Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratપહેલા જ વરસાદમાં અમદાવાદના ભુક્કા નીકળી ગયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ...

પહેલા જ વરસાદમાં અમદાવાદના ભુક્કા નીકળી ગયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

અમદાવાદમાં આજે બપોરથી ભારે વરસાદ શરૂ થયો છે. શહેરમાં સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બે કલાકમાં પૂર્વ વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડયો છે. પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલ, ગોમતીપુર, ઓઢવ, વિરાટનગર રામોલ, વસ્ત્રાલ, વિસ્તારમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પશ્ચિમ ઝોનમાં આવતા પાલડી,વાસણા, વાડજ,ઉસ્માનપુરા,ઇન્કટેક્સ,આશ્રમ રોડ,ચાંદખેડા, રાણીપ, સાબરમતી વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

ઉત્તર ઝોનમાં મેમકો,નરોડા,કોતરપુર,સરદારનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં આવતા થલતેજ, ગોતા, સાયન્સ સીટી વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર,વટવા સહિતના વિસ્તારમાં બે ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં ભારે વરસાદના પગલે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. રાયખડ વિસ્તારમાં આવેલા ચિસ્તીવાડમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઇ છે જ્યારે આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા માંડવીની પોળમાં પણ એક જૂનું મકાન ધરાશાયી થયું હતું.જો કે ફાયર બ્રિગેડ પહોંચે તેની પહેલા જ વ્યક્તિને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ બની છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારોમા ભારે વરસાદ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ શરુ થતા ભારે રાહત થઈ છે. શહેરના ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઈશનપુર, CTM, જશોદાનગર, મણિનગર, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ, રખિયાલ,નિકોલ,રામોલ,વટવા સહિતના વિસ્તારોમા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણીના ચેમ્બરો માથી બહાર આવીને માર્ગ પર ફરી વળ્યા છે.આશ્રમ રોડ,ઉસ્માનપુરા, વાડજ,રખિયાલ, ઇન્કમટેક્ષ, ગોમતીપુરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો. ઓઢવ, વિરાટનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. મેમકો,કૃષ્ણનગર,અમદુપુરા, સરસપુર, મણિનગર, સૈજપુર,જમાલપુર,ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ જામકંડોરણામાં પડ્યો છે. જે બાદ કપરાડામાં પોણા છ ઇંચ, ઉપલેટામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવી રહ્યાં છે, જ્યારે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

‘રાજ્યમાં 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page