તમે પણ આ ખેડૂતભાઈઓ પાસેથી લઈ શકો છો Tips ને ખેતીમાંથી કરી શકો છો કરોડોની કમાણી

Ajab Gajab Featured

લખનઉઃ આજે પણ ખેતીના વ્યવસાયને સારી રીતે જોવામાં આવતો નથી અને ખેડૂતો પણ કામચલાઉ કમાણી કરીને સંતોષ માને છે. ખેડૂતોમાં આત્મહત્યા કરવાનો દર પણ ઊંચો છે. જોકે, યુપીના બે ભાઈ શશાંક તથા અભિષેક આધુનિક ખેતીના દમ પર કરોડોની કમાણી કરી રહ્યાં છે.

શશાંક ભટ્ટ એમબીએ છે પરંતુ તેણે ખેડૂત બનાવનો નિર્ણય લીધો હતો. એમબીએ બાદ તેને નોકરી મળી પરંતુ તેમાં તેને મજા ના આવી અને પછી તેણે કંઈક અલગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેમાં તેના મોટાભાઈ અભિષેકનો સાથ મળ્યો હતો. અભિષેકે બીટેક પૂરું કર્યુ હતું અને તે પોતાના ભાઈ સાથે કંઈક અલગ કરવાની રાહ પર નીકળી પડ્યો હતો. શશાંકે કહ્યું હતું કે વર્ષ 2010માં એમબીએ પૂર્ણ કર્યા બાદ 2011માં તેને ખેતી પ્રત્યે લગાવ થયો હતો જેમાં તેના મામા રાજીવ રાય પહેલેથી જ આધુનિક ખેતી કરતાં હતાં. મામા પાસેથી શશાંક ખાસ્સું શીખ્યો હતો. શરૂઆતના દિવસોને યાદ કરતાં શશાંકે કહ્યું હતું કે મધ્યમવર્ગીય પરિવાર હોવાને કારણે શરૂઆતમાં કોઈ આ વાત માનવા તૈયાર નહોતું. પરિવારને ખેતીમાં જવાનો નિર્ણય સમજાવવામાં ખાસ્સી વાર લાગી. ઘરના લોકોએ પરવાનગી આપતા તેણે દેશભરમાં ફરીને આધુનિક ખેતીની માહિતી ભેગી કરી. યુપી આજે પણ ખેતીના મામલે પાછળ છે. તેણે આધુનિક ખેતી નાના સ્તર પર શરૂ કરી હતી.

શશાંકના મતે, આધુનિક ખેતીની માહિતી માટે હવે લોકો તેમની પાસે આવે છે. શરૂઆતમાં માત્ર પાંચ એકર જમીમાં શિમલા મિર્ચ વાવ્યાં હતાં. આજે શશાંક 22 એકરથી વધુ જમીનમાં શિમલા મિર્ચની સાથે, ફ્લાવરની ખેતી કરે છે.

કમાણી પર વાત કરતાં શશાંકે કહ્યું હતું કે શરૂઆતનો સમય મુશ્કેલ હતો પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ વસ્તુઓ બદલાઈ. આજે તેઓ 15 કરોડની કમાણી કરે છે. તેણે ભાઈની સાથે એગ્રીપ્લાસ્ટ નામની કંપનીની સ્થાપના કરી છે, જે ખેતી સાથેનું કામ કરે છે. આ કંપની મોટી સંખ્યામાં ખેડૂતોને સાંકળીને આધુનિક ખેતીનું શિક્ષણ આપે છે.

શશાંકે કહ્યું હતું, તેમની વેબસાઈટ પરથી તેમનો સંપર્ક કરી શકાય છે. કોલ સેન્ટર પણ બનાવ્યું છે, જ્યાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. શશાંકના મતે, યુપીના ખેડૂતો હજી પણ આધુનિક ખેતી કરતાં નથી, જેથી મહેનત કર્યાં બાદ પણ પૂરતી કમાણી થતી નથી.

શશાંક ભાઈની સાથે મળીને ખેડૂતોને આધુનિક ખેતી અંગે સમજાવી રહ્યો છે. શશાંકે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજાર ખેડૂતોને આધુનિક ખેતી કરતાં કર્યાં છે. તેઓ ભવિષ્યમાં ખેડૂતોને વધુ ફાયદો થાય તે રીતની ટેકનિક વિકસાવવા માગે છે. શશાંકના મતે, ખેતીને લઈ સરકારે સબિસિડી આપે છે, જેથી આગળ વધવામાં મદદ થશે.

શશાંકના મતે, નાનો કે મોટો ખેડૂત સરળતાથી આધુનિક ખેતી કરી શકે છે. આજે મોટી સંખ્યામાં યુવાનો કોલેજમાંથી પાસ આઉટ થયા બાદ ખેતી તરફ લગાવ ધરાવે છે. તે લોકોને અપીલ કરવા માગે છે કે ખેતરો વેચીને શહેરમાં જવાને બદલે આધુનિક ખેતથી સારી કમાણી કરી શકાય છે.

સાભારઃ યોર સ્ટોરી.કોમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *