Friday, April 12, 2024
Google search engine
HomeNationalફર્સ્ટ ટાઈમ હતું, તેણે ખૂબ જ જબરદસ્તી કરી, પૈસા તો મળ્યા પણ...

ફર્સ્ટ ટાઈમ હતું, તેણે ખૂબ જ જબરદસ્તી કરી, પૈસા તો મળ્યા પણ કિંમત બહુ મોટી ચૂકવવી પડી

ચહેરા પર પાઉડર અને હોઠ પર ડાર્ક લિપસ્ટિક – એ જ અમારો મેકઅપ છે. અમે શણગારેલી બાલ્કની પર ઊભા રહીએ છીએ. અમારું કામ રસ્તા પરથી પસાર થતા માણસોને ઈશારો કરવાનો અને તેમને અમારી પાસે બોલાવવાના. જેટલો ખરાબ ઈશારો તેટલી ગ્રાહક આવવાની ગેરન્ટી. જો આનાથી કામ ન બન્યું તો અમે રસ્તા પર ઉતરી જઈએ છીએ. જો કોઈ પણ અમને જોતા-જોતા ઉભો રહી જાય તો તેનો હાથ પકડી અમે ઉપર લઈ જઈએ છીએ. હવે તે આગામી કલાક માટે અમારા મહેમાન છે. ભલે તેનું મોં દારૂથી ભરેલું હોય, અથવા કોઈ વિચિત્ર માંગ આવે – આપણે તેનું પાલન કરવું પડશે.

ગુલાબી નાઈટ ગાઉન સાથે કાનોમાં સુંદર બુંટી પહેરીને નીરજા પોતાની દિનચર્યા કહી રહી છે. સુંદર નાનકડા ચહેરા પર થાકેલી આંખો. તેને યાદ નથી કે છેલ્લી વાર ક્યારે તે આખી રાત શાંતિથી ઊંઘી હતી. તેણી કહે છે – લોકો આરામ માટે બેડ પર આવે છે. બેડ એટલે આરામ કરવા માટેનું સ્થળ, પણ અમારા માટે આ અમારી ઓફિસ છે. આ અમારો વ્યવસાય છે. અહીંની ચાદરો કરતા તો ગ્રાહકો વધારે બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈને ઊંઘ આવે ખરી?

તાજેતરમાં, મેરિટલ રેપની સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે સેક્સ વર્કર્સને પણ ના કહેવાનો અધિકાર છે, પરંતુ પત્નીઓને આ અધિકાર નથી. કોર્ટે આ મામલે કહ્યું છે, પરંતુ શું સેક્સ વર્કર્સ પાસે ખરેખર એટલો અવકાશ છે કે તેઓ પોતાની મરજીથી ગ્રાહકોને પસંદ કરી શકે. આ સમજવા માટે અમે પહોંચી ગયા દિલ્હીના રેડ લાઈટ એરિયા, જીબી રોડ! અહીં 30 થી વધુ કોઠા છે, જ્યાં 2 હજારથી વધુ સેક્સ વર્કર કામ કરે છે. ચોક્કસ ડેટા કોઈને ખબર નથી.

નીચે હાર્ડવેર અથવા બાથરૂમ ફિટિંગની દુકાનોની ઉપર આખો એક અલગ જ ધંધો ચાલી રહ્યો હોય છે. અજમેરી ગેટ પર પહોંચતા જ આ રૂમોની ગંધ નાકમાં ભરાઈ જાય છે. સસ્તા અત્તરની ગંધ. આલ્કોહોલની દુર્ગંધ, અને તેનાથી પણ વધુ અસંખ્ય મુશ્કેલીઓની ગંધ, જે વર્ષોથી ઉદાસ ઘરોમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહી છે.

જો તમે ગ્રાહક ન હોવ તો આ રૂમ સુધી પહોંચવું સરળ નથી. મેં એનજીઓ મારફતે તેમની પાસે મળવાનો સમય માંગ્યો તે તેમણે કીધુ અહીંયા કોઈ સવાર પડતી નથી, આખી રાત અમે જાગીએ છીએ તમે દિવસે તો અમને નહીં મળી શકો. જ્યારે આપણે આકરા તાપમાં આપણાં એસી રૂમમાં સૂઈએ છીએ, ત્યારે અહીંની છોકરીઓ ગ્રાહકોને શોધવા માટે રસ્તા પર આવી જાય છે. એવા વ્યક્તિની શોધ કરે છે કે જેનાથી બીજા દિવસનું પેટ ભરાય.

અજમેરી ગેટ પર બે છોકરાઓ મને લેવા આવ્યા – એક લગભગ વીસ વર્ષનો, બીજો માંડ દસ વર્ષનો. અમે પગપાળા આગળ વધીએ છીએ. સ્વામી શ્રધ્ધાનંદ માર્ગની રોડ-સાઇન એ તરફ ઇશારો કરે છે જ્યાં આપણે જવું છે. હું થોભું છું અને એક ફોટો લઉં છું, તે દરમિયાન ઘણી આંખો મારી સામે જોવા લાગે છે. સાથે આવેલા બાળકોનો બદલાતો ચહેરો જોઈને હું ઝડપથી આગળ વધું છું. એમાંના વડીલ કહે, ‘તમે સીડી ઉપર જાવ તો ફોટા ના પાડો. કોઈ જોશે તો તકલીફ થશે.

