Friday, April 19, 2024
Google search engine
HomeGujaratએક વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન, જાણો ક્યાં જિલ્લામાં કેટલું થયું મતદાન?...

એક વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન, જાણો ક્યાં જિલ્લામાં કેટલું થયું મતદાન? સંપૂર્ણ માહિતી વિગતવાર…

ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. તેમજ અનેક વિસ્તારોમાં મતદારોની લાઈનો લાગી છે. પ્રથમ ત્રણ કલાકમાં 19 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 39 ટકા અને સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 29 ટકા મતદાન થયું છે. 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.74 ટકા મતદાન થયું છે.

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. જ્યારે તેમના માતા હીરા બા ગાંધીનગરમાં મતદાન કરશે.

મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનુ છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું.

અમદાવાદના નારણપુરા તથા વડોદરાની પાદરા સીટ પર EVM ખોટકાયા છે. જ્યારે મોડાસાના સીકામાં પણ EVM ખોટવાયું છે. વડોદરના અટલાદરમાં જ્ઞાન વત્સલ સ્વામી સહિત સ્વામીનારાયણના સંતો મતદાન કરવા ઊમટ્યા હતા.

2.51 કરોડ મતદારો નક્કી કરશે 833 ઉમેદવારોનું રાજકીય ભાવિ
93 બેઠકોમાંથી 74 સામાન્ય તો 6 એસ.સી. અને 13 એસ.ટી. બેઠક છે. કુલ 2.51 કરોડ મતદારોમાંથી 1.22 કરોડ મહિલા છે. 18થી 19 વર્ષના 5.96 લાખ મતદારો છે. 9 વર્ષથી વધુ વયના 5400 મતદાર છે. બીજા તબક્કાની 93 સીટમાંથી ભાજપને 51, કોંગ્રેસને 39 અને અપક્ષને 3 સીટ મળી હતી.

આ છે હાઈપ્રોફાઇલ બેઠકો
આજે જે સીટ પર મતદાન થઈ રહ્યું છે તેમાં મહત્ત્વની ગણાતી બેઠકોમાં અમદાવાદ ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ,વડગામ ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલું, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરેનો સમાવેશ થાય છે.

જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં જાણીતા ઉમેદવારો કોણ?
બીજા તબક્કામાં મુખ્યમંત્રી અને અન્ય 8 મંત્રીઓ મેદાનમાં છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મનીષા વકીલ, અર્જુન ચૌહાણ વગેરે છે. ઉપરાંત, 2017માં વિવિધ આંદોલનના ચહેરા બનેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પણ ઉમેદવાર છે. ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ છે.

પહેલા તબક્કાની બેઠકોમાં 2017માં કેટલું મતદાન થયું હતું?
આ 93 બેઠકો પર 2017માં 70.76 ટકા મતદાન થયું હતું. 2017માં બન્ને તબક્કામાં મળી 69 ટકા મતદાન થયું હતું. 2017માં મધ્ય,ઉત્તર ગુજરાતમાં ભાજપને 46.86 ટકા અને કોંગ્રેસને 42.83 ટકા મત મળ્યા હતા.

ઉમેદવાર અને મતદાર, ક્યાં સૌથી વધુ અને ક્યાં ઓછા?
બાપુનગર બેઠકમાં સૌથી વધારે 29 ઉમેદવાર છે તો ઇડરમાં સૌથી ઓછા ત્રણ ઉમેદવાર છે. બાપુનગરમાં 2.07 લાખ મતદારોની સામે ઘાટલોડિયામાં 4.28 લાખ મતદાર છે. રાજ્યમાં કુલ 26409 મતદાન મથકોમાંથી 8533 શહેરી વિસ્તારોમાં તો 17876 ગ્રામ્ય વિસ્તારોમાં છે.

મતદાન માટે કયા દસ્તાવેજો સાથે રાખવા?
મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC, આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન ડોક્યુમેંટ, સર્વિસ ઓળખપત્ર વગેરેનો સમાવેશ થાય છે.

ગાંધીનગર દક્ષિણઃ અલ્પેશ ઠાકોરનું પાણી મપાઈ જશે
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર તરીકે ભાજપના સ્થાનિક કાર્યકરોએ સ્વીકાર્યા છે. ભાજપના કાર્યકરો કામે તો લાગી જ ગયા છે, પરંતુ સ્થાનિક સિનિયર આગેવાનોને ટિકિટ ના આપતાં આંતરિક રોષ તો જોવા મળી જ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક પાટીદાર ઉમેદવાર હિમાંશુ પટેલ છેલ્લા એક વર્ષથી પ્રચાર કામમાં લાગી જતાં મજબૂત ગ્રાઉન્ડ ઊભું કરી શક્યા છે તેવા દાવા થઈ રહ્યા છે. આમ, આંતરિક રોષ અને મજબૂત ગ્રાઉન્ડ લેવલ વચ્ચે ભાજપ આ બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સીટ પર સીધી શાહની નજર પણ મંડાયેલી છે.

બાયડઃ બળવાખોર પૂર્વ MLA ભાજપ માટે મોટો પડકાર
બાયડ બેઠક પર ભાજપના ભીખી પરમાર ઉમેદવારી કરી રહ્યાં છે. બીજી તરફ પેટાચૂંટણીમાં હારી ગયેલા ભાજપના ધવલસિંહ ઝાલાએ ટિકિટ ના મળવાને કારણે અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા જીત મેળવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભાજપને આંતરિક રોષનો ભોગ બનવું ના પડે એની દરકાર રાખવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, જો ધવલસિંહ ઝાલા ભાજપની વોટબેંક તોડવામાં સફળ થાય તો ભાજપ માટે આ સીટ બચાવવી મુશ્કેલ બની શકે છે.

વીસનગરઃ ડેરી લેવા જતાં વિધાનસભા સીટ ગુમાવશે?
પાટીદાર આંદોલનની અસર હોવા છતાં 2017માં વીસનગર સીટ પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 2869 મતથી વિજેતા બન્યા હતા. જ્યારે કોંગ્રેસે કિરીટ પટેલને ટિકિટ આપી છે. આ સીટ પર ચૌધરી સમાજના 25 હજાર કરતાં વધુ મત હોવાથી તેમના મત નિર્ણાયક માનવામાં આવે છે. વિપુલ ચૌધરી હાલ દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ કરવાના આરોપસર જેલમાં છે. થોડા સમય પહેલાં મહેસાણા પોલીસે તેમની ધરપકડ કરી હતી. મહેસાણા કોર્ટે તેમના જામીન નામંજૂર કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. ત્યાર બાદ અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજી પણ અર્બુદા સેના દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરીના સમર્થકોને હરાવીને ઋષિકેશ પટેલ અને અશોક ચૌધરીએ સત્તા મેળવી છે, જેનો વિરોધ અર્બુદા સેના કરી રહી હોવાથી ભાજપ માટે આ બેઠક સંવેદનશીલ છે.

આંદોલનકારી રહેલા હાર્દિક પટેલની અગ્નિપરીક્ષા
વિધાનસભા ક્રમાંક-39, એટલે કે વિરમગામ વિધાનસભામાં એવું કહેવાય છે કે જેની સરકાર હોય તે સરકારની વિરુદ્ધનો ધારાસભ્ય હોય. છેલ્લાં 10 વર્ષથી અહિં કોંગ્રેસની સરકાર છે. ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં તેજશ્રીબહેન પટેલને ભાજપમાંથી ટિકિટ મળી હતી. પરંતુ જનતાએ તેમને પક્ષપલટું કહીને જાકારો આપ્યો હતો. વિરમગામ વિધાનસભા માટે નિર્ણાયક ગણાતા વિસ્તાર એવા નળકાંઠામાં ખૂબ પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસના પ્રેમજીભાઈ વડલાણીના કારણે વર્ષોથી નળકાંઠો કોંગ્રેસનો ગઢ રહ્યો છે પરંતુ હવે પ્રેમજીભાઈ આ દુનિયામાં નથી ત્યારે આ વખતે નળકાંઠો કોના તરફ રહેશે તે પણ મહત્ત્વનો વિષય છે. ત્યારે આ વખતે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપી છે ત્યારે જોવાનું એ છે કે આ વખતે પણ વિરમગામ પક્ષ પલટો કરનારને હરાવશે કે વિરમગામની ગાદી પર બેસાડશે.

વડગામમાં અચાનક જ ભાજપની તાકાત કેમ વધી ગઈ?
ભૌગોલિક પરિસ્થિતિમાં લાંબો પહોળો વિસ્તાર એવા વડગામ તાલુકાનાં 110 ગામ અને પાલનપુર તાલુકાનાં 34 ગામ આવેલાં છે. મુસ્લિમોના 90 હજાર મત છે. કોંગ્રેસ માટે મજબૂત પોકેટ જોઈએ તો છાપી વિસ્તારમાં રહેતી મુસ્લિમ વસતિ, જેમાં 15 ગામનો સમાવેશ થાય છે. ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર વિજેતા થયેલા જિજ્ઞેશ મેવાણી અને ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તી વચ્ચે 20 હજાર મતનો તફાવત હતો. આ દરમિયાન હવે માહોલ બદલાયો છે. હવે વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે, જેથી ભાજપની તાકાત વધી છે અને ભાજપ મજબૂત બન્યો છે.

જીત માટે મેવાણીને કેમ લોઢના ચણા ચાવવા પડશે?
આ બેઠક પર મેવાણીને ઘેરવા માટે AIMIMએ દલિત એવા પ્રદીપ પરમારને ટિકિટ આપી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એવી AIMIM મેવાણીની દલિત અને મુસ્લિમ વોટબેંક પર તરાપ મારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, ઓવૈસીએ 6 મહિના પહેલાં વડગામના મજાદર ગામમાં સભા પણ કરી હતી તેમજ તાજેતરમાં પણ ઓવૈસીએ એક જાહેર સભા કરી હતી. આ સીટ પર કુલ 90 હજાર મુસ્લિમ અને 33 હજાર દલિતોના મત છે. જો આ બન્ને જ્ઞાતિના મતો વહેંચાઈ જાય તો મેવાણી માટે બેઠક લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page