Sunday, September 1, 2024
Google search engine
HomeGujaratસુરતમાં મહિલા પોલીસ કર્મચારીની અંતિમ ચિઠ્ઠી: ‘મને માફ કરજો, જે વ્યક્તિ પર...

સુરતમાં મહિલા પોલીસ કર્મચારીની અંતિમ ચિઠ્ઠી: ‘મને માફ કરજો, જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો તેને જ તોડ્યો’

સુરત: સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર જવા પામી હતી. આપઘાત કરતા પહેલા આ મહિલા કોન્સ્ટેબલે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું હતું કે, કોઈ પર વિશ્વાસ કરવો નહીં જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો એ વ્યક્તિ એ જ વિશ્વાસઘાત કર્યો છે. ઘટનાને પગલે પરિવારજનો દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકેથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી પરંતુ બીજા દિવસે નોકરી પર હાજર નહીં થતાં સાથી કર્મચારીઓએ અનેક વખત ફોન કર્યા હતા. તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો.

જેથી દરવાજો ખોલી અને અંદરનું દ્રશ્ય જોતા સાથી કર્મચારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી. હર્ષનાબેન ચૌધરીએ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેથી ઘટના સ્થળે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. રૂમની અંદર તપાસ કરતા રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.

માતા અને બહેનનો ઉલ્લેખ કરી અને લખ્યું હતું કે, મને માફ કરજો જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ હવે તૂટી ગયો છે. તેથી હું જીવી શકું તેમ નથી હાલ સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે જોવા જઈએ તો જે પ્રકારે તેમણે વિશ્વાસની વાત મૂકી છે તેવું જોતા પ્રેમ પ્રકરણની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાને પગલે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. પરિવારે જણાવ્યું હતું કે, જેના કારણે મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો એ વિશ્વાસ તોડનાર સામે કાયદાકીય પગલા લેવાય તેવી પરિવારે માંગ કરી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલની લાશ પરિવારને આપતી વખતે પોલીસે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપી આખરી સલામી આપી હતી.

હાલ મહિલા કોન્સ્ટેબલના આપઘાતને પગલે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. કારણકે મહિલા કોન્સ્ટેબલે તેમના પરિવારને પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વાત ના કરી હતી. મહિલા કોન્સ્ટેબલના આપઘાતને પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments