Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગોધરાના ખેડૂતની દીકરી ફોરેનમાં ઉડાડે છે પ્લેન, જુઓ તસવીરો

ગોધરાના ખેડૂતની દીકરી ફોરેનમાં ઉડાડે છે પ્લેન, જુઓ તસવીરો

આજના યુગમાં યુવાવર્ગ જે ધારે એ કરી બતાવે છે. અમુક યુવાઓ રખડપટ્ટીમાં સમય કાઢે છે ત્યારે અમુક પોતાનાં સપનાઓ પૂરાં કરવામાં. માતા પિતા ઇચ્છતા હોય છે કે, મારો દીકરો કે દીકરી દેશ અને દુનિયામાં એમનું નામ રોશન કરે. અમુક માતાપિતાએ તો જે સપનાઓ જોયાં હોય એ એમનાં દીકરા-દીકરીઓ પર ઊતરી આવે છે. ‘કાળા માથાનો માનવી જે ધારે એ કરીને બતાવે’ આ કહેવતને શૈલેષ ચુનીલાલ રાણાની દીકરીએ સાર્થક કરી બતાવી છે. ગોધરા સ્થિત અને ખેતીકામ કરતા શૈલેષભાઈની દીકરી અમીબેન રાણા જે હાલ દક્ષિણ આફ્રિકા ખાતે પાઇલટની ટ્રેનિંગ લઈ રહી છે. તેણે ઉચ્ચ અભ્યાસ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

અમીએ ત્રણ વર્ષનો કોર્સ ડિસ્ટ્રિક્શન સાથે પાસ કર્યો
ગોધરા શહેરના કાછિયાવાડ વિસ્તારમાં આવેલી રાણાની શેરી ખાતે રહેતા શૈલેષભાઈ ચુનીલાલા રાણાની દીકરી અમીબેન રાણાએ ગોધરા શહેરમાં આવેલી શારદા બાલમંદિર ખાતે 1થી 12 ધોરણનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે B.Sc. એવિએશન કોર્સમાં એડમિશન લીધા બાદ ડિસ્ટ્રિક્શન માર્કસ સાથે પાસ થઈ હતી. જેઓ હાલ દક્ષિણ આફ્રિકા ખાતે કોમર્શિયલ પાઇલટની ટ્રેનિંગ લઈ રહી છે.

માતાપિતાની ઇચ્છા દીકરીને ડોક્ટર બનાવવાની હતી
પિતા શૈલેષભાઈ રાણા અને માતા ગીતાબેનને પોતાની દીકરીને મેડિકલ લાઈનમાં અભ્યાસ કરીને ડોક્ટર બનાવવી હતી, પરંતુ નાનપણથી અમીને પાઇલટ બનવાની જ ઈચ્છા હતી. જેથી તેણે પોતાનું સપનું સાકાર કરવા તનતોડ મહેનત કરી, જેનું તેને યોગ્ય ફળ મળ્યું છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા અમીના પિતાએ જણાવ્યું હતુ કે, આજના સમયમાં દીકરી એક દીકરા સમાન છે. મારી દીકરીએ પાઇલટ બનવા માટે જે પ્રયાસો કર્યા છે, એમા મેં એને પુરેપુરો સાથ સહકાર આપી પાઇલટનું લાયસન્સ મળે એના માટે અમીને દક્ષિણ આફ્રિકા ભણવા માટે મોકલી છે. ત્યારે વધુમાં એમણે જણાવ્યું હતુ કે, મારી ઇચ્છા અમીને ડોક્ટર બનાવવાની હતી, પણ અમીએ એની ધગશથી એવિએશનની લાઈન પકડી. ત્યારે અમે સૌ એની હિમ્મતનો એક ભાગ બનીને એને સાથ સહકાર આપ્યો હતો.

માતાએ સંતાનો પ્રગતિ કરે એવા આશીર્વાદ પાઠવ્યાં
બીજા અન્ય ત્રણ સંતાનો અલગ અગલ ફિલ્ડમાં છે એના વિશે જણાવતા શૈલેષભાઈ રાણાણે કહ્યું કે, બધા પોતાની રીતે પગભર થઈ પ્રગતિના શિખરો પાર કરે એવી અમારી અભિલાશા છે. બાળકોની કારકિર્દી માટે એમણે કહ્યું કે, મેં ખેતી કરી અને બેંકમાંથી લોન લઈને ભણાવ્યા છે. એમની કારકિર્દી આગળ વધે એ માટે અમે પુરેપુરો પ્રયત્ન કર્યો છે. અમી પાઇલટ બની રહી છે એના વિશે માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી પર મને ગર્વ છે, એ એની મહેનતથી આગળ વધી છે અને આજે એનું સપનું પુરુ કરવા માટે એ દક્ષિણ આફ્રિકા ગઈ છે. વધુમાં એમણે ચારેય સંતાનોને આગળ વધી પ્રગતિ કરે એવા આશીર્વાદ પાઠવ્યાં હતા.

ખેતમજૂરી કરીને પણ સંતાનોનાં સપનાં સાકાર કર્યાં
શૈલેષભાઈ રાણા શરૂઆતમાં ઈંટોનો વ્યવસાય કરતા હતા, પરંતુ કોરોનાની ચાલેલી ભયંકર મહામારીના કારણે ધંધો પડી ભાગતાં તેઓને ધંધો બંધ કરવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ તેઓએ પોતાના ખેતરમાં જ ખેતીકામ કરવાનું ચાલુ કર્યું, અને હાલ ખેતરમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શૈલેષભાઈ ખેતીકામ કરતા હોવા છતાં પણ પોતાની ત્રણ દીકરીઓ અને એક દીકરાની કારકિર્દી બાબતે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને પોતાનું સંતાન આગળ વધે તે માટે સતત પ્રયાસ કરતા રહ્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમણે બેંકમાંથી લોન લઈ અને બાળકોની કારકિર્દી બને તે માટે દિવસ-રાત એક કરી રહ્યા છે.

પિતા ભલે ખેડૂત પણ બાળકો એજ્યુકેટેડ
અમી સાઉથ આફ્રિકાના જહોનીસબર્ગની વુલ્ડન નામની ઇન્સ્ટિટ્યૂટમાં પાઇલટની ટ્રેનિંગ લઈ રહી છે. જ્યારે તેમનાં ભાઈ-બહેનોમાં એક બહેન સિવિલ હોસ્પિટલમાં એકાઉન્ટટની જોબ કરે છે. બીજી બહેન હેલ્થ કેર કંપનીમાં મેડિકલ કોડરની કામગીરી કરી રહી છે. જ્યારે અમીનો ભાઈ ભાવિન રાણા આવતા મહિને લંડન ખાતે એકાઉન્ટ ફાઈનાન્સના અભ્યાસ માટે જઈ રહ્યો છે. અમીના ભાઈએ એકાઉન્ટ ફાઈનાન્સના અભ્યાસ વિશે જણાવતા કહ્યું કે, મારું પહેલાથી સપનું હતુ કે મારે બહાર જવું છે. એના માટે મારા માતાપિતાએ મને સપોર્ટ કર્યો છે. આટલા વર્ષોથી મને ભણાવ્યો છે તો હવે હું એકાઉન્ટ ફાઈનાન્સ માટે બહાર જઈ રહ્યો છું. હાલ હું બહાર જવાની તૈયારી કરી રહ્યો છું, ત્યાં જઈ પહેલા મારો અભ્યાસ પુરો કરીશ ત્યાર બાદ જોબ કરીશ. એકાઉન્ટ ફાઈનાન્સ વિશે એણે વધુ જણાવતા કહ્યું હતુ કે, બિઝનેસ રિલેટેડ મારી જોડે સારી એવી સ્કિલ છે. હું મારા આભ્યાસ દરમિયાન ઘણુંબધુ સિખ્યો પણ છું, મારે આગળ જઈને બિઝનેસ એનાલિસ્ટ બનવું છે. એટલે હું આ કોર્ષ કરવા માટે બહાર જઈ રહ્યો છું.

અમી પોતાના સપનાનું પહેલું પગથિયું ચડી
અમી રાણાએ પરિવાર સાથે ગોધરાનું નામ ગુજરાતભરમાં રોશન કર્યું છે. આમ તો પંચમહાલ જિલ્લાને પછાત અને આદિવાસી કહેવામાં આવે છે. ત્યારે આ ગોધરાની દીકરીએ આ છાપને ક્યાંક ને ક્યાંક ભૂસવાનો પ્રયત્ન કર્યો છે. નરેન્દ્ર મોદી કહેતા હતા કે, અમારા આદિવાસી દીકરા-દીકરીઓ આવનારા દિવસોમાં વિમાન ઉડાવશે તે હકીકત પુરવાર થઈ રહી છે. અમી રાણા હાલમાં કોમર્શિયલ પાઇલટની ટ્રેનિંગ લઈ રહી છે અને તેણે પહેલું પ્લેન ઉડાવી પોતાનાં સપનાંને સાકાર કરી બતાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page