Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature RightIPS અધિકારી ઉષા રાડાને સલામ, ગાયોને આપવામાં આવે છે 48 ઔષધિવાળો...

IPS અધિકારી ઉષા રાડાને સલામ, ગાયોને આપવામાં આવે છે 48 ઔષધિવાળો ખોરાક

બાહોશ મહિલા આઈપીએસ અધિકારી ઉષા રાડાને ગુજરાતમાં ભાગ્યે જ એવું કોઈ હશે જે નહીં ઓળખતું હોય. ભલભલા ગુનેગારો જેમનાથી કાંપે છે એ ઉષા રાડા પોલીસની જવાબદારીની સાથે એક સરાહનીય કાર્ય પણ કરી રહ્યા છે. સુરતના જિલ્લા પોલીસ વડા ઉષા રાડાનો ગૌમાતા પ્રત્યેનો પ્રેમ તમને વિચારતા કરી દેશે. અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતાં આઇપીએસ અધિકારી ઉષા રાડાએ ઘરની પાછળ આધુનિક ગૌશાળા બનાવી છે. ગૌશાળામાં હાલ 7 ગીર ગાયોનો ખૂબ જ વ્યવસ્થિત રીતે ઉછેર કરવામાં આવી રહ્યો છે. ઉષા રાડાએ ગૌમાતાના ઉછેર અંગે હાલમાં જુદા-જુદા મીડિયા સાથે વાત કરી હતી. તેના અંશો અહીં પ્રસ્તુત છે…

ઉષા રાડાએ બનાવેલી ગૌશાળામાં તમામ આધુનિક ફેસિલિટી ઉપલબ્ધ છે. ગાયોને ક્રિશ્ના, ખુશી, જાનકી, સરસ્વતી જેવા સુંદર નામ આપવામાં આવ્યા છે. અહીં યશ અને પૂનમ નામના બે વાછરડા પણ છે. ગાયો માટે ગૌશાળામાં 10 પંખા, 8 ટયુબલાઇટ, મચ્છર દૂર રાખવા માટે મૉસ્કીટો લાઇટ્સની વ્યવસ્થા છે. આ ઉપરાંત સંગીત સાંભળવા માટે સ્પીકર સહિતની સુવિધા પણ આપવામાં આવી છે.

મહિલા પોલીસ અધિકારીએ ઘરની સામે જ બે ગાયોની સમાધી પણ બનાવી છે. જેમાં એક ગાયનું નામ ગંગા અને બીજીનું યશોદા છે. બન્ને ગાયોની સમાધિ પર દરરોજ ફૂલ ચઢાવવામાં આવે છે. 2017માં મહિસાગરમાં જન્મેલી ગંગા નામની ગાય બીમાર થતાં અમદાવાદ, જૂનાગઢ તથા કચ્છથી ડૉક્ટરો બોલાવાયા હતા. 8 ડોકટરોની ટીમ ગાયને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. છેવટે ગત 3 માર્ચે ગંગાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ જ રીતે યશોદા નામની ગાયનું પણ મૃત્યું થયું હતું. એ પછી બન્ને ગાયોની સમાધિ બનાવવામાં આવી હતી.

તમને ગાયો રાખવાનો શોખ કેવી રીતે થયો એ પ્રશ્નના જવાબમાં ઉષા રાડાએ મીડિયાને જણાવ્યું હતું કે ખબર નહીં, હું અને મારા હસબન્ડ બેઠા હતા અને વિચાર આવ્યો કે આપણે ગાય રાખીએ. એટલે આમા શોખ કે એવું કંઈ નહીં, પણ મન થયું હતું. ચાર વર્ષથી ગાય રાખીએ છીએ. ગાયથી વાતાવરણમાં ગજબનો ઓરા ફીલ થાય છે. આ ઉપરાંત જેમણે ગાયનું તાજું દૂધ પીવું હોય અને તેમની પાસે રાખવાની સગવડ હોય તો એક ગાય અવશ્ય રાખવી જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે અત્યારે વાછરડા સહિત 7 પશુધન છે. તેના મેન્ટેનન્સ માટે ઘાસસારા સહિતનું ધ્યાન રાખવું પડે છે. આ ઉપરાંત ગાયોને 47 જાતની ઔષધિવાળું મિશ્રણ આપીએ છીએ. જેથી હેલ્ધી રહી શકે. આ સિવાય લીલો અને સુકો ચારો, પ્રોટીન માટે કઠોળનું મિશ્રણ આપીએ છીએ. આયુર્વેદમાં પણ ગાયનું દૂધ લેવાનું કહેવામાં આવ્યું છે. ગાયનું દૂધ ઉત્તમ હોય છે.

ગાયના રહેઠાણ પાસે એક બોર્ડમાં ગાયના ખોરાકનું શિડ્યૂઅલ પણ લગાડવામાં આવ્યું છે. આ અંગે ઉષા રાડાએ જણાવ્યું હતું કે આપણી જૂની થિયરીમાં અમુક સમય બતાવવામાં આવ્યો છે. સૂર્યાસ્ત પછી ગાયને દોહવી જોઈએ. તેમાં પણ બે જ આંચળ દોહવા જોઈએ અને બાકીના બે આંચકળ તેના નાના બચ્ચા કે વાછરડા માટે રાખવામાંજોઈએ. અમે તો જોકે બધા આંચળ તેના વાછરડાને પીવડાવી દઈએ છીએ. અને સવારે સૂર્ય ઉગે એ પહેલાં ગાય દોહી લેવી જોઈએ. બંને ત્યાં સુધી સૂર્યપ્રકાશમાં ગાય દોહવી ન જોઈએ.

તબેલામાં તમામ ગાયોનું નામ, માતાનું નામ અને જન્મ તારીખ લખવામાં આવી છે. આ અંગે ઉષા રાડાએ જણાવ્યું હતું કે આપણ જે રીતે રેકોર્ડ રહે તે રીતે ગાયોનું રેકોર્ડ રહેવો જોઈએ. અને ગાયનું નામ છે તો તેને નામથી બોલાવીએ તો તે આવે પણ છે. ગાય પોતે પવિત્ર હોવાથી તેના નામ પણ એવા જ રાખવામાં આવ્યા છે.

ગાયોના આવ્યા પછી તમારા જીવનમાં કોઈ પરીવર્તન આવ્યું ખરું એ સવાલના જવાબમાં ઉષા રાડાએ જણાવ્યું હતું કે બિલકુલ, ગાયોના આવ્યા પછી મને ઘણી બધી શાતિ ફીલ થાય છે. જેના આધારે હું કહું છું કે ગાયો રાખવી જોઈએ. એ દૂધ આપે તો પણ રાખવી જોઈએ અને ન આપે તો પણ રાખવી જોઈએ. મતલબ તેની પાસે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે દૂધ આપે તો જ રાખવી જોઈએ. અત્યારે અમારે એક ગાય દૂધ આપે છે તેનું દૂધ અમે તેના બચ્ચાને આપી દઈએ છીએ. એટલે અમે પોતે પણ અત્યારે દૂધ બહારથી મંગાવીએ છીએ. અમારાથી જેટલું જતન થાય એટલું કરવાની કોશિષ કરીએ છીએ. હું જ્યાં હોઈશ મારો પરિવાર હશે મારા હસબન્ડ હશે ત્યાં ગાયો હશે જ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page