Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગુજ્જુ ગોરો અમેરિકામાં છવાયો, ઈમાનદારી પર USની મહિલા થઈ આફરીન

ગુજ્જુ ગોરો અમેરિકામાં છવાયો, ઈમાનદારી પર USની મહિલા થઈ આફરીન

ભૂજના એક યુવકે ‘અતિથિ દેવો ભવ:’ની ભાવનાને સાર્થક કરી બતાવી છે. આ યુવકની ઇમાનદારી જોઇ એક અમેરિકન દંપતી પણ ભાવુક થઈ ગયું હતું. જો કોઇ ભારતીય ઓનેસ્ટી બતાવે તો તેમાં ભારતનું પણ ગૌરવ વધે છે અને દરેક ઇન્ડિયનની છાતી પણ ગજગજ ફૂલે છે. તેમાં પણ આ અમેરિકન દંપતીએ તો એક વીડિયો શેર કરીને કહ્યું કે, ‘ભારતમાંથી ઘણા ખરાબ સમાચાર આવે છે. પરંતુ અહીં વધારે સારા અનુભવ થાય છે ભારત એક સુંદર દેશ છે’. આ વીડિયોને પણ 55 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

યૂટ્યૂબર દંપતી અને ટ્રેનમાં ભૂલાયેલું વોલેટ
સ્ટેફની અને પીટર એક અમેરિકન કપલ છે. જેઓ થોડા દિવસ પહેલા ભારત ફરવા માટે આવ્યા હતા. આ યૂટ્યૂબર દંપતી જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું હતું, ત્યારે તેમનું વોલેટ ટ્રેનમાં જ ભૂલાઈ ગયું હતું. જોકે તેમને એ વાતની જાણ પણ નહોતી, પરંતુ આ વોલેટ તેમાં રહેલા ડોક્યુમેન્ટ્સ તથા કેશ સહિત તેને પાંચ દિવસમાં જ પરત મળ્યું હતું.

આ દંપતીનું વોલેટ ભુજના એક યુવાને કેવી રીતે પરત કર્યું, અમેરિકન દંપતીનું વોલેટ કેવી રીતે ખોવાયું અને કેવી રીતે એક યુવાને તેને સોંપ્યું આ અંગે જાણવા ભુજના રેલવે સ્ટેશન પર રેસ્ટોરન્ટ ચલાવતા ચિરાગ રાજગોર તથા અમેરિકન મહિલા સ્ટેફની સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. સ્ટેફનીએ ઇન્ડિયામાં થયેલા આ અનુભવ અંગે વિસ્તારથી જણાવ્યું હતું અને આ યુવકની ઇમાનદારીને પણ બિરદાવી હતી.

એક ફેમિલી મેમ્બરને લેવા માટે ગયો અને સીટ નીચેથી વોલેટ મળ્યું
અમેરિકન દંપતી સ્ટેફની અને પીટરને તેનું વોલેટ પરત કરનારા અને ભુજ રેલવે સ્ટેશન પર રેસ્ટોરન્ટ ધરાવતા 23 વર્ષીય ચિરાગ રાજગોરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા 40 વર્ષથી પરિવાર સાથે ભુજમાં જ રહીએ છીએ. હું માતા-પિતા અને બહેન સાથે સંયુક્ત પરિવારમાં રહું છું. અત્યારે સરકારી નોકરી ભરતી માટેની તૈયારીઓ કરી રહ્યો છું. મારી ભુજ રેલવે સ્ટેશન બહાર 22 વર્ષથી એક રેસ્ટોરન્ટ પણ આવેલી છે અને છેલ્લા 4 વર્ષથી હું આ રેસ્ટોરન્ટ પર જ બેસું છું. 20 ડિસેમ્બરના રોજ ભુજ-પૂના ટ્રેનમાં મારા એક ફેમિલી મેમ્બર આવવાના હોવાથી હું તેમને લેવા માટે ગયો હતો. આ સમયે જ્યારે તેમનો સામાન લઈ રહ્યો હતો ત્યારે મને ટ્રેનની સીટ નીચેથી એક વોલેટ મળી આવ્યું, મેં આસપાસ નજર કરી તો ત્યાં કોઈ જોવા મળ્યું નહીં.

કેવી રીતે અમેરિકન દંપતીનો સંપર્ક કર્યો અને સામે શું જવાબ મળ્યો?
વોલેટ મળ્યા બાદ ચિરાગે કેવી રીતે દંપતીનો સંપર્ક કર્યો અને તેની સાથે શું વાત થઈ તે અંગે તેણે જણાવ્યું કે, આ વોલેટમાં અલગ અલગ ડોક્યુમેન્ટ્સ, અમેરિકાનું ડ્રાઇવિંગ લાઇસન્સ, ATM ડેબિટ કાર્ડ, પાસપોર્ટ અને અંદાજે 15 હજાર જેટલી રોકડ હતી. આ ઉપરાંત વોલેટમાં એ પોતે યૂટ્યૂબ ચેનલ ચલાવે છે તે અંગેના 20 જેટલા કાર્ડ હતા. જેમાંથી મને તેમનું ઇન્સ્ટાગ્રામ અને ઈમેલ આઈડી મળ્યા હતા. ત્યાર બાદ મેં તેમના ઇન્સ્ટાગ્રામ અને ઇમેલ આઈડી પર મેસેજ કર્યો કે મને તમારું વોલેટ મળ્યું છે. જેમાં તમારું ATM કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ મળ્યા છે, એટલે તેમણે કહ્યું કે તમારી પાસે રાખો અમે ભુજથી આગળ નીકળી ગયા છીએ. 24 ડિસેમ્બર અમે પરત ફરીશું ત્યારે આ વોલેટ અમે પરત લઈ લઈશું. ત્યાર બાદ તેમનો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો કે આભાર, તમારી પાસે મારું વોલેટ સેફ છે અને ત્યાર બાદ એમણે મારી હોટલનું એડ્રેસ માગ્યું એટલે મેં એડ્રેસ આપ્યું.

‘આ ટીપ(પૈસા) આપું છું રાખો’
હોટલ પર આવીને દંપતીએ શું કર્યું તે અંગે વાત કરતા ચિરાગ રાજગોરે કહ્યું કે, 24 ડિસેમ્બરના રોજ આ દંપતી મારી ભુજ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ પર આવ્યું હતું. તેઓ ચિરાગ કોણ છે એમ હોટલ બહાર પૂછી રહ્યા હતા અને થોડીવારમાં જ તેઓ હોટલમાં આવ્યા અને મને પૂછ્યું ‘તમે ચિરાગ?’એટલે મેં કહ્યું ‘હા, હું જ ચિરાગ છું’.ત્યાર બાદ મને આ અમેરિકન કપલે કહ્યું ‘થેંક્યું’તેમણે મને પૂછ્યું તમને ‘આ વોલેટ ક્યાંથી મળ્યું?’મેં કહ્યું ‘મને ટ્રેનમાંથી મળ્યું’. ત્યાર બાદ મને કહ્યું કે ‘આ ટીપ(પૈસા) આપું છું રાખો’. મેં કહ્યું ‘નો મેમ’અને ત્યાર બાદ તેઓ અહીંથી ચાલ્યા ગયા હતા.

‘ના ના સાહેબ ભગવાનની દયા છે’
પૈસા અને ATM કાર્ડ સહિતનું વોલેટ રાખી લેવાનો વિચાર તમને ના આવ્યો તેમ પૂછતાં જ નાની હોટલ ધરાવતો ચિરાગ રાજગોર બોલ્યો કે, ‘ના ના સાહેબ ભગવાનની દયા છે. ભગવાને બધું આપ્યું છે, પર્સ રાખી લેવાનો મને વિચાર ના આવ્યો. મને એ પર્સ રાખવાની ઇચ્છા ના થઈ. મારી હોટલમાં અનેક લોકો મોબાઈલ કે પર્સ ભૂલી જતા હોય છે પણ હું એમને પાછા આપી દઉં છું’

‘પૈસા ચૂકવવા આ વોલેટ બહાર કાઢ્યું ને મૂકવાનું ભૂલી ગઈ’
સ્ટેફનીએ કહ્યું કે, અમે અમદાવાદથી ભુજ ટ્રેન લીધી હતી. મેં એક ચા પીધા પછી પૈસા ચૂકવવા માટે આ વોલેટ બહાર કાઢ્યું હતું, અને મને લાગે છે કે મેં તેને સીટ પર મૂક્યું હતું. જ્યારે અમે ટ્રેનમાંથી ઉતરવા માટે પેકઅપ કર્યું, ત્યારે મારી બેગમાં આ વોલેટ મૂકવાનું ભૂલી ગઈ હતી. ભુજથી લગભગ એક કલાકના અંતરે દેવપુરમાં જ અમારો સ્ટે હતો, જ્યાં અમે અમારો સમાન ખોલીને જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે વોલેટ તો મિસિંગ છે.

વોલેટમાં શું શું હતું?
વોલેટમાં રહેલા ડોક્યુમેન્ટ્સ અને રોકડ તથા કાર્ડ્સ અંગે સ્ટેફનીએ કહ્યું કે, મારા વૉલેટમાં રોકડ, મારું બેંક કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને સદભાગ્યે, કેટલાક બિઝનેસ કાર્ડ્સ હતા જે મારા પતિ અને હું અમારી YouTube ચેનલને પ્રમોટ કરવા માટે લઈ જઈએ છીએ

‘આ એક જોખમ હતું, પણ મને લાગ્યું કે વિશ્વાસ કરી શકાય’
વોલેટ કોને મળ્યું અને કેવી રીતે સંપર્ક થયો તે અંગે વાત કરતા સ્ટેફનીએ જણાવ્યું હતું કે, જ્યારે મારું વોલેટ ગુમ થયાનો ખ્યાલ આવ્યો એ ક્ષણે જ મેં જોયું તો મને ચિરાગનો ઈમેલ અને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મળ્યો હતો. ત્યાર બાદ તુરંત જ મેં ચિરાગને વોટ્સએપ મેસેજ કર્યો. આ દરમિયાન મને સમજાયું કે તે એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. જેથી મેં તેને મારા ડોક્યુમેન્ટ્સ હું જ્યાં સુધી એટલે કે ચાર દિવસ પછી ભુજ ન આવું ત્યાં સુધી તેની પાસે રાખવા માટે કહી દીધું હતું. આ એક જોખમ હતું પરંતુ જો રાહ ન જોઉં તો મારે તુરંત જ ત્યાં જવું પડે પણ મને લાગ્યું કે તેના પર વિશ્વાસ કરી શકાય તેમ છે.

‘હું ઉત્સુક હતી કે આ વોલેટ કોને મળ્યું છે?’
યુવકે વોલેટ લેવા માટે જ્યારે ભુજ આવવાનું કહ્યું ત્યારે સ્ટેફનીને કેવા કેવા વિચારો આવ્યા તે અંગે તેણીએ જણાવ્યું કે, તેણે મને તેની દુકાન પર વોલેટ લેવા માટે આવવાનું કહ્યું હતું. હું ઉત્સુક હતી કે આ વોલેટ કોને મળ્યું છે?(તેને જ મળ્યું છે કે પછી કોઈ બીજાને વોલેટ મળ્યું હોય ને તેમણે તેની દુકાને પહોંચાડ્યું હોય?) હજુ પણ મને તેની ખાતરી નહોતી, પરંતુ જ્યારે હું તેની દુકાનમાં દાખલ થઈ, ત્યારે તેણે સ્મિત સાથે મારું સ્વાગત કર્યું અને પાકીટ બહાર કાઢ્યું. દુકાનમાં હાજર દરેક વ્યક્તિ પણ ખૂબ જ સારા વ્યક્તિ હતા. મેં જ્યારે મેં ટીપ ( પૈસા)આપી ત્યારે મને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેને ટીપ આપવી એ અયોગ્ય છે કારણ કે તેઓ માત્ર મદદ કરવાથી જ ખુશ હતા.

‘આ માયાળુ ભારતીયોની અદભૂત વાત છે’
આ ઘટના અંગે શોર્ટ્સ બનાવવાને લઈ સ્ટેફનીએ જણાવ્યું કે, મને લાગ્યું કે આ માયાળુ ભારતીયોની અદભૂત વાત છે અને તેથી હું દર્શકો સાથે શેર કરવા માગતી હતી. તેથી જ મેં તેને યુટ્યુબ વ્લોગમાં શોર્ટ વીડિયો બનાવીને મૂક્યો. જેને 5 મિલિયનથી વધુ વ્યૂઝ પણ મળ્યા. મને તો વિશ્વાસ આવતો નથી. પરંતુ દરેક વ્યક્તિ ચિરાગની પ્રશંસા કરી રહી છે અને અમારા વતી તેનો આભાર માની રહ્યા છે, તે જોવું મને ગમે છે.

‘વોલેટ ખોવાયું ત્યારે પહેલો વિચાર શું આવ્યો ખબર છે?’
જ્યારે ભારત વિશે વાત કરતા સ્ટેફની કહે છે કે, હું અને મારા પતિ હંમેશા ભારતને પ્રેમ કરીએ છીએ. અમે 2013-2015 દરમિયાન મુંબઈમાં રહેતા હતા અને અમે હંમેશા અહીં હરવા ફરવાનો આનંદ માણીએ છીએ અને તેનું મુખ્ય કારણ લોકો (ઓફકોર્સ ફૂડ!) છે. તેથી અમારા માટે આ કોઈ આશ્ચર્યજનક બાબત નથી. જ્યારે મને જાણ થઈ કે વોલેટ ખોવાયું છે, ત્યારે પહેલો વિચાર શું આવ્યો ખબર છે? મને ખાતરી હતી કે, કોઈને વોલેટ મળ્યું હોવાની અને તે મારો સંપર્ક કરશે એવી પૂરી શક્યતા લાગી રહી હતી અને મારી ધારણા મુજબ જ થયું. અલબત્ત, દરેક જગ્યાએ સારી અને ખરાબ વસ્તુઓ બનતી હોય છે, પરંતુ આ દેશમાં આપણને જે સકારાત્મક અનુભવો થયા છે તે વારંવાર થાય છે અને તે નકારાત્મક અનુભવો કરતાં વધુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page