દુકાનો કરતાં વધુ ટેરેસ છે. દરેક છતનો એક નંબર હોય છે. અમે આ રીતે ચોક્કસ સંખ્યામાં સીડીઓ ચઢીએ છીએ. સાથી ઈશારો કરે છે અને કહે છે, રસ્તો સાફ છે, હું ફોટો લઈશ.એક પછી એક કેટલાય કોરિડોર ક્રોસ થાય છે. કેટલાક રૂમ બંધ છે. કેટલીક બહાર છોકરીઓ ઉભી હતી. હું માથું નમાવીને સાથી છોકરાઓને અનુસરું છું. આગળ તે સ્ત્રી આવે છે જે મારી સાથે વાત કરશે.

વર્ષોથી અહીં રહેતી નિમ્મો સામેથી શૂટ કરવાનો ઈનકાર કરી દે છે. તેણે કહ્યું- બાળકોના મિત્રો ઓળખી જશે તો પ્રોબ્લમ થઈ જશે. મેં પીઠ તરફથી શૂટિંગ શરુ કર્યું. તે યાદ કરે છે- હું ગરીબ ઘરથી છું. ઓળખીતાએ દિલ્હીમાં કામ કરવાનો વાયદો આપ્યો. હું નાના શહેરની હતી. દિલ્હીનું નામ સાંભળીને જ ડરી ગઈ પણ નાના ભાઈ-બહેનની ભૂખ આગળ હારી ગઈ. કામનુ વચન આપીને અહીં લાવીને ઉભી કરી દીધી. હું ગરીબ હતી પણ મારુ ઘર મોટું હતું, હવાઉજાસ હતી અહીં તો એક પણ બારી પણ નહોતી અને ઉપરથી બહાર તાળુ હોય.

મેં બહાર નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા પણ ન નીકળી શકાયુ. મને ખૂબ માર મારવામાં આવ્યો. મેં કહ્યું મારે દિલ્હી નથી જોવુ મને ઘરે જવા દો હું ધંધો નહીં કરું, આટલુ કહેતા જ એક વ્યક્તિ રાક્ષસની જેમ મને મારવા લાગ્યો. દિલ્હી શહેરમાં આ મારુ વેલકમ હતું. બે રાત બાદ મારો સોદો પાક્કો થઈ ગયો. હું પંદર વર્ષની હતી, અને તે 40 કે તેથી વધુની ઉંમરનો. તે મારી માટે ફર્સ્ટ ટાઈમ હતું. એણે મારા જોડે ખૂબ જ જબરદસ્તી કરી. પૈસા તો મળ્યા પણ કિંમત બહુ મોટી ચૂકવવી પડી. જેમ કોઈ નાનુ બાળક પ્લાસ્ટિકનું રમકડુ જોઈને તેને મચેડી નાખે છે એવી જ રીતે તેણે મારી જોડે કૃત્ય કર્યું. જવાન હતી એટલે ઘણા દિવસો સુધી મારી કિંમત વધુ રહી.

મેં પુછ્યું- આટલા લોકો મળ્યા, કોઈ તને પસંદ ન આવ્યું? નિમ્મોએ ઉંચા અવાજમાં જવાબ આપ્યો કે મન તો લાગ્યું હતું પણ તેણે આવવાનું છોડી દીધુ કારણ કે તે પણ મારા શરીરથી કંટાળી ગયો હતો. બધા આવા જ આવતા હતા. કોઈ વારંવાર આવતુ, પરંતુ હંમેશા માટે કોઈ નહોતુ આવતું. કોઈએ કીધુ નહીં કે ચલો મારી સાથે ઘર વસાવો. દારુના નશામાં પ્રેમની વાતો કરે પણ નશો ઉતરતા જ ધંધાવાળી કહીને જતા રહે.

અમારો આગળનો ચહેરો નીરજા હતી. દુબળી-પાતળી નીરજા સતત ગુટખા કે ખૈની જેવી વસ્તુઓ ખાતી રહે છે. જ્યારે મેં કારણ પૂછ્યું, ત્યારે તે હસીને કહે છે – જ્યારે હું ગર્ભવતી હતી, ત્યારે મને કંઈક અલગ ખાવાનું મન થતું હતું. હવે મારી પાસે એવો પતિ નથી કે જે મારા નખરા ઉઠાવી શકે તો આ ખાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેની આદત પડી ગઈ. ગામથી દિલ્હી અને પછી જીબી રોડ સુધી પહોંચવાની તેની વાર્તા પણ ગરીબીથી શરૂ થાય છે અને છેતરપિંડી પર સમાપ્ત થાય છે. જ્યારે અમે તેના રૂમમાં પહોંચ્યા ત્યારે તે શાક બનાવતી હતી જેથી તે બાળકોને ખવડાવીને કામ શરૂ કરી શકે. સાંજની ‘શિફ્ટ’ કરતી નીરજા કહે છે – જ્યારે હું રાત્રે જાગ્યા પછી સવાર સુધી ઊંધતી નથી. 2 વાગ્યા પછી કામ શરૂ થાય છે. ગેસ્ટ પિક-અપ! પછી તે મધરાત સુધી ચાલે છે.

