Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratગુનેગાર તો ઠીક પોલીસ અધિકારીઓ પણ આ IPSનું પોસ્ટિંગ હોય તો ત્યાં...

ગુનેગાર તો ઠીક પોલીસ અધિકારીઓ પણ આ IPSનું પોસ્ટિંગ હોય તો ત્યાં જતાં ડરે છે, જાણો કોણ છે આ અધિકારી

અમદાવાદ: ગુજરાત પોલીસમાં આઈપીએસનું સંખ્યાબળ અત્યારે 175 જેટલા અધિકારીઓનું છે, પણ આઈપીએસ થતી વખતે જેણે બંધારણ-કાયદાનું રક્ષણ કરવાના લીધેલા સોગંધ યાદ રહ્યા હોય તેવા ઓછા આઈપીએસ અધિકારીઓ છે. સામાન્ય માણસો માટે જેમને નેતા કે અધિકારી નથી ઓળખતા તેવા માણસ માટે પણ તેમના દરવાજા ખુલ્લા હોય તેમાં ગુજરાત કેડરના આઈપીએસ નિર્લિપ્ત રાયનો સમાવેશ થાય છે.

ઈન્ડિયન રેવન્યૂ સર્વિસમાં સેવા આપ્યા બાદ 2010માં ભારતીય પોલીસ સેવાનો હિસ્સો થયેલા નિર્લિપ્ત રાયની કામ કરવાની પદ્ધતી અને નેતાઓ સામે ભીડી જવાની ટેવના કારણે આમ તો લગભગ દર વર્ષે તેમની બદલીનો દૌર ચાલુ રહ્યો છે. નેતા તો ઠીક પણ પોતાના સિનિયર અધિકારી કાયદાની વર્તૂળની બહાર જઈ કોઈ કામ કરે અથવા કરાવે તો ના પાડવાની ક્ષમતા અને તાકાત બંને તેમનામાં છે. પોતે આઈપીએસ અને સસરા વરેશ સિન્હા ગુજરાતના મુખ્ય સચિવ હોવા છતાં નિર્લિપ્ત રાયના પગ જમીન પર જ રહ્યા. સત્તા અને પદ્દનું ગુમાન રાખ્યા વગર કઈ રીતે સામાન્ય લોકોને મદદ થઈ શકે અને કાયદો તોડનારમાં ડર ઊભો થાય તેવો તેમનો પ્રયાસ રહ્યો છે.

પોલીસમાં ચાલતી ગેરકાયદે પ્રણાલીને પણ તેમણે પડકારી જે તેમના સિનિયર્સને પસંદ ન આવી, પણ તેમના તાબાના અધિકારીઓને કાયદાની તાકાતનું ભાન કરાવ્યું. પ્રોબેશન કાળ હિંમતનગરમાં પુરો કરી તેમને પહેલું પોસ્ટિંગ એસીપી તરીકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મળ્યું અને ક્રાઈમ બ્રાન્ચની આ તાલીમ ગુનેગારોના વિસ્તારમાં જઈ તેમને શારિરિક અને માનસિક તોડી નાખવાનો અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો. અમદાવાદના ક્રાઈમની નસ જો પકડાઈ જાય તો ગુજરાતના કોઈપણ ખુણે રહેલા ગેંગસ્ટરને શક્તિ વિહિન કરવાની આવડત આવી જાય.

એસીપીમાં બઢતી સાથે તેમનું ડેપ્યૂટી પોલીસ કમિશનર તરીકેનું પહેલું પોસ્ટીંગ અમદાવાદમાં જ ઝોન 7માં થયું. તે પછી તેમણે અમદાવાદ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને વલસાડ એમ અલગ અલગ જિલ્લાઓમાં ડ્યૂટી નિભાવી, આ ગાળા દરમિયાન કેટલીક મહત્વની ઘટનાઓ પણ ઘટી.

ઉના કાંડ બાદ દલિતોની ફરિયાદ હતી કે સરકારે તેમને જમીન તો આપી પણ શક્તિશાળી તત્વોએ તેમની જમીન પર કબ્જો કરી બેઠા છે. આ વાત નિર્લિપ્ત રાયના ધ્યાનમાં આવી અને તેમણે અનેક દલિતોની જમીન કબ્જે કરનાર અનેક માથાભારેને તગેડી દલિતોને તેમના હક્ક અપાવ્યા.

આવી જ એક બીજી ઘટના જેમાં અમદાવાદના મોટા બિલ્ડર જેના સંબંધો રાજકીય નેતાઓ સહિત આઈએએસ અધિકારીઓ સાથે હતા તેના પુત્રએ એક દલિતની હત્યા કરી અને તે ફરાર થઈ ગયો હતો. પુત્રના મોહમાં આ બિલ્ડરે પોલીસ આકરા પાણીએ કામ ન કરે તે માટે વરેશ સિન્હાનો સંપર્ક કર્યો અને આ વાતની જાણ નિર્લિપ્ત રાયને થતાં આ બિલ્ડરને તેની હેસિયત બતાડી દીધી હતી.

આમ નિર્લિપ્ત રાયની બદલીઓનો દૌર સતત ચાલતો રહ્યો. હાલમાં તેઓ અમરેલી જિલ્લાના એસપી છે. અમરેલીના લોકો કહે છે કે તેમણે વર્ષો પછી કાયદાનું શાસન જોયું છે. અમરેલીમાં રહેલા ગુંડાઓ અમરેલી છોડી ભાગી છૂટ્યા અને જે પકડાઈ ગયા તે હમણા અમરેલીની જેલમાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page