મુંબઈઃ ટીવી સિરિયલ ‘તારક મહેતા..’ની બબિતાજી એટલે કે મુન મુન દત્તા આ વખતે સાઉથ આફ્રિકાના સૌથી ઉંચા જ્વાળામુખી પર્વત માઉન્ટ કિલિમાન્જેરોમાં ટ્રેકિંગ માટે ગઈ હતી. આ પર્વતની ઊંચાઈ દરિયાની સપાટીથી 12 હજાર ફૂટ જેટલી છે. ટ્રેકિંગ દરમિયાન મુન મુન દત્તાને પેનિક એટેક આવ્યો હતો અને તેને તાત્કાલિક નીચે લાવવામાં આવી હતી.
દર વર્ષે હજારો લોકો આવે છેઃ
માઉન્ટ કિલિમાન્જેરો પર ટ્રેકિંગ કરવા માટે વિશ્વભરમાંથી હજારો લોકો આવે છે. ટ્રેકિંગ પર જતા પહેલાં ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ દરમિયાન મુન મુન દત્તા આ ટ્રેકિંગ માટે ફિટ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગેની તસવીરો પણ શૅર કરી હતી અને કહ્યું હતું કે તે ઘણી જ ખુશ છે અને તે કિલિમાન્જેરો પર ચઢશે.
અધવચ્ચે છોડ્યું ટ્રેકિંગઃ
જોકે, ટ્રેકિંગ દરમિયાન મુન મુન દત્તાને ગંભીર ક્લોસ્ટ્રોફોબિક દુખાવાનો એટેક આવ્યો હતો. જેને કારણે તેને તાત્કાલિક નીચે લાવવી પડી હતી. નીચે આવ્યા બાદ મુન મુન દત્તાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે થોડું ટ્રેકિંગ કર્યાં બાદ દુખાવાને કારણે તે નીચે આવી ગઈ હતી. આમ તો તે તેના ગ્રૂપની સૌથી સ્ટ્રોંગ વ્યક્તિ હતી. તેને વિશ્વાસ હતો કે તે સૌથી પહેલાં પર્વતની ટોચ પર પહોંચી જશે. જોકે, ભવિષ્યમાં શું થવાનું છે, તે કોઈને ખ્યાલ હોતો નથી. અલબત્ત, મુન મુન દત્તાએ હાર માની નથી અને તે પોતાના કલસ્ટ્રોફોબિયા સાથે ડિલ કરી લેશે, પછી એકવાર જરૂરથી આ પર્વત ચઢશે. ઉલ્લેખનીય છે કે મુન મુન દત્તા અત્યાર સુધીમાં 40 જેટલા દેશો ફરી ચૂકી છે. આ તેનો છઠ્ઠો ખંડ હતો.