|

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની વાયરલ થયેલી તસવીરનું જાણો સત્ય

બેંગલોર: ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ રવિવારે ઈસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્યું હતું કે, ઓર્બિટરની મદદથી ચંદ્રની સપાટી પર વિક્રમ મોડ્યૂલનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, આ એક હાર્ડ-લેન્ડિંગ રહી હશે જ્યારે યોજના સોફ્ટ-લેન્ડિંગ કરાવવાની હતી.


ચંદ્રયાન-2ના ઓર્બિટરના ઓન-બોર્ડ કેમેરાથી કેપ્ચર કરવામાં આવેલી તસવીરોથી લેન્ડરના લોકેશન વિશે ભાળ મેળવી શકાઈ છે. ઓર્બિટર પોતાની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે. જોકે, ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા લેન્ડર વિક્રમનું લોકેશન શોધ્યા બાદ ભારતીયોમાં આશાનું કિરણ જોવા મળ્યું છે.


લોકોએ આશા વ્યક્ત કરી કે લેન્ડર વિક્રમથી સંપર્ક ફરીથી સ્થાપિત થઈ શકે છે. પરંતુ, લેન્ડર વિક્રમના લોકેશન મળવાની ખુશીમાં અનેક લોકો અતિઉત્સાહમાં આવી ગયા અને ‘વિક્રમ લેન્ડર સ્પોટેડ’ હેશટેગ સાથે નાસાની જૂની તસવીરો શેર કરવા લાગ્યા હતાં. તેઓ આ તસવીરો ઈસરોના અધ્યક્ષે જાહેર કરી હોય તેવો દાવો કરી રહ્યા છે. ટ્વિટર પર આવી અનેક તસવીરો જોત-જોતામાં ટ્રેન્ડ પણ થવા લાગી હતી.


આ તસવીરોને રિવર્સ ગૂગલ સર્ચ કરતાં જાણી શકાય છે કે, તે એપોલો 16 લેન્ડિંગ સાઈટની તસવીર છે. ઈસરોના એક સીનિયર વૈજ્ઞાનિકે મીડિયાને જણાવ્યું હતું કે, આ તસવીરો ફેક હોઈ શકે છે. ઓર્બિટર દ્વારા મોકલવામાં આવેલી થર્મલ તસવીરો ત્રણ દિવસ બાદ જ મેળવી શકાય છે કારણ કે ઓર્બિટરને એક જ પોઈન્ટ પર આવવામાં ત્રણ દિવસ લાગે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.