Monday, April 15, 2024
Google search engine
HomeGujaratઅમેરિકા અમેરિકા કરતાં રહેતા ગુજરાતીઓને આ કાકાએ જબ્બર રીતે ઉઘાડા પાડ્યા

અમેરિકા અમેરિકા કરતાં રહેતા ગુજરાતીઓને આ કાકાએ જબ્બર રીતે ઉઘાડા પાડ્યા

કલોલના પટેલ પરિવારના ચાર-ચાર લોકોના યુએસ-કેનેડા બોર્ડર પર ધ્રુજાવી દેતા મોતના બનાવે બધાને વિચારતા કરી મૂક્યા છે. આમ છતાં ગુજરાતીઓનો અમેરિકા પ્રત્યેના મોહ હજી ઓછો થયો નથી. જાણકારો કહી રહ્યા છે કે અમેરિકામાં પણ જીવન એટલું સરળ નથી, ત્યાં પણ સખત મહેનત-મજૂરી કરવી પડે છે. આવો જ એક કાકાનો વીડિયો હાલ સખત વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અમેરિકામાં એક કાકા ખેતરમાં મરચા તોડતા તોડતા પોતાની વ્યથા રજૂ કરે છે. કાકા વીડિયોમાં કહી રહ્યા છે કે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા આવીને મરચા તોડવા કરતાં ભારતમાં જ ખેતી કરી હોત તો સારું હોત. કાકાનો આ વીડિયો સખતનો વાઈરલ થયો છે. વીડિયો અંગે લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ આપી રહ્યા છે. તો આવો જાણીએ વીડિયોમાં દેખાતા આ કાકા કોણ છે? શું છે વીડિયોની હકીકત?

શું હતું વાઈરલ વીડિયોમા
અમેરિકાના ખેતરમાં મરચા તોડતા તોડતા કાકા કહે છે, ”આ જુઓ લોકો કહે છે અમેરિકા અમેરિકા. અહીંયા બેસીને આ ટી-શર્ટ અને ઘળિયાળો પહેરીને મરચા વીણીએ છીએ. અને પાછા તમારા દેશવાળા બધાને એમ કહો છો ચાલો અમેરિકા ચાલો અમેરિકા. તો શું અહીં મરચા તોડવા જ આવ્યા? ત્યાં ઈન્ડિયામાં જ મરચા તોડ્યા હોત તો આવું પડેત અહીંયા? આવી ગયા લ્યો અહીં અમેરિકા અમેરિકા કરતાં 65 લાખમાં, 50 લાખમાં, 20 લાખમા. અહીં આગળ મરચા તોડવાના વારા આવ્યા છે ભાઈ. આ ખેતરમાં કપાસ વીણવા પણ જવું પડે. સામે બહુ જ કપાસ છે. જો આ કપાસની ઢગલીઓ કરી. એ કપાસ વીણવા જવું પડે. પાણી વાળવા પણ જવું પડે. એના કરતાં ત્યાં જ ખેતરોમાં કામ કર્યું હોત તો? અહીં શેનું આવવાનું થાત. અમે તો જો ભાઈ મરચા વીણીએ છીએ. આવો આવો બધા અમેરિકા હજી આવો. અહીં મરચા વીણીનો મેકડોનાલ્ડ્સ અને ટાકો બેલમાં આપો. આ પાપડીના મરચા છે, તીખા લ્હાય જેવા. અહીંના વાળા તો ન ખાય. આપણે જ ખઈએ. આવો ત્યારે ચરોતરમાંથી આવવા માંડો રમ રમાય કરતાં. હાલો ત્યારે બહુ બધું થયું જય માતાજી જય સ્વામિનારાયણ….”

શું છે આ વાઈરલ વીડિયોની હકીકત?
આ વીડિયો વર્ષ 2019નો છે. વીડિયોમાં જે વ્યક્તિ બોલે છે તેમનું નામ પ્રદીપભાઈ પટેલ છે. મૂળ નડિયાદના વતની પ્રદીપભાઈ પટેલ વર્ષ 2019માં અમેરિકાના જ્યોર્જિયામાં રહેતી તેમની દીકરીને ત્યાં ગયા હતા, ત્યારે આ વીડિયો ઉતાર્યો હતો. આ અંગે ખુદ પ્રદિપભાઈએ ગુજરાતી ન્યૂઝ ચેનલ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ”અમેરિકા વિઝિટ વખતે મારું રહેઠાણ જ્યોર્જિયા હતું. અહીંથી હું સાઉથ કેરોલિનના ઓરેન બર્ગ નામના ટાઉનમાં રહેતા મારા મિત્રને ત્યાં હોલિડે ગાળવા ગયો હતો. અહીં હું ચાર-પાંચ દિવસ રોકાયો હતો. બાદમાં મારો મિત્ર મને તેના મિત્રના ફાર્મ પર લઈ ગયો હતો. જ્યાં તેણે મરચાના થોડા છોડ વાવ્યા હતા. મને મારો મિત્ર કહે ‘ચાલ ને ફાર્મ પર થઈ આવીએ છીએ, તારા ઘર માટે થોડા મરચા લેતો જા’. એટલે અમે મરચા તોડવા ગયા. એટલે જસ્ટ મારો ફ્રેન્ડ મને કહે છે કે ‘ઉભો રહે ફોટા પાડીએ’. એટલે મેં કહ્યું ‘ના ના તું ફોટો ન પાડ, વીડિયો ઉતાર’. એટલે હું મરચા તોડતો હતો અને મારા ફ્રેન્ડે વીડિયો ઉતાર્યો. મારા કુંટુંબીજનોને દેખાડવા માટે મેં એ કોમેન્ટરરી આપી હતી. આ વીડિયો ટોટલી ફની હતો.”

ગેરકાયદે જતાં લોકોને મેસેજ આપવા પ્રતિકાત્મક રૂપે બનાવ્યો હતો વીડિયો
પ્રદિપભાઈએ આગળ જણાવ્યું હતું કે ”અમે મૂળ તો ખેડૂત છીએ. મરચા ઘરે ખાવા માટે જ તોડ્યા હતા. ન તો વેચવા તોડ્યા હતા કે ન તો હું ત્યાં મજૂરી કરતો હતો. મારી દીકરી-જમાઈનું ત્યાં સરસ સેટલમેટ છે. મારે તો બસ અહીં ગુજરાતના લોકોને કહેવું હતું કે તમે તમારી જાતને જોખમમાં મૂકીને, માતાપિતાની માલમિલકત વેચીને કે 10-12 ટકાએ વ્યાજે પૈસા લાવીને ન જશો. બે નંબરથી જે ભણેલા-ગણેલા યુવાનો એજન્ટો દ્વારા છેતરાય છે તેમને મેસેજ આપવો હતો. મારે આ લોકોને કહેવું હતું એટલે પ્રતિકાત્મક રીતે વીડિયો બનાવ્યો હતો. એમાં પણ ખાસ મારા કુંટુંબીજનોને બતાવવામાં માટે ઉતાર્યો હતો.”

ભારતમાં સારું કમાતા હોવ તો વિદેશનો મોહ છોડી દો
હાલમાં કલોલનો પરિવારના ચાર લોકોના કેનેડામાં મોત અંગે તેમણે કહ્યું કે, ”હું ત્યારે પણ (વર્ષ 2019)માં એક જ સંદેશો આપવા માંગતો હતો અને અત્યારે પણ એ જ સંદેશો આપવા માંગું છું કે આ કલોલ તાલુકાનો પરિવાર 11 કલાક બરફમાં ચાલ્યો અને છેવટે બરફ દટાઈને મોત મળ્યું, હવે તેમના પરિવારની શું સ્થિતિ હશે? માટે હું આજના યુવાનો અને તેમના માતા-પિતાને કહેવા માંગું છું કે વિઝા લીગલી હોય તો જ જાવ. તમે તમારી જાતને અને માતા-પિતાની મિલકતને જોખમમાં ન મૂકો. લીગલી જવાતું હોય તો જ જાવ, પણ ગેરકાયદે ન જાવ એવી મારી સર્વ મારા મિત્રોને અપીલ અને પ્રાર્થના છે. હું માતા-પિતાને પગે લાગું છું કે દીકરાઓને આવા જોખમભર્યા નિર્ણયો લઈને ન મોકલો. ત્યાં ચોક્કસ સારું છે. લીગલી હોવ તો જાવ. તેમજ તમે ભારતમાં સેટલ હોવ અને સારું કમાતા હોવ તો વિદેશનો મોહ છોડી દો.”

અમેરિકામાં ડોલર છે પણ સાથે ખૂબ મજૂરી પણ છે
તેમણે કહ્યું કે ”અમેરિકામાં ખૂબ મજૂરી કરવાની છે. મારી દીકરી સવારે સાડા પાંચ વાગ્યે ઉઠીને 45 માઈલ કાર ડ્રાઈવ કરીને પોતાનો સ્ટોર ખોલે છે. બપોરે 2 વાગ્યે એનો સ્ટાફ આવે ત્યારે ઘરે પાછી આવે છે. ત્યાં એવી સખત મજૂરી છે એવી મારી લાઈફમાં ઈન્ડિયામાં જોઈ નથી. જો આવી મજૂરી ઈન્ડિયામાં કરતા હોય તો ત્યાંના જેવું જ સોનું અહીં પાકે એવું છે. ત્યાં 8 કલાક બેસવા માટે ખુરશી નથી. કોલ્ડ્રીંક્સના કેરેટ પર બેસવું પડે છે. કસ્ટરમર આવે એટલે તરત સર્વિસ આપવી પડે. ત્યાં 12 કલાક સતત મહેનત અને મજૂરી છે. પછી રોજીરોટી મળે છે. ત્યાં સહેલાઈથી ડોલર કે પાઉન્ડ મળતા નથી. મેં લંડનની પણ ટ્રીપ કરી છે. મારું એટલું જ કહેવું છે કે લીગલી હોય તો તમે જાવ.”

હું જે દેશમાં જન્મ્યો એ દેશમાં જ મરવા માગીશ
પ્રદિપભાઈએ કહ્યું કે ”વીડિયો વાઈરલ થયા બાદ લોકો મને કહે છે કે કાકા તો શું જખ મરાવા ગયા હતા? મેં તેમને કહ્યું કે હું એ રીતે ગયો જ નહોતો. હું તો ફરવા માટે ત્યાં ગયો હતો. મારે ત્યાંની રહેણીકરણી જોવી હતી એટલે ગયો હતો. અને એ માટે મેં લીગલી વિઝા લીધા હતા. હું સારી રીતે ત્યાં પહોચ્યો ત્યાં રહ્યો અને સારી રીતે એન્જોય કરી પાછો આવ્યો. આ એક ફન તરીકે વીડિયો બનાવ્યો હતો. હું લીગલી છું એટલે અમેરિકા આવ-જા કરું છું. હું ત્યાંનું સ્ટેટ્સ એટલા માટે નથી લેતો કારણ કે મને મારા ભારત પ્રત્યે પ્રેમ છે. હું જે દેશમાં જન્મ્યો એ દેશમાં જ મારો અંતકાળ આવે અને અહીં જ મને અંતિમ સંસ્કાર આપવામાં આવે. મને મારા વડાપ્રધાન પ્યારા છે મને મારા ગુજરાતીઓ પ્યારા છે. માટે હું ગ્રીન કાર્ડ મળે છે તો પણ અમેરિકા જવા માંગતો નથી. મારા તો આવા 8-10 મિત્રો છે જેણે ગ્રીન કાર્ડ પાછું સોંપી દીધું છે. ત્યાં જઈને બેસી રહેવાનો કોઈ મતલબ નથી. અહીં તો હું સેવા પણ કરી શકું. મંદિરમાં પણ જઈને સેવા કરી શકું. એટલે ત્યાં જેટલી મજૂરી છે એની અડધી મજૂરી કરીને અડધો રોટલો ખાવ પણ બે નંબરમાં ન જાવ.”

ભારત અમેરિકા કરતાં પણ સારું છે
પ્રદિપભાઈએ ઉમેર્યું કે ”અમેરિકા પણ સારું છે, ભારત તેના કરતાં પણ સારું છે. નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે સ્વચ્છતાના આગ્રહી છે અને દેશને આગળ લઈ જવામાં મદદરૂપ થઈ રહ્યા છે. અને અમેરિકા જેવું જ વાતાવરણ અહીં સર્જી રહ્યા છે. વડીલો તરીકે મારા મારા હાર્ટથી તેમને સલામ કરું છું. ”

દીકરાએ વીડિયો વાઈરલ કર્યો
પ્રદિપભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ”મને નોહતી ખબર કે મારો દીકરો આ વીડિયોને ફેસબૂક પર વાઈરલ કરશે. અને આટલી લાઈક મળશે. જે મને નહોતા ઓળખતા અને જે મારા બાળપણના મિત્રો છૂટા પડી ગયા હતા એ લોકો આ વીડિયો દ્વારા મારી સાથે ફરી જોડાયા છે. ”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page