Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Right‘બા તમે શૂન્યમાંથી સર્જન કરવા જે સંઘર્ષ કર્યો એના દસમા ભાગનો પણ...

‘બા તમે શૂન્યમાંથી સર્જન કરવા જે સંઘર્ષ કર્યો એના દસમા ભાગનો પણ અમે ના કરી શકીએ’

દાદા-દાદી સાથે પૌત્ર-પૌત્રીનો સંબંધ ફક્ત સગપણથી ગણાતો સંબંધ નથી. તેમની વચ્ચે પ્રેમનો એક એવો સેતુ હોય છે કે જે ઘણીવાર માતા-પિતા કરતાં પણ વધુ મજબૂત હોય છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે મહેસાણાના અંબાસણ ગામે. ગામના શિક્ષક કનુભાઇ પટેલના 27 વર્ષીય પુત્ર સૌરભને જ્યારે જાણ થઇ કે તેના 83 વર્ષીય દાદી સંતોકબા સ્વધામ ચાલ્યા ગયા છે ત્યારે તે આઘાતમાં સરી પડ્યો. સૌરભે પોતાની બા સાથેના સંસ્મરણો યાદ કરીને એક લાગણીસભર પત્ર લખ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સંબંધોની મીઠાશ દર્શાવતા આ પત્રમાં તેણે શું લખ્યું છે તે આપ પણ વાંચો. કદાચ તમને પણ તમારા દાદા કે દાદી સાથેની મીઠી યાદો તાજી થઈ જાય….

ૐ શાંતિ! બા તારા જવાથી જે ખોટ પડી છે એ કદાચ હું શબ્દોમાં વર્ણન નહીં કરી શકું, પણ તું ગઈ છે તો સાથે બહુ જ સારી યાદો મૂકીને ગઈ છે, જે યાદ કરું ત્યારે મને રડવાની જગ્યાએ મને હસતો કરી દેશે અને કંઈક શિખવાડશે, જે છેલ્લાં 25 વરસથી હું જોતો હતો. છેલ્લા સમય તારી જોડે નહીં હોવાનું પસ્તાવો મને જીવીશ ત્યાં સુધી રહેશે. બાળપણથી જ મારાં મમ્મી-પપ્પા તું હતી, કારણ કે મને કંઈપણ દુઃખ હોય તો તેમના પહેલાં તું હાજર હોય.

સાંજે શાળાથી આવું તો નાસ્તો તૈયાર જ હોય, કારણ કે તને ખબર હતી કે પહેલા આવીને હું એ જ માગીશ અને હા છાસ વલોવ્યા પછી વધેલું માખણ અમે ખાઈએ નહીં ત્યાં સુધી પાછળ પાછળ જ ફર્યા કરતી. તાવ આવે તો ડૉક્ટર કરતાં વધારે સારી દેશી દવા તારી પાસે હાજર હતી. અમને નાનુંઅમથું કંઈક વાગે તો તું તરત દવા કરતી અને બહુ ધમકાવતી કે સાચવીને ફરો.

જ્યારે તને ગમે તેવો તાવ કે જખમ હોય તો અમારે સામેથી તને આરામ કરવા કેવું પડે. હું 100 માગું તો તું 200 આપતી અને હા એનો હિસાબ પણ આપવાનો કે ક્યાંય ખોટા તો નથી વાપર્યા ને. તું જ્યારે માથામાં તેલ નાખતી ત્યારે મને એટલી શાંતિ મળતી કે હું ક્યાંય વિચારોમાં ખોવાઈ જતો અને તું ઊભી કરતી કે ચાલ ઊભો થા અને હું હજુ 5 મિનિટ વધારે બા પ્લીઝ કહીને તને મનાવી લેતો. જો મમ્મી મારે તો તારી આગળ આવીને રડવાનું એટલે મમ્મીનું આઈ બન્યું સમજો.

અને હા તું ગીતા વાંચતી વખતે અમુક ફકરા મારી જોડે તું ખાસ વંચાવતી અને એનો મતલબ તું જાણતી હોય છતાં મારે તને ખબર ના હોય એમ સમજાવાનો. ખોટું કોઈ દિવસ બોલવાનું નહીં કે કોઈનું ચલાવી નહીં લેવાનું અને હા બચત કેવી રીતે કરવી એ તારા જોડેથી જ કોઈક શીખી શકે, કારણ કે દરેક સારા પ્રસંગે તારી જોડે કંઈક એક્સ્ટ્રા હોય જ, જે તું બધાને આપતી. દાદા લગભગ 30 વરસ પહેલાં ધામ થયેલા, ત્યારથી આજ સુધી તે જે શૂન્યમાંથી સર્જન કરવા સંઘર્ષ કર્યો છે એના દસમા ભાગનો પણ કદાચ અમે ના કરી શકીએ.

દરેક પૂનમે તને ગાડીમાં બેસાડીને તારા મનપસંદ ભજનો ગાડીમાં વગાડવાના અને તને અલગ અલગ મંદિરે ફેરવવાની એના પછી તારી સાથે આપડા દરેક ખેતરમાં ફરવાનું અને હા કોઈપણ બમ્પ પર ગાડી કૂદવી ના જોઈએ, તને એ વીઆઈપી સુવિધા આપવાની બહુ જ મજા આવતી. જાણે એમ લાગે કે આપડે બે જણા ડેટ પર નીકળ્યા છીએ. રાતે વહેલા સૂઈ જઈ ફરજિયાત વહેલા ઉઠવાનું અને કોઈપણ દિવસ હોટેલનો કે બહારનો નાસ્તો નહીં ખાવાનો કદાચ એ જ તારા આટલા મોટા આયુષ્ય અને તંદુરસ્તીનું કારણ છે. અંતમાં એમ કહીશ કે તું જોડે હોય તો એમ લાગતું કે, ભગવાન આપડી જોડે બેઠા છે આપણને કોઈ તકલીફ છે જ નહીં.

તારી હાજરી અને તારી રસમય વાતો અમે દાયકાઓથી દરેક સુખ-દુઃખમાં જોતા આવ્યા છીએ. અમે ભૂલી જ ગયા કે કોઈક દિવસ તારે પણ અમારા બધાથી દૂર જવું પડશે, જે માન્યામાં જ નથી આવતું. હે ભગવાન, બાના આત્માને શાંતિ આપજે અને જન્મોજન્મ સુધી અમને આવા જ બા મળે એવી તારા ચરણોમાં પ્રાર્થના.

તને મારુ પર્સનલ ગૂગલ કહીશ, કારણ કે તારી જોડે મારા અને ઘરના બધા જ સભ્યોના પ્રશ્નોના જવાબ હોય. આપડી જોડે કંઈ નહીં તો ચાલશે પણ હાસ્ય સાથે હંમેશા આંગણે આવતા દરેક મહેમાનને બોલાવ્યા અને જમાડ્યા છે અને કોઈ નાના કે ગરીબ માણસને તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હંમેશા આપી છે, જે જોઈને બહુ જ આનંદ થતો. ( સોર્સ-સોશ્યલ મીડિયા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page