Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતના આ ખેડૂતે આખા વિશ્વને કર્યું ગાંડું, અમેરિકા તો ઓવારી ગયું

ગુજરાતના આ ખેડૂતે આખા વિશ્વને કર્યું ગાંડું, અમેરિકા તો ઓવારી ગયું

અમરેલીઃ ગુજરાતના અમરેલી જીલ્લાના મોટા દેવાલ્યા નામના એક ગામના ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા મનસુખભાઈ જગાનીએ નાની વયે જ સ્કૂલનો અભ્યાસ છોડી ખેતી કામમાં જોડાઈ પોતાના પરિવારને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો હતો. પાણીની અછતના તેમના ખેતરમાં ખાસ ઉત્પાદન થતું નહોતું. જેને કારણે મનસુખ ભાઈએ વર્ષો સુધી હીરાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું હતું. જોકે તેમા તેમને રસ નહોતો. તેઓ કંઈક અલગ કરવાના ઈરાદે ફરી ખેતરી આવી ગયા. આ સાથે તેમણે મશીન અને અન્ય ઉપકરણો પ્રત્યેના રસને કારણે એક વર્કશોપ પણ શરૂ કરી.

વર્કશોપમાં તેઓ વસ્તુઓ રિપેર કરતા હતા. પરંતુ ખેડૂતો તેમની પાસે ઘણી સમસ્યાઓ લાવતા તેઓ કંઈક અલગ કરવા માંગતા હતા. તેઓ ઓછા ખર્ચે ખેડૂતોની સમસ્યા ઉકેલવા માગતા હતા. આ જ કારણે તેમણે પોતાનું મગજ લગાવી સસ્તામાં પડે તેવાં ઉપયોગી મશીન બનાવવા લાગ્યા, જેથી ખેડૂત ભાઇઓની મદદ કરી શકાય. આ સાથે તેઓ હંમેશાંથી કઈંક એવું બનાવવા માંગતા હતા જે એકદમ નવું ઉપકરણ પણ અનોખુ હોય, સાથે ખેતીમાં ઉપયોગી નીવડી શકે. ખેડૂતો પૈસાના કારણે ઉપકરણો ના ખરીદી શકતા એક અલગ ટ્રેક્ટર બનાવવાનો વિચાર મનસુખ ભાઈને આવ્યો હતો.

બુલેટ સાંટી
વર્ષ 1994માં મનસુખભાઈએ પોતાની પ્રથમ શોધ કરી હતી, જેને “બુલેટ સાંટી” નામ આપ્યું. આ એકદમ ટ્રેક્ટરની જેમજ કામ કરે છે. તેમણે એક એવું ‘સુપર હળ’ બનાવ્યું , જે ખોદણીથી લઈને વાવણીની સાથે-સાથે જમીનને સમથળ બનાવવાનું પણ કામ કરી શકે છે. મનસુખભાઈએ કહ્યું કે, તેમને લગભગ 5 વખત પ્રયાસ કર્યા બાદ બુલેટ સાંટી મામલે સફળતા મળી હતી. પરંતુ તેમનો આ આવિષ્કાર ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી સાબિત થયો. ખેડૂતોએ હવે મજૂરો કે બળદ વગેરે પર નિર્ભર રહેવું નથી પડતું, સાથે-સાથે ખેડકામથી લઈને વાવણી માટે ટ્રેક્ટરની જરૂર પડતી નથી.

મનસુખ ભાઈએ બુલેટ સાંટીની વિશેષતા જણાવતા કહ્યું કે,“બુલેટ સાંટીની મદદથી ખેડૂતો માત્ર 30 મિનિટમાં બે એકર જમીન ખેડી શકે છે અને એ પણ માત્ર 1 લીટર ડિઝલમાં જ. કોઇપણ ખેતરનું નિંદણ અને વાવણીનું કામ પણ ઝડપથી થઈ શકે છે અને તેમાં ખર્ચ પણ બહુ ઓછો છે. પ્રતિ હેક્ટર માત્ર 8 રૂપિયાનો જ ખર્ચ આવે છે. તમે તમારી બાઇકમાંથી જ આ બુલેટ સાંટી બનાવી શકો છો. આ કામમાં માત્ર 30-35 મિનિટ જ લાગે છે અને તેની પાછળ 30-40 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.”

વર્ષ 2000 માં પ્રોફેસર અનિલ ગુપ્તાના સંગઠન એવા હની બી નેટવર્કને મનસુખભાઇ વિશે ખબર પડી હતી. જે પછી તેમણે ગામમાં જઈને બુલેટ સાંટી જોયું અને તેનું નિરિક્ષણ કર્યું. આ હની બી નેટવર્કના પ્રયત્નથી જ મનસુખભાઈને તેમની બુલેટ સાંટીને એડવાન્સ લેવલ પર ડેવલપ કરવામાં મદદ મળી. તેમણે મનસુખભાઇના આ આવિષ્કાર માટે પેટન્ટ પણ ફાઇલ કરી અને આજે ભારત અને અમેરિકામાં આ ટેક્નોલૉજી પર તેમને પેટન્ટ મળેલ છે. અત્યારે આ બુલેટ સાંટીની કિંમત 1 લાખ 70 હજાર રૂપિયા જેટલી છે. મનસુખ ભાઈની ઈચ્છા એવી છે કે, તેઓ મોટી કંપની પાસેથી રોયલ્ટી લેશે પરંતુ સામાન્ય ખેડૂત કે મિકેનિક પાસેથી રોયલ્ટી નહીં વસૂલે.

સાઇકલ સ્પ્રેયર:
વર્ષ 2005 માં મનસુખ ભાઈએ 8 દિવસમાં જ એક નવી શોધ કરી હતી. આ માટે તેમણે એક સાઇકલની પાછળના પૈડામાં થોડા ફેરફાર કર્યા અને પછી તેના પર સ્પ્રેયરને એડજસ્ટ કર્યું. આ સાઇકલ સ્પ્રેયર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. સૌથી સારી વાત એ છે કે, તેનાથી સરળતાથી આખા ખેતરમાં બહુ ઓછા ખર્ચે સ્પ્રે કરી શકાય છે. માત્ર 3 કલાકમાં ખેડૂત 4 એકરમાં સ્પ્રે કરી શકે છે. ટેન્કની ક્ષમતા 25-30 લીટર છે. તેમાં વધારે મજૂરોની પણ જરૂર નથી પડતી. કામ પૂરું થઈ જાય પછી સ્પ્રેયરને સાઇકલમાંથી કાઢી શકાય એવી વ્યવસ્થા છે. આ શોધ માટે પણ મનસુખભાઈને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનથી સન્માન મળ્યું છે અને તેના પર તેમની પેટન્ટ પણ છે.

સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર
સ્પ્રેયર બાદ મનસુખ ભાઈએ એક સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર બનાવ્યું. તેનાથી વાવણી તેમજ ખેતરમાં ખાતર નાખવાનું કામ સરળતાથી કરી શકાય છે. તેના થકી સમાન રૂપે બી રોપી શકાય છે અને સમાન રૂપે ખાતર પણ નાખી શકાય છે. આમાં બીજનું નુકસાન થતું નથી અને ખાતરનો બગાડ પણ અટકે છે. મનસુખભાઈએ કરેલી શોધની સૌથી સારી વાત એ છે કે, તેને ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સૃષ્ટિની મદદથી મસસુખભાઈની આ ટેક્નોલૉજી બીજા દેશો સુધી પણ પહોંચી છે.

તેમને દક્ષિણ આફ્રિકા જઈ ત્યાંના ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરવાની પણ તક મળી હતી. મનસુખભાઈ કહે છે કે, તેમણે સપનામાં પણ વિચાર્યું નહોંતું કે, તેમને રાષ્ટ્રપતિ સન્માન મળશે અને કોઇ બીજા દેશમાં જવાની તક મળશે. મનસુખભાઈની બુલેટ સાંટીની ટેક્નોલૉજીની મદદથી આજે 150 સામાન્ય ફેબ્રિકેટર મશીન બનાવવામાં આવ્યાં છે. 5 હજાર પરિવારોને આ ટેક્નોલૉજીને કારણે રોજગાર મળી રહ્યો છે. લગભગ 20,000 ખેડૂતો આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page