Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratકંપારી છૂટાવી દેતો બનાવ, 15 વર્ષની દીકરી ઘરની બાલ્કનીમાં જીવતી ભુંજાઈ ગઈ

કંપારી છૂટાવી દેતો બનાવ, 15 વર્ષની દીકરી ઘરની બાલ્કનીમાં જીવતી ભુંજાઈ ગઈ

અમદાવાદના શાહીબાગમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટની આગ હકીકતમાં અમદાવાદના ફાયરબ્રિગેડ વિભાગ માટે મોટા સબકરૂપ ઘટના છે. ફાયરની ટીમના દાવા પ્રમાણે, સવારે 7.28 વાગ્યે ફાયરનો કોલ આવ્યો અને 7.32 વાગ્યે તો ફાયરની ટીમ પહોંચી પણ ગઈ હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે ચાર મિનિટમાં ફાયરબ્રિગેડના બંબા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં પહોંચી તો ગયા, પણ આગ બુઝાવતા કેમ બીજો અડધો કલાક લાગી ગયો? આ મહત્ત્વનો અડધો કલાક વેડફાયો ન હોત તો કદાચ બિચારી પ્રાંજલ આપણી વચ્ચે આજે જીવતી હોત.

આ ઘટનાના પ્રત્યક્ષદર્શી મહેશ ચોપરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ ગ્રાઉન્ડફ્લોરથી ફુવારો મારતા પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું, જેથી મેં ફાયરના સ્ટાફને સીડી(સ્નોરકેલ) ખોલવા કહ્યું, પરંતુ તેમની સીડી કોઈ રીતે ખૂલતી જ નહોતી. જેથી મેં તેમને કહ્યું, મારી સાથે આવો, બાજુના બિલ્ડિંગમાંથી પાણી નાખો. હું તેમને બાજુના બિલ્ડિંગમાં લઈ ગયો અને તેમની સાથે પાણી નખાવ્યું, પરંતુ ત્યાં સુધીમાં તો પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી. ફાયરબ્રિગેડનું પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો છોકરી બચી જાત.

ઓર્ચિડ ગ્રીન ફ્લેટની આગની ઘટનામાં સ્નોરકેલ કેમ ખૂલી નહીં એવો દિવ્ય ભાસ્કરે પ્રશ્ન કરતાં અમદાવાદ પશ્ચિમના ચીફ ફાયર ઓફિસર જયેશ ખરાડીએ જણાવ્યું હતું કે ફાયરની ટીમ પહોંચી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આમ છતાં ફાયરની ટીમ ફ્લેટની હોઝરીલનો પણ આગ બુઝાવવા માટે ઉપયોગ કર્યો હતો. સ્નોરકેલ ખૂલી નહીં એ વાત ખોટી છે અને સીડી ખુલ્લી જ હતી. લોકો તો બોલે, પણ તેમને કાંઈ ટેક્નિકલ બાબતોની ખબર નથી હોતી. અમે તો આઠમા માળેથી એક ફાયર ફાઈટરને નીચે સાતમા માળે ઉતાર્યો હતો. કમનસીબે ફાયરની ટીમ પહોંચી એ સમયે બાળકી બેભાન અવસ્થામાં હતી. ફાયરની ટીમે આગ બુઝાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યા છે. આ તો સાતમો માળ હતો, બાકી 25 માળના બિલ્ડિંગમાં આગ લાગે તોપણ ફાયરની ટીમ પાસે અધ્યતન ટેકનોલોજીનાં સાધનો છે, જેના વડે આગ બુઝાવી શકાય છે.

હવે ચીફ ફાયર ઓફિસરની દલીલ છે કે સ્નોરકેલ ખૂલી જ હતી અને કોઈ ટેક્નિકલ ફોલ્ટ એમાં આવ્યો નહોતો. જો સ્નોરકેલ ખૂલી જ હોત તો ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7મા માળે લાગેલી આગને ઓલવવા એનો ઉપયોગ શા માટે ન કર્યો? શા માટે ફાયર વિભાગે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જ ઊભા રહીને ફુવારો ચલાવ્યો અને ત્યાંથી જ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો. શા માટે તેમણે સ્નોરકેલ વડે સૌથી પહેલા પ્રાંજલને રેસ્ક્યૂ ના કરી? આવા પ્રશ્નોના ફાયર વિભાગ પાસે કોઈ જવાબ નહોતા.

ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7મા માળે લાગેલી આગને નીચેથી વીસેક મિનિટ સુધી પાણીનો મારો ચલાવવા છતાં ઓલવી શકાતી નહોતી. આ સ્થિતિમાં ફ્લેટના જ રહીશ ફાયરબ્રિગેડને સામેની વિંગમાં 7મા માળે લઈ ગયા હતા. ત્યાં જઈને ફાયરના લાશ્કરોએ સીધો સામેના જ ફ્લેટ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આ કારણે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તેના માંડ અડધો કલાક પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હવે ચીફ ફાયર ઓફિસરની વાત મુજબ સ્નોરકેલ ખૂલી જ ગઈ હતી તો પછી સામેની વિંગમાં જઈને પાણીનો મારો કેમ ચલાવવો પડ્યો, આનો જવાબ કોઈની પાસે નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page