Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratનર્મદા નદીએ ભરૂચ અને અંકલેશ્વરમાં વિનાશ વેર્યો, પાણી ઘુસી જતાં લક્ઝુરિયસ કાર...

નર્મદા નદીએ ભરૂચ અને અંકલેશ્વરમાં વિનાશ વેર્યો, પાણી ઘુસી જતાં લક્ઝુરિયસ કાર પાણીમાં તરતી થઈ

Rain Flood in Bharuch and Ankleshwar: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ પડ્યો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના રસ્તાઓ અને ઘરમાં પાણી ફરી વળતાં ફર્નિચર, ગાડીઓ અને માલહાનિ સર્જાઇ છે.

ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી છોડવામાં 19 લાખ ક્યુસેક પાણીએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારાજી સર્જી છે. અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશિયા, સરફુદીન, ખાલપિયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. જ્યારે અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ પહેલા માળ સુધી નર્મદા નદીનાં પાણી પહોંચ્યાં છે. જેના કારણે હજારો લોકોના જનજીવન પર અસર પહોંચી છે. જેથી મકાનોમાં ફસાયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદના પગલે ગુજરાતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના 5 જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દાહોદ, ભરૂચ, છોટાઉદેપુરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો વડોદરા અને પંચમહાલની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે રાજ્યમાં NDRF અને SDRFની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11 હજાર 900 લોકોનું સ્થળાંતર કરાયુ છે. તે સિવાય મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 270થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ પ્રશાસનની સુચનાનું પાલન કરે.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું. તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11900 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી પણ લેવામાં આવી રહી છે. 270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં હાલ 12 થી વધુ આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે જ્યાં ખાવા પીવા અને આરોગ્યની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હાલમાં એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page