Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratક્રાઇમ પેટ્રોલ સિરિયલને ટક્કર મારે એવો કિસ્સો, પત્નીના મોઢે સેલો ટેપ વીંટી...

ક્રાઇમ પેટ્રોલ સિરિયલને ટક્કર મારે એવો કિસ્સો, પત્નીના મોઢે સેલો ટેપ વીંટી મારી નાખી

રાજકોટમાં ક્રાઇમ પેટ્રોલ સિરિયલને ટક્કર મારે એવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વકિલ પતિએ તેની પત્નીના મોઢે સેલો ટેપ વીંટી ગૂંગળાવી હત્યા નિપજાવી હતી. એટલું જ નહીં હત્યા બાદ લૂંટનું ખોટું નાટક પણ કર્યું હતું. જોકે પોલીસ તપાસમાં હત્યારા પતિનો ભાંડો ફૂટી ગયો હતો.

આખા રાજકોટને હચમચાવી દેતા 8 વર્ષ પહેલાના આ મર્ડરમાં કેસમાં કોર્ટે મુકેશ વ્યાસને તકસીરવાન ઠેરવ્યો છે, જ્યારે તેને મદદગારી કરનાર કેયુર કિશોર હીરાણીને પણ તકસીરવાન ઠેરવી બંનેને આજીવન કેદની સજા અને રૂપિયા એક-એક લાખનો દંડ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. કોર્ટે દંડની રકમ મૃતકના વારસોને ચુકવવા આદેશ કર્યો છે.

મામાનાં ઘેર ઉછેર માટે મોકલી આપી
આ સનસનીખેજ કેસ અંગેની વિગતો મુજબ રાજકોટમાં સંતકબીર રોડ પર આવેલા બ્રાહ્મણીયાપરામાં રહેતા અને વકીલાત કરતા મુકેશ ઈશ્વરભાઈ વ્યાસના પ્રથમ લગ્ન દીપ્તિ નામની મહિલા સાથે થયા હતા. આ દાંમ્પત્ય જીવનના ફળ સ્વરૂપ તેને એક પુત્રી અવનીનો જન્મ થયો હતો. પરંતુ દંપતી વચ્ચે મનમેળ ન રહેતા મુકેશ તથા દીપ્તિ વચ્ચે છુટાછેડા થયા હતા. જેમાં છુટાછેડા થતાં મુકેશે તેની પુત્રી અવનીને કોઠારીયારોડ પર બ્રાહ્મણીયા હોલ નજીક રહેતા પોતાના મામાનાં ઘેર ઉછેર માટે મોકલી આપી હતી.

રજીસ્ટર મેરેજથી પ્રેમલગ્ન કરી લીધા હતા
બાદમાં મુકેશને સંતકબીર રોડ પર યોજાતી ગરબીઓમાં ગરબા અને ભજન ગાતી શિલ્પા નામની મહિલા સાથે પરીચય થયો હતો. રાજારામ સોસાયટી શેરી નં.5માં રહેતા મહેશભાઈ પરસોતમભાઈ વાઘેલાની બે પુત્રીઓ શિલ્પા તથા શ્રદ્ધા પૈકી શિલ્પાના પ્રથમ લગ્ન પ્રથમ વાંકાનેરના મિતેષ માંડાણી સાથે થયા હતા. જયાં દાંમ્પત્ય જીવનના ફળસ્વરૂપ પુત્રી ભાવિકોનો જન્મ થયો હતો. પરંતુ બાદમાં દંપતી વચ્ચે વારંવાર ગૃહકંકાશ થવા લાગ્યો હતો. જેના કારણે શિલ્પાના પણ તેના પતિ મિતેષ વચ્ચે છુટાછેડા થયા હતા અને શિલ્પાની પુત્રી ભાવીકા શિલ્પાના પીયર રહેવા લાગી હતી. ગરબીમાં શિલ્પા તથા મુકેશ વચ્ચે થયેલો પરિચય પ્રેમ સંબંધમાં પલટાયો હતો અને બન્નેએ 2013માં કોર્ટમાં રજીસ્ટર મેરેજથી પ્રેમલગ્ન કરી લીધા હતા.

પાડોશીઓ દોડી આવ્યા
બનાવ વખતે 3 ભાઈમાં નાના મુકેશના મોટાભાઈઓ ગુણવંતભાઈ રઘુવીરપાર્કમાં તથા જીતુભાઈ બ્રાહ્મણીયાપરામાં રહેતા હતા. બનાવની આગલી રાત્રીએ એટલે કે, તા.12/2/2014ના રોજ મુકેશ અને શિલ્પા બન્ને શિલ્પાના પિતાની ઘરે જમવા ગયા હતા. બાદમાં ઘરે આવી રાત્રે 9-30 થી 10 વાગ્યા સુધી ટીવી પર સરસ્વતીચંદ્ર સીરીયલ નિહાળી હતી અને 10.15 વાગ્યે બન્ને બહાર સોડા પીવા ગયા હતા અને ત્યાંથી રાત્રીનાં 11 વાગ્યે પરત આવી નિંદ્રાધીન થયા હતા. જે પછી સવારે મુકેશ પોતાના ઉપરના માળેથી પાછળથી હાથ બાંધેલી હાલતમાં લડથલીયા ખાતો નીચે ઉતર્યા હતો, તેને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ, પાડોશીઓ દોડી આવ્યા હતા.

શિલ્પાને મારી નાખી છે
દરમિયાન મુકેશે લૂંટારૂ આવ્યા હોય તેણે બાંધી દીધો હોવાનું રટણ કર્યું હતું. અને પત્ની શિલ્પાને પણ હાથ અને મોઢે સેલો ટેપ બાંધી દીધી હોવાનું કહ્યું હતું. ત્યારે શિલ્પા બેભાન ઘરમાં પથારીમાં પડી હતી.આ દરમિયાન શિલ્પાના ફૈઈ આ વિસ્તારમાં જ રહેતું હોય તેમણે શિલ્પાના પિતા મહેશભાઈને જાણ કરી હતી. દરમિયાન કોઈએ 108માં ફોન કરતા એમ્બ્યુલન્સના તબીબે આવી બેભાન શિલ્પાને મૃત જાહેર કરી હતી. આ તરફ બી.ડિવિઝન પોલીસ પણ દોડી આવી હતી, ત્યારે જ ત્યાં પહોંચેલા શિલ્પાના પિતાએ આક્ષેપ કર્યો હતો કે મુકેશે જ તેની દીકરી શિલ્પાને મારી નાખી છે.

શિલ્પાના શરીરમાં કોઈ ઇજા ન હતી
આ દરમિયાન મુકેશને ડાબા હાથમાં અને શરીરના અન્યભાગમાં ઇજા હોય તેને સારવારમાં ખસેડાયો હતો અને શિલ્પાના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો હતો જ્યાં શિલ્પાના શરીરમાં કોઈ ઇજા ન હોય પરંતુ તેના મોઢે અને નાકે ખાખી સેલો ટેપ વીંટી દેવાતા ગૂંગળાઈ જવાથી મોત થયાનું ખુલ્યું હતું. બીજી તરફ પોલીસે મુકેશની પૂછપરછ કરતા તેણે સ્ટોરી ઉભી કરી હતી કે, પોતે પતિ-પત્ની સુતા હતા ત્યારે મોડીરાત્રે ચારથી પાંચ શખ્સો ઘરમાં ઘસી આવ્યા હતા. અને આ ટોળકીએ બન્નેને પ્લાસ્ટીકની દોરીથી બાંધી દીધા હતા અને બન્ને મોં પર પાર્સલ પેકીંગ માટે ઉપયોગમાં લેવાતી ટેપ લગાડી દીધી હતી અને લુંટારૂઓ લુંટ કરી ભાગી છૂટ્યા હતા. જોકે તપાસમાં મુકેશે જ પત્નીની હત્યા કર્યાનું ખુલ્યું હતું અને શિલ્પાના પિતા મહેશભાઈએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી હતી.

કેયુરને પણ આરોપી બનાવાયો
પોલીસે આઈપીસી 302, 120બી, 201 મુજબ ગુનો નોંધેલો, તપાસમાં સામે આવ્યું હતું કે, પત્નીની હત્યા કર્યા પછી મુકેશે કેયુર હીરાણીને બોલાવી પોતાના હાથ અને મો પર થોડી સેલોટેપ વીંટી દેવા કહ્યું હતું. જેથી મદદગાર તરીકે કેયુરને પણ આરોપી બનાવાયો હતો. કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ ધારદાર દલીલો કરેલી કે, આરોપીના શરીરના ડાબા ભાગમાં જ ઇજા છે જેથી તેણે જમણા હાથેથી પોતાની જાતે જ ઇજા કરી ખોટી લૂંટની સ્ટોરી કરી હતી. તપાસ કરનાર પોલીસ અધિકારીએ રજૂ કરેલા પુરાવાઓ, સાહેદોની જુબાની ધ્યાને લઈ કોર્ટે વકીલ મુકેશ વ્યાસ અને આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page