મેં જોયું કે તેની ભાષા બાકીની સ્ત્રીઓ કરતાં થોડી અલગ છે. તે ક્લાયન્ટને ગેસ્ટ બોલે છે અને ધંધાને કામ. ક્યારેક બાલ્કનીમાંથી બોલાવવામાં આવે ત્યારે ગેસ્ટ આવે છે તો ક્યારેક આવતા નથી. તેઓ આવે તો પણ તેઓ કોના ભાગે જશે તેના નામે લડાઈ ચાલે છે. ઘણી વખત, એક યુવાન છોકરીને જોઈને, તે તેની પાસે જાય છે. ક્યારેક વર્તન કામ કરે છે. શરૂઆતમાં હું પણ બાલ્કનીમાં રાહ જોતી હતી. હવે સીધા રસ્તા પર જઈને ગ્રાહકોને લઈ આવુ છું. પહેલા તો મને શરમ આવતી કે રસ્તામાં એક માણસનો હાથ કેવી રીતે પકડી લઉં, તેને મારી સાથે ચાલવાનું કેવી રીતે કહું! પછી આદત બની ગઈ.

શું તમને ક્યારેય કોઈ ગેસ્ટને તે ના પાડી છે- હું નીરજા સાથે તેની ભાષામાં વાત કરું છું. તેણે થોડુ વિચારીને જવાબ આપ્યો – શરૂઆતમાં ઘણી જબરદસ્તી થતી. ન માનવા પર મારપીટ અલગથી થતી. જે કોઈ પણ આવે મનમાની કરીને જતુ રહેતું. હું રડતી રહેતી હતી. હવે 16 વર્ષથી વધુ સમય થઈ ગયો. ગંદકીમાં રહીને હવે તેની આદત થઈ ગઈ છે. કોઈ દારુના નશામાં ચૂર થઈને ગંદી ડિમાન્ડ કરતા હોય છે તો કોઈ એવુ કરે કે શરીર સહન જ ના કરી શકે, હું એવા લોકોને ભગાડી દઉં છું.

કોન્ડોમના વપરાશ અંગે નીરજાએ કહ્યું અમારી પાસે સ્ટોક હોય છે, તેના વગર અમે કામ નથી કરતા. આ વાત કરતા જ મેં તેના ગળામાં મંગળસૂત્ર જોયું, હું પુછુ એના પહેલા જ તેણે સામેથી જવાબ આપ્યો- ના હું પરિણિત નથી, હા પણ બાળકો જરુર છે. વચ્ચે એક ગેસ્ટ આવેલો, ઘણા વર્ષો સુધી આવતો રહ્યો, હું જાણતી હતી કે લગ્ન નહીં કરે પરંતુ હું પોતાને પરિણિત માનવા લાગી. પછી એક દિવસ તે ત્યાંથી ચાલ્યો ગયો.

ક્યારેય બાળકોના ખબર-અંતર પૂછ્યા એણે? મારા આ સવાલ પર તેણી એ ના પાડી દીધી. મારા બાળકને હું ફોન આપી બીજા રુમમાં સૂવડાઈ દઉ છું. મોટો થશે ત્યારે યુનિવર્સિટીમાં મુકી દઈશ જેથી કરીને અહીંની ગંદકી જોવી ન પડે. તે ભણીગણીને મોટા થાય અને મને અહીંથી નીકાળે તે આશાએ હું તેના અભ્યાસમાં કોઈ સમાધાન નથી કરતી.

મારી સાથે આવેલા NGOના એક ઓફિસરે મને જણાવ્યું કે અહીંની સ્ત્રીઓનું જીવન એટલુ નર્ક જેવુ હોય છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેઓ હોસ્પિટલમાં જાય અને સ્ટાફ જો જી.બી રોડ જોવે તો ત્યાં પણ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. અહીં 15 વર્ષથી લઈને 70 વર્ષની સ્ત્રીઓ કામ કરે છે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે શરીરમાં 17 બિમારીઓ હોવા છતા તેમને આ કામ કરવુ પડે છે. સેક્સ વર્કરને વૃદ્ધ થવાની છૂટ નથી.

(ઈન્ટરવ્યૂ કોઓર્ડિનેશન- Light up ngo, જે દિલ્હીમાં સેક્સ વર્કર્સના બાળકો પર કામ કરે છે. તે સિવાય વર્કર્સના નામ બદલવામાં આવ્યા છે)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page