ગુજરાતી પરિવારનો રાજસ્થાનમાં અકસ્માત, એક જ પરિવારના 4નાં મોત

બનાસકાંઠાના પરિવારનો રાજસ્થાનના બાડમેર નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ચારનાં મોત થયાં છે. 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે. આ પરિવાર ગુજરાતથી જસોલ (બાડમેર) દર્શન કરવા ગયો હતો અને પરત ફરી રહ્યો હતો ત્યારે સવારે આઠ વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી ટ્રકે હડફેટે લેતાં કારનો ડૂચ્ચો થઈ ગયો હતો અને ત્રણ વ્યક્તિનાં સ્થળ પર જ મોત થયાં હતાં. જ્યારે એક મહિલાને સારવાર મળે તે પહેલાં રસ્તામાં મોત થયું હતું. આ અકસ્માત એટલો ખરાબ હતો કે મહિલાઓના મૃતદેહને બહાર કાઢવા માટે કાર કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો છે.

આ ઘટના સિણધરી (બાડમેર) ક્ષેત્રના હાઈવે પર ભાટલા ગામ નજીકની છે. પોલીસે ઘાયલોને ગુડામાલાની (બાડમેર) હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બે મહિલા અને એક પુરુષનાં સ્થળ પર જ મોત થયાં હતા જ્યારે એક મહિલા અને આઠ વર્ષના બાળકને પહેલાં સિણધરી ગામની હોસ્પિટલ અવને પછી ગુડામાલાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં એક મહિલાનું મોત થયું હતું. બાળકની સારવાર ચાલી રહી છે પણ હાલત ગંભીર બતાવાઈ રહી છે.

ગુડામાલાણીના ડીઅસપી શુભકરણ ખીંચીએ જણાવ્યું કે મૃતકોમાં બનાસકાંઠાનાં ભાલડીના વતની કમલાદેવી (70), ઘાનેરાના રાજેશ કૈલાશ માહેશ્વરી (22), ધાનેરાના દ્રૌપદીબેન (65) અને મનિષાબેન (32)નો સમાવેશ થાય છે. આ મૃતકો એક જ પરિવારના છે.

મૃતક રાજેશ (રાજુભાઈ)ના ફઈ અને માસીનાં મૃત્યુ થયાં છે. જ્યારે 8 વર્ષીય મોન્ટૂની માતાનું પણ મોત થયું છે. રાજુને ચા સપ્લાય કરવાનો વેપાર હતો. આ બધા 8 સપ્ટેમ્બરે ગુજરાતના ધાનેરાના જસોલ મંદિરના દર્શન માટે ગયા હતા. આજે શનિવારે સવારે સાત વાગ્યે જસોલથી બનાસકાંઠાના ધાનેરા જવા નીકળ્યા હતા. પણ આઠ વાગ્યે પૂરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારી હતી.

Similar Posts