Monday, April 15, 2024
Google search engine
HomeGujaratઆ દાદીમાએ એવું કામ કર્યું કે આપણને સૌને એમના ચરણોમાં વંદન કરવાનું...

આ દાદીમાએ એવું કામ કર્યું કે આપણને સૌને એમના ચરણોમાં વંદન કરવાનું મન થાય

પોરબંદરમાં ભેળ-રગડાની લારી ચલાવતા હતા એવા મોહનલાલ રાણાના અવસાન બાદ એમના પત્ની મણીબેન રાણા એકલા રહે છે અને સીઝનમાં પતંગ બનાવીને તથા કેટરિંગમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અતિ સામાન્ય પરિસ્થિતિમાં જીવતા આ દાદીમાએ એક એવું કામ કર્યું છે કે આપણને સૌને એમના ચરણોમાં વંદન કરવાનું મન થાય.

વાત જાણે એમ છે કે પોરબંદરના વિદ્યુત સ્મશાન ગૃહમાં વીજળીનું બિલ બચાવવા અને સૌર ઊર્જાનો ઉપયોગ કરવા સોલાર પેનલ લગાવવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. આ માટે અંદાજીત 12 લાખ જેટલી રકમની જરૂર હતી. મણીબેનને આ વાતની જાણ થઈ એટલે મોટા મનના મણિબહેને વિદ્યુત પેનલ માટે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. લોકોને એમ થાય કે કેટરિંગનું કામ કરીને પેટિયું રળતા આ માજી વળી શું દાન આપે ?

મોહનભાઈ અને મણિબહેને મહેનત કરીને ભેગી કરેલી રકમ બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકતા જતા હતા. પતિના અવસાન બાદ આ ફિક્સ ડિપોઝિટ પાકી અને કુલ 12 લાખ અને 70 હજાર રૂપિયા મળ્યા. મરણમૂડી સમાન આ રકમમાંથી મણિબહેને 12 લાખ સોલાર પેનલ માટે દાનમાં આપવાનું નક્કી કર્યું. સ્મશાનની વ્યવસ્થા સંભાળતા લોકોએ કહ્યું પણ ખરું કે તમે બધું આપી દેશો તો પછી તમારું શું ?

મણિબહેને કહ્યું, ‘મારા માટે આ 70 હજાર રાખ્યા છે અને હજુ હાથપગ ચાલે છે એટલે ખાવા પૂરતું કમાઈ લઈશ. જરૂર પડે તો થોડી બીજી બચત પણ છે. આપણે બધાએ અંતે તો આ સ્મશાનમાં જ આવવાનું છે એટલે પોરબંદરમાંથી જે કમાયા એ પોરબંદરને જ અર્પણ કરું છું.’ મણીબહેને પોરબંદરના સ્મશાન ગૃહમાં સોલાર પેનલ ફીટ થાય અને વીજળીની બચત થાય એ માટે 12 લાખ દાનમાં આપી દીધા.

પોરબંદરના મહેર સમાજ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં મણીબેનનું જાહેર સન્માન કરવાનું નક્કી થયું તો એમણે સન્માન સ્વીકારવાની પણ ના પાડી દીધી. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ મણીબેનના ઘરે જઈને સન્માન કરવાની વાત કરી તો મણિબહેને સ્પષ્ટ કહ્યું કે ‘સન્માન કરવાના ઇરાદાથી જો મારા ઘરે આવશો તો ઘરના બારણાં બંધ કરી દઈશ. મારે કોઈ સન્માન જોઈતું નથી મેં તો મારી માણસ તરીકેની ફરજ બજાવી છે.’

એક તરફ કરોડો કમાયા પછી પણ કંઈ છૂટતું નથી એવા લોકો છે તો બીજી તરફ મણીબહેન જેવા લોકો પણ છે જે ૭૭ વર્ષની ઉંમરે કોઈ જાતની અપેક્ષા વગર પોતાનું સર્વસ્વ આપી દે છે અને આ ઉંમરે પણ જીવનનિર્વાહ માટે કામ કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page