે સર્જાયો હતો અકસ્માત?
15મી ઓગસ્ટે ભાવનગરથી યાત્રિકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ યાત્રિકો રવિવારે ગંગોત્રીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગંગોત્રી નેશનલ હાઈવે પર બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને ઝાડમાં ફસાઈ ગઈ હતી. આ બસમાં ડ્રાઈવર સહિત કુલ 35 લોકો સવાર હતા. જેમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 28 લોકોને ઈજાઓ પહોંચતા તેઓની સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page