Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratગુજરાતના મહેમાન બનેલા કોરિયન નાગરિકનું મોત, પેરા ગ્લાઈડિંગ વખતે પટકાયો

ગુજરાતના મહેમાન બનેલા કોરિયન નાગરિકનું મોત, પેરા ગ્લાઈડિંગ વખતે પટકાયો

કડી તાલુકાના ધરમપુર ગામે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાયું હતું. જેમાં વડોદરાના બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રણ પાઠવ્યું હતું. જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા. પરંતુ ગઈકાલે વિસતપુરા ગામ ખાતે ટ્રાયલ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક પેરાશૂટ ક્રેક થયું હતું અને એક કોરિયન નાગરિક ગામની અંદર આવેલી હાઈસ્કૂલની પાછળ નીચે પટકાયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ કડી પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આમંત્રણને માન આપી બે કોરિયન ભારત આવ્યા
કડી તાલુકાના ધરમપુર મુકામે આવેલી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેને સાઉથ કોરિયનના બે મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું. જે આમંત્રણને માન આપીને બે કોરિયન ભારત દેશ આવ્યા હતા અને વિસતપુરા ખાતે રોકાયા હતા. આજે ધરમપુર ખાતે યોજાયેલા ષષ્ટિપૂર્તિ કાર્યક્રમની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરિયનથી આવેલા બે લોકો દ્વારા પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાની હતી.

આચાનક પેરાશુટ ક્રેક થઈ જતાં જમીન ઉપર પછડાયું
આ બંને કોરિયન લોકોએ ગઈકાલે ધરમપુરથી વિસતપુરા સુધી પેરાશૂટથી ટ્રાય માર્યો હતો. જે દરમિયાન ગઈકાલે સાંજના સમયે બંને કોરિયન પેરાશૂટથી ટ્રાય મારી રહ્યા હતા. જેમાંથી એક 50 વર્ષીય કોરિયન SHIN BYEONGMOOAN દ્વારા વિસતપુરા ગામે ટ્રાય મારવાનું ચાલુ હતું, જે દરમિયાન અચાનક કોઈ કારણોસર પેરાશૂટ ક્રેક થઈ જતાં જમીન ઉપર પછડાયું હતું. પછડાતાંની સાથે જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસતપુરા ગામની હાઈસ્કૂલની પાછળ ખુલ્લા મેદાનમાં પછડાતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કોરિયનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા
કોરિયન દેશથી આપણા દેશની અંદર આમંત્રણને માન આપીને બે લોકો આવ્યા હતા અને ધરમપુર ખાતે યોજાયેલા કાર્યક્રમની અંદર તિરંગા યાત્રામાં પુષ્પવર્ષા કરવાના હતા. જે દરમિયાન એક કોરિયન પેરાશૂટ ઉડાડતી વખતે નીચે પટકાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યાં ઘટનાની જાણ કડી પોલીસને થતાં કડી પોલીસે તપાસ શરૂ કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા.

ટેક્નિકલ ખામીના કારણે નીચે પછડાયો: એન.આર. પટેલ
કડી તાલુકાના વિસતપુરા ગામે બનેલી ઘટના વિશે કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. પટેલને પૂછતાંં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે વિસતપુરા ગામ ખાતે કોરિયન પેરાશૂટ હવામાં ડ્રાઈવ કરતી વખતે ટેક્નિકલ ખામીના કારણે નીચે પછડાયો હતો જેનું મોત નીપજ્યું હતું. કડીની સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલ તપાસ ચાલી રહી છે. તેમજ મૃતકના મૃતદેહને કોરિયન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

કદાચ પતંગની દોરી વાગવાથી આ ઘટના સર્જાઈ: સ્થાનિક
જ્યારે ગામના સ્થાનિક જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે, શાળામાં બે દિવસીય કાર્યક્રમ હોવાથી આ બંને કોરિયન ગામમાં પેરાશુટના ટ્રાયલ માટે આવ્યા હતા. કદાચ પતંગની દોરીથી પેરાશૂટ ડેમેજ થઈ ગયું હોય એવું ગામના લોકોનું માનવું